થાણે: નવી મુંબઈની કોર્ટે 2016માં પોલીસ અધિકારીના સ્વાંગમાં યુવતી પર બળાત્કાર ગુજારવા બદલ 44 વર્ષના સિક્યોરિટી ગાર્ડને 10 વર્ષની સખત કેદ ફટકારી હતી.
બેલાપુર કોર્ટના એડિશનલ સેશન્સ જજ પરાગ સાનેએ આરોપી સાગર બાબુરાવ ધુલપને ભારતીય દંડસંહિતાની કલમ 376 (બળાત્કાર), 384 (ખંડણી) તથા 170 હેઠળ દોષી ઠેરવ્યો હતો.
કોર્ટે બળાત્કાર બદલ આરોપીને 10 વર્ષની સખત કેદ, પોલીસ અધિકારીનો સ્વાંગ રચવા બદલ બે વર્ષ અને ખંડણી બદલ ત્રણ વર્ષની કેદ ફટકારી હતી. કોર્ટે આરોપી ધુલપને 1,500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
તપાસકર્તા પક્ષ અનુસાર 13 ફેબ્રુઆરી, 2016ના રોજ પીડિતા તેના મિત્ર સાથે કુર્લા વિસ્તારમાંની લોજમાં ગઇ હતી, જ્યાં આરોપી આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી હતી. આરોપીએે પીડિતાનાં માતા-પિતાને આની જાણ કરી દેવાની ધમકી આપીને 30 હજાર રૂપિયાની માગણી કરી હતી.
આરોપી બાદમાં પીડિતાને તુર્ભે વિસ્તારની લોજમાં લઇ ગયો હતો, જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જજ પરાગ સાનેએ બચાવ પક્ષની એ દલીલને ફગાવી દીધી હતી કે જાહેર સ્થળોએ મદદ માટે બૂમ પાડવાની પીડિતાની નિષ્ફળતા સહમતિથી બનેલ સંબંધ સૂચવે છે.
‘પીડિતાની ઉંમર અને તપાસકર્તા પક્ષના સમગ્ર કેસને ધ્યાનમાં લેતા મારો મત એ છે કે ફક્ત આ પરિબળ જ કેસને રદ કરવા માટે પૂરતું નથી. જેમ કે આરોપીએ કહ્યું હતું કે તે પોલીસ અધિકારી છે. આથી પીડિતાએ બૂમો પાડી નહોતી, એવું કોર્ટે નોંધ્યું હતું. (પીટીઆઇ)