ટીના દોશી
ભૂલ
શ્રીકાંત અને શ્રીલેખાનાં લગ્નને પાંચ વર્ષ થઇ ગયાં હતાં, પણ બંને વચ્ચેનો પ્રેમ જોઇને કોઈને પણ એવું જ લાગે કે જાણે ગઈ કાલે જ પરણ્યાં હોય! પરસ્પર આદર, વિશ્વાસ અને સમર્પણના સિંચનથી દાંપત્યબાગને મઘમઘતો રાખ્યો હતો એમણે. બંને એકમેક સાથે સ્નેહસાંકળથી સજ્જડ રીતે જોડાયેલાં હતાં, છતાં એકબીજાને પૂરતી મોકળાશ પણ આપી હતી. પાંચ વર્ષમાં બેયમાંથી કોઈએ એકમેક સાથે ઊંચાં અવાજે બોલવાની નોબત આવી નહોતી. કલહકંકાસ કોને કહેવાય એ એમને ખબર જ નહોતી. બેય પરસ્પરને સારી રીતે સમજતાં. કશું બોલ્યા વિના પણ પરસ્પરનો ચહેરો વાંચીને, આંખો વાંચીને વિચારો જાણી શકતાં. જુગત જોડી હતી એમની. બંને એકબીજા માટે જ સર્જાયા હતાં જાણે. બેયનું લગ્નજીવન કોઈ બંધિયાર કૂવા જેવું નહોતું, પણ ખળખળ વહેતી નદી જેવું હતું. કોઈને પણ ઈર્ષ્યા આવે એવું!
શ્રીકાંતનો પોતાનો બિઝનેસ હતો. ખૂબ મહેનત કરીને જમાવેલો બિઝનેસ.એ સવારે વહેલો નીકળી જતો અને મોડી સાંજે ઘેર પાછો ફરતો. ક્યારેક મીટિગ હોય કે અન્ય કોઈ કારણ હોય તો રાત પડી જતી. શ્રીકાંતને ખાતરી હોય કે શ્રીલેખા દરવાજે ઊભી રહીને રાહ જોતી હશે. એમ જ હોય. શ્રીકાંતે અનેક વાર કહેલું કે, પોતાને આવતાં મોડું થાય તો શ્રીલેખાએ જમીને સૂઈ જવું. પણ શ્રીલેખા આ સલાહ ક્યારેય કાને ન ધરતી. એ બારણે ઊભી રહીને શ્રીકાંતને હસતે મુખે આવકાર આપતી. શ્રીલેખાના હોઠે રમતું હાસ્ય જોઇને શ્રીકાંતનો દિવસભરનો થાક ગાયબ થઇ જતો. શ્રીલેખા ક્યારેય નાકનું ટેરવું ન ચડાવતી. અણગમો ન દાખવતી. કોઈ ખોટો પ્રશ્ન પૂછીને કે નાહકની શંકા વ્યક્ત કરીને શ્રીકાંતને આરોપીના કઠેડામાં ઊભો ન કરતી.
શ્રીકાંત ઘણી વાર કહેતો કે, શ્રી, હું ખરેખર ભાગ્યશાળી છું કે તું મને મળી છે. જો બીજું કોઈ હોત તો કેટલાયે સવાલો કરત. અને હું જવાબ આપી આપીને થાકી જાત. સામે શ્રીલેખા કહેતી: `ભાગ્યશાળી તો હું છું શ્રી, કે તમે મને મળ્યા. મેં પાંચે આંગળીએ પરમેશ્વરને પૂજ્યા હશે એટલે જ તમે મને મળ્યા. તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો મને મનગમતી પ્રવૃત્તિઓ કરવા દેત ખરું?'
શ્રીલેખાની વાત સાચી હતી. પોતે કુશળ ગૃહિણી હતી. સાથે જ અપ્રતિમ બુદ્ધિપ્રતિભા ધરાવતી હતી. ઘર સારી રીતે સંભાળતી. પણ ઘરની સાથે બહારની ઈતર પ્રવૃત્તિઓ પણ એને ગમતી. કિટી પાર્ટીઓમાં સમય વેડફવાને બદલે એ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પરોવાયેલી રહેતી. શ્રીકાંતે ક્યારેય એને આ કાર્યો કરતાં રોકીટોકી નહોતી. ક્યારેક સામાજિક સંદેશો આપતાં નૃત્યનાટિકાઓમાં એ પોતે પણ ભાગ લેતી. દહેજપ્રથા, બેટી બચાવો અને ક્નયાશિક્ષણનો બોધ આપતી કાવ્યપંક્તિઓ પણ લખતી. શ્રીકાંત પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતો, પણ શ્રીલેખાની નાટિકાઓ અને કાવ્યકણિકા સાંભળવા અચૂક જતો અને એને પ્રોત્સાહિત કરતો. શ્રીલેખા સાચું જ કહેતી હતી કે, શ્રીકાંતના સહકારને કારણે જ પોતે મનપસંદ પ્રવૃત્તિઓ કરી શકતી હતી. આમ બંને પરસ્પરને સાથસહકાર આપતાં અને એકમેકની વ્યક્તિગત સ્વતંત્રતાનો આદર કરતા. ક્યારેક બંને એકબીજાને ગાલે મેશનું કાળું ટપકું લગાવતા અને હસીને પરસ્પરને તાળી દઈને કહેતા, જોજો, ક્યાંક કોઈની નજર ન લાગી જાય આપણા હર્યાભર્યા સંસારને! પણ બૂરી નજર લાગી જ ગઈ!
બન્યું એવું કે, એક દિવસ શ્રીલેખાનો સામાજિક સંદેશો આપતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાનો હતો. કાર્યક્રમની વધુ ટિકિટો વેચાય એ હેતુથી શ્રીલેખાએ ગુજરાતી ધારાવાહિકોના ખૂબ જ લોકપ્રિય અભિનેતા ગૌરવકુમારને મુખ્ય અતિથિ તરીકે આવવાનું આમંત્રણ આપ્યું. ગૌરવકુમારે આમંત્રણ સ્વીકાર્યું અને કાર્યક્રમમાં હાજરી આપી. શ્રીલેખાની પ્રતિભાથી પ્રભાવિત થયા. અને વાતવાતમાં કહ્યું કે, તમારે તો સિરિયલોમાં કામ કરવું જોઈએ. ક્યારેક આવો તો વાત કરીએ…'
ગૌરવકુમાર તો ચાલ્યા ગયા, પણ શ્રીલેખાના મનમાં અભિનયનું બીજ રોપતા ગયા. શ્રીલેખાના મનમાં અત્યાર સુધી એવી કોઈ મહેચ્છા નહોતી, પણ ગૌરવકુમારની વાતે એને વિચારતી કરતી કરી દીધી. એ રાત્રે સ્વપ્નમાં એણે પોતાને ટીવી સ્ક્રીન પર અભિનય કરતી, અભિનય માટે પુરસ્કૃત થતાં અને લોકોને વાહવાહી કરતાં જોયા. સવારે જાગી ત્યારે મનમાં રોપાયેલા બીજમાંથી અંકુર ફૂટી ચૂક્યા હતા. એણે નક્કી કરી લીધું કે પોતે સિરિયલોમાં જરૂર કામ કરશે.
આ એક કમભાગી નિર્ણય હતો, જે કાળ બનીને ત્રાટકવાનો હતો, શ્રીલેખાને એની જાણ નહોતી!
શ્રીલેખાએ શ્રીકાંતને કહ્યું કે, `શ્રી, ગૌરવકુમાર કહેતા હતા કે મારે સિરિયલમાં કામ કરવું જોઈએ. મને પણ લાગે છે કે…'
જો શ્રીલેખા...' એકમેકને કાયમ શ્રી નામે વહાલથી સંબોધતાં પતિપત્નીમાં પાંચ વર્ષે પહેલી વાર એવું થયું કે શ્રીકાંતે નારાજગી વ્યક્ત કરતાં પત્નીને શ્રી ને બદલે નામથી સંબોધી. ને કહ્યું:મેં તને ક્યારેય રોકટોક કરી નથી. તું જે ઈચ્છે એ કરવામાં મેં આડા હાથ દીધા નથી. તું સામાજિક કાર્યો કરે એ સારી બાબત છે, પણ સિરિયલોમાં કામ કરવું આપણને શોભે નહીં. ત્યાં તો કેવા કેવા લોકો હોય છે અને સ્ત્રીઓ સાથે કેવો વહેવાર થતો હોય છે એ તું જાણે જ છે ને?'
પણ ગૌરવકુમાર… શ્રીલેખા બોલી: `એ તો કહેતા હતા કે હવે તો કેટલી બધી સ્ત્રીઓ ટીવી પર કામ કરે છે, તો હું પણ કામ કં એમાં ખોટું શું છે?'
ના, શ્રીલેખા, જેણે કામ કરવું હોય એ કરે પણ તારે ટીવીમાં કામ કરવાનું નથી...' શ્રીકાંતે એક એક શબ્દ અને શબ્દના એક એક અક્ષર પર ભાર મૂકતાં કહ્યું:આ તારો ગૌરવકુમાર છે ને એ કેવો છે એ સાંભળ. મારા મિત્ર સુનીલની બહેન સોનાલીને પણ ટીવીમાં કામ અપાવવાનું કહીને ભોળવેલી અને પછી કેરીનો રસ ચૂસીને ગોટલો ફેંકી દઈએ એમ ફેંકી દીધેલી. બીજી કેટલીયે છોકરીઓને પણ ફસાવેલી. સિરિયલમાં કામ આપવાની લાલચ આપીને છોકરીઓને ફસાવવાનો ધંધો છે એનો. હવે તું સમજીને કે હું તને શા માટે ના પાડું છું?'
શ્રીકાંત, ટીવી સિરિયલોમાં કામ કરનારાઓની સૌથી મોટી મુસીબત એ હોય છે કે એમના વિશે અફવાઓ ઊડ્યા જ કરતી હોય છે. પણ એનો અર્થ એવો નથી થતો કે બધી અફવાઓ સાચી હોય. એ તો લોકપ્રિય થવાની કિમત ચૂકવવી પડતી હોય છે. શક્ય છે કે ગૌરવકુમાર વિશે પણ અફવાઓનું બજાર ગરમ હોય… શ્રીલેખાની દલીલ પરથી સ્પષ્ટ થઈ ગયું કે એ કોઈ પણ ભોગે ટીવીસ્ટાર બનીને જ રહેશે.
શ્રીલેખા, મારી તો તને ચોખ્ખી ના છે. શું હું ખોટું કહેતો હોઈશ?' શ્રીકાંતના સ્વરમાં તેજાબની ધાર હતી. એમ તો તું પણ રાત્રે મોડો આવતો હોય છે. મેં કોઈ દિવસ તારા પર સંદેહ કર્યો?' શ્રીલેખાએ શબ્દની છૂરી ચલાવી. અને ઓછું હોય એમ બળતામાં ઘી હોમ્યું: ક્યાંક એવું તો નથી ને કે તને મારી જલન થાય છે?' શેની જલન, બોલ શેની જલન, હં?' શ્રીકાંતને પોતે જે સાંભળ્યું તેના પર વિશ્વાસ ન બેઠો. શું આ એ જ શ્રી છે જેને પોતે દિલોજાનથી ચાહતો હતો!
`હું ટીવીસ્ટાર બની જાઉં, મારી એક ઝલક મેળવવા, મારી સાથે ફોટો પડાવવા અને મારો ઓટોગ્રાફ લેવા પડાપડી કરે, અને તને કોઈ ઓળખે પણ નહીં., એ વાતની જલન!' શ્રીલેખાએ શ્રીકાંતના જખમ પર મીઠું ભભરાવ્યું.
શ્રીકાંત સડક થઇ ગયો. ખરેખર આ શ્રી બોલી રહી છે? આ મારી શ્રીલેખા જ છે કે બીજું કોઈ! શ્રીનું આ રૂપ તો કોઈ દિવસ જોયું જ નહોતું. શ્રી આવી તો નહોતી. કે પછી આવી જ હતી? અથવા તો કદાચ આ જ એનો અસલી ચહેરો હતો!
એ દિવસે સંબંધોમાં તડ પડી અને જોતજોતામાં એ તિરાડ પહોળી થઈને ખાઈ બની ગઈ. શ્રીકાંતે શ્રીલેખાને સમજાવવાના ભરચક પ્રયત્નો કરી જોયા હતા, પણ પથ્થર પર પાણી! જોકે હવે પાણી માથા પરથી વહેવા લાગ્યું હતું. શ્રીલેખાએ ગૌરવકુમાર સાથે ટીવી સિરિયલમાં કામ કરવાનું નક્કી કરી લીધું અને પાત્રને સમજવા બંને વારંવાર મળવા પણ લાગ્યા. જેમને કલેશ એટલે શું એ ખબર નહોતી એ પતિપત્નીના જીવનમાં માત્ર કંકાસ જ રહ્યો. વિશ્વાસ, પ્રેમ, સમર્પણ અને સ્નેહ જેવા શબ્દોએ એમના ઘર અને જીવનમાંથી વિદાય લઇ લીધી. આદર્શ પતિપત્ની તરીકે જાણીતાં શ્રીકાંત અને શ્રીલેખાના શબ્દ કોશમાંથી આદર્શ શબ્દ ઊભી પૂંછડીએ નાઠો. પાછળ રહ્યાં માત્ર અવિશ્વાસ, નફરત, અનાદર અને ગુસ્સો!
શ્રીકાંતે તો હવે શ્રીલેખાને સમજાવવાનું પણ માંડી વાળ્યું હતું. ધીમે ધીમે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેમને એકબીજા વિના ઘડીભર પણ ગોઠતું નહોતું એ પ્રેમીપંખીડાં એકમેક સામે આવવાનું જ ટાળવા માંડ્યા. બે અજનબી એક છત નીચે રહેતાં હતાં બસ. છેલ્લે બંનેએ ક્યારે વાત કરેલી કે સાથે ચા પીધેલી એ બેમાંથી એકેયને યાદ નહોતું. યાદ કરવા પણ માગતાં નહોતાં. ગૌરવકુમાર સાથેના શ્રીલેખાના સંબંધો દિવસે દિવસે ગાઢ બનતા જતા હતા. શ્રીકાંતને કાને શ્રીલેખા વિશેની બેહૂદી વાતો પડતી, પણ એ સમસમીને રહી જતો. જે શ્રીકાંત ટટ્ટાર, ગર્વભેર ચાલતો, એની નજર ઝૂકી ગઈ હતી. એ કોઈની સાથે આંખ મિલાવવાની હિંમત કરી શકતો નહોતો. એને એવું લાગતું કે સામે સૌ કોઈ એની દયા ખાય છે અને પીઠ પાછળ પોતાની ઠેકડી ઉડાડે છે! પણ બસ, હવે બહુ થયું. કંઈક ફેંસલો કરવો પડશે. શ્રીલેખાને ધક્કા મારીને કાઢી મૂકું કે પછી…આવતી કાલે સવારે વાત!
પણ, શ્રીકાંતની આવતી કાલ ન પડી. સૂરજ ઊગ્યો ત્યારે શ્રીકાંત આથમી ચૂક્યો હતો. એનું મૃત્યુ થઇ ગયું હતું. કોઈએ મોડી સાંજે એના માથા પર લોખંડના દસ્તા કે એવી કોઈ ભારે ચીજથી જોરજોરથી પ્રહાર કરીને એને મોતને ઘાટ ઉતારી દીધો હતો!
ઇન્સ્પેક્ટર કરણ બક્ષીએ તપાસ શરૂ કરી. પૂછપરછ દરમિયાન પાડોશીઓ પાસેથી શ્રીલેખા અને ગૌરવકુમારના ચર્ચાના ચકડોળે ચડેલા સંબંધો વિશે ખબર પડી. એ કડી પકડીને કરણ બક્ષીએ કેસ સોલ્વ કરવાની કેડી કંડારી. એમણે શ્રીલેખા અને ગૌરવકુમારની ઊલટતપાસ લીધી. ગૌરવકુમારે કહ્યું કે, `હું તો એક નવી ધારાવાહિક પર કામ કરી રહ્યો છું. અને શ્રીકાંતને હું ઓળખતો સુધ્ધાં નથી. એનું ખૂન કરવાની વાત તો દૂરની છે! તમે ક્યાંક મારા પર શંકા તો નથી કરતા ને?'
`તમારા સંબંધો અંગે…' બક્ષીએ વાક્ય અધૂરું મૂક્યું.
એ તો એવું છે ને કે ટીવીની દુનિયામાં લોકો વિશે અફવા ઊડ્યા કરે છે. એનાથી ટીઆરપી વધે છે...' શ્રીલેખાએ ગૌરવકુમાર સાથેના ચર્ચાસ્પદ સંબંધોનો છેદ ઉડાડી દીધો. પછી મગરનાં આંસુ સારતાં કહ્યું:શ્રીકાંતના મૃત્યુનું મને પણ દુ:ખ છે. આખરે તો હું તેની પત્ની હતી. પ્રાણપ્રિયા હતી. વન મિનિટ, ક્યાંક તમે મારા પર તો શંકા નથી કરતા ને? તો હું તમને કહી દઉં કે ત્રણ દિવસથી હું શ્રીકાંતને મળી જ નથી.'
કરણ બક્ષી નફ્ફટાઈના આ નમૂનાને જોઈ રહ્યો. પછી જેમ બિલાડી ઉંદર પર તરાપ મારે એમ શિકારને સાણસામાં લીધો: `ગઈ કાલે મોડી સાંજે શ્રીકાંતની હત્યા થઇ છે. એ સમયે તમે બંને ક્યાં હતા?'
ગઈ કાલે ને… બંનેએ હડપચી પર આંગળી ટેકવીને યાદ કરવાનો ડોળ કર્યો. આગલા દિવસે કોઈ ફિલ્મમાં જોયેલા દૃશ્યનું સ્મરણ થયું. માથા પર ટકોરા મારીને શ્રીલેખાએ ઠોકી દીધું : `અરે હા, ગઈ કાલે તો સુવિધા સ્પેશિયલમાં મુસાફરી કરી રહેલા એક ટીવી કલાકારને અમદાવાદ સ્ટેશને મળવા ગયા હતા. અમે અમારી નવી ધારાવાહિકમાં એને રોલ આપવા માગતા હતા.'
`હા, હા…હવે મને યાદ આવ્યું.' ગૌરવકુમારે હા માં હા ભણી.
`સુવિધા સ્પેશિયલ, હં… એ તો કોલકાતા મુંબઈ ટે્રન છે ને?' કરણ બક્ષીએ પોતાની પાણીદાર નજર બંનેના ચહેરા પર ટેકવી.
`અ, હા….અમે કોલકાતાથી મુંબઈ જઈ રહેલા કલાકારને મળવા જ ગયાં હતાં.' શ્રીલેખા અને ગૌરવકુમારે કક્કો ઘૂંટે રાખ્યો.
તો તો તમે કાલે શ્રીકાંતને કેવી રીતે મળ્યાં હો?' કરણ બક્ષીએ બંનેની વાત માની લીધી હોય એમ લાગ્યું. એટલે સ્વાભાવિક જ બેય ગુનેગારો મનોમન ખુશ થયા. કરણ બક્ષીને ભોળો કહેવો કે મૂર્ખ એવું વિચારતાં સ્વગત બબડ્યા પણ ખરા:હાશ બચી ગયા!'
કરણ બક્ષીએ તાબડતોબ સ્ટેટમેન્ટ તૈયાર કરાવ્યું. બંનેની સહી લીધી. બંનેના ચહેરા ખીલી ઊઠ્યા, ત્યાં તો કરણ બક્ષીએ એમની સામે હાથકડી લંબાવીને કહ્યું: `શ્રીકાંતની હત્યા કરવાના આરોપ હેઠળ હું તમારા બંનેની ધરપકડ કરું છું. યુ આર અન્ડર એરેસ્ટ!'
બંનેની આંખમાં પડકાર જોઇને કરણ બક્ષીએ સૂચક સ્મિત સાથે કહ્યું: `તમે કહો છો કે કોલકાતાથી મુંબઈ જતી ટે્રનમાં સફર કરી રહેલા કલાકારને મળવા અમદાવાદ સ્ટેશને ગયા હતા, ખરું ને? પણ કોલકાતાથી મુંબઈ જતી ટે્રનના રૂટમાં અમદાવાદ સ્ટેશન આવતું જ નથી, સમજ્યા? હવે ગુનો કબૂલ કરો છો કે પછી…'
બંનેએ ગુનો કબૂલ કરી લીધો. શ્રીલેખાએ કહ્યું: મને ખબર પડી ગયેલી કે શ્રીકાંત મને ઘરમાંથી કાઢી મૂકવાનો હતો. અમને બહુ જ ગુસ્સો આવ્યો. અને અમે આવેશમાં આવીને મેં ખાંડણિયાથી એનું માથું ફોડી નાંખ્યું.' કહીને શ્રીલેખા ચૂપ થઇ ગઈ અને મનોમન વસવસો કરવા લાગી:ટે્રનનું ટાઇમટેબલ જોઈ લીધું હોત તો…'
એક જ ભૂલ બંનેને ભારે પડી હતી!
આવતા અઠવાડિયે નવી કથા