ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકાના ડારી ગામમાં પારિવારિક વિવાદમાં એક હત્યા થઈ હતી. છેલ્લા પાંચ મહિનાથી પિયર રિસામણે રહેલી 42 વર્ષીય પત્નીની તેના પતિએ છરીના સાત ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દીધી હતી. પત્નીની હત્યા કરીને આરોપી પતિ બાઈક અને હથિયાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પરિણીતાએ પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આ હત્યા કેસમાં પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યાવાહી હાથ ધરી હતી.
ઘા ઝીંકીને પત્ની ચંપાબેનનું ઢીમ ઢાળી દીધું હતું
પતિ-પત્ની વિનોદ ધોળીયા અને ચંપાબેન ધોળીયા વચ્ચે ઘણા સમયથી ઘરેલૂ વિવાદ ચાલી રહ્યો હતો. વિનોદના ત્રાસથી કંટાળીને ચંપાબેને તેની સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. મૃતક ચંપાબેન વિનોદ ધોળીયા છેલ્લા પાંચ મહિનાથી ડારી ગામે પિયરમાં રિસામણે રહેતા હતા. ગઈકાલે સવારે પતિ વિનોદ ધોળીયા અચાનક ચંપાબેનના પિયર પહોંચ્યો અને ધારદાર છરી વડે આશરે સાત જેટલા ઘા ઝીંકીને પત્ની ચંપાબેનનું ઢીમ ઢાળી દીધું હતું.
સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચંપાબેનને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીં ફરજ પર હાજર તબીબોએ મહિલાને મૃત જાહેર કર્યા હતા. આ હત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે આ હત્યા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પોલીસે આરોપી વિનોદ ધોળીયાને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ અને નાકાબંધી હાથ ધરી હતી. આ હત્યાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.