Thu Jan 01 2026

Logo

White Logo

રામ ભાલો લાગે-પાતાળ પાણી જાગે : --

4 days ago
Author: Mumbaisamachar Team
Video

વલો કચ્છ - ગિરિરાજ

તાજેતરમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના સિંધ મુદ્દે આપેલા નિવેદન પછી ખૂબ ચર્ચાઓ શરૂ થઇ. શરૂ? અહીંયા તો કચ્છી તરીકે આશાઓ જન્મી. જોકે આવું પહેલીવાર નથી થયું. આ પ્રશ્ન અવારનવાર રાજકીય વિરોધાભાસ ઊપસતા રહ્યા છે. તેની વાત કરીએ એ પહેલા જરા રાજનાથ સિંહને સાંભળી લઈએ. દિલ્હીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે, `આજે સિંધની જમીન ભલે ભારતનો ભાગ નથી પણ સિંધી સભ્યતા હંમેશાં ભારતનો અંગ રહેશે.

જ્યાં સુધી જમીનની વાત છે, સરહદો તો બદલાયા કરે છે. કોણ જાણે કાલે સિંધ ફરી ભારતમાં પાછું આવી જાય! સિંધ અને ભારતનો નાતો જોઈએ તો રામાયણમાં લખેલા શ્લોકથી એ સ્પષ્ટ થાય છે કે સિંધ પ્રદેશ રાજા દશરથના રાજ્યનો ભાગ હતો. આપણી સંસ્કૃતિમાં ગંગા સૌથી પૂજનીય છે પણ બીજા દેશોમાં ભારતની ઓળખ સિંધુ નદીથી થાય છે. વેદનું જ્ઞાન પણ સૌથી પહેલા સિંધ ક્ષેત્રમાં જ આવ્યું હતું.'

પ્રજા - પ્રજા સંપર્ક બનાવાના ભાગરૂપે ભૂતપૂર્વ વિદેશપ્રધાન જશવંતસિંહ 86 સભ્યોના સંઘ સાથે વર્ષ 2006માં રાજસ્થાન સરહદેથી પાકિસ્તાન જઈને ઐતિહાસિક હિંગલાજ યાત્રા પૂર્ણ કરેલી ત્યારે મુનાબાવ - ખોખરાપાર રેલવે વ્યવહાર શરૂ કરવા તો નિર્ણય સુદ્ધાં થઈ ચૂક્યો હતો પણ અમલવારી થઈ નહીં. સંઘમાં જોડાયેલા કચ્છના સાંસદ પુષ્પદાન ગઢવીએ મુનાબાવ ખાતેથી પાકિસ્તાનમાં પગપાળા પ્રવેશ કરતાં પહેલાં યોજાયેલા સમારંભમાં કચ્છ સિંધ હિંગલાજ રૂટ ખોલવાની માગ કરી હતી.

મુંબઈ વાયા માંડવી કરાચી સુધીની સ્ટીમરસેવા હતી અને વિમાનસેવા પણ હતી. તેના ઉલ્લેખ સાથે તેમણે વખતોવખત વિદેશ મંત્રાલય અને સંબંધિત પ્રધાનોને પત્રો લખ્યા હતા અને ગૃહમાં પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. રૂલિંગ પાર્ટી પણ પક્ષની હોવા છતાંય ગુજરાત સરકારે કયારેય એમાં સત્તાવાર રીતે સૂર પૂરાવ્યો નહીં. કારણ હતું - રણમાં દરિયાનું પાણી ઘૂસે છે એટલે બારેમાસ સળંગ રસ્તો ચાલુ ન રહે, ઘૂસણખોરી વધી જશે, વધુ સલામતી દળો જરૂરી છે.

41 વર્ષે ફરી 2006માં રાજસ્થાન - સિંધ વચ્ચે થર એક્સપ્રેસ શરૂ થઇ ત્યારે ગુજરાતનાં રાજકીય પ્રયાસો ક્યાંક સફળ બન્યાં હોત. અમૃતસર નજીકની વાઘા - અટારી સરહદેથી માત્ર ટ્રકોની હેરફેર થતી હોય અને ભારત - પાકિસ્તાન વચ્ચે કરોડોનો વેપાર થતો હોય તો ગુજરાતમાં કચ્છ દ્વારા શા માટે નહીં? સિંધ, રાજસ્થાન અને કચ્છ - ગુજરાત વચ્ચે આઝાદી પહેલાં માર્ગ, રેલવે અને જળવ્યવહાર હતો. કચ્છમાં 1965ના યુદ્ધ સાથે જ આ તમામ માર્ગો બંધ થયા હતા જે આજ દિવસ સુધી બંધ જ છે. ભાગલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેક પ્રેમ તો ક્યારેક ધિક્કારના સંબંધ ઊછરતા રહ્યા, અને પૂર્ણ કક્ષાના બે યુદ્ધને લીધે પડોશી દેશ અને બે પ્રજાઓ વચ્ચેની ખાઇ પહોળી કરી દીધી અને આ વાત કચ્છને સીધી રીતે લાગુ પડે. 

રાષ્ટ્રીય રાજકારણમાં ખાસ તો નરેન્દ્રભાઇના કાર્યકાળમાં પરિમાણ બદલી શકે એવી ઘટનાઓ છે. કારણ કે એની સાથે ગુજરાત - સિંધ સંબંધ અને સંપર્કના પુન:સ્થાપનનો માર્ગ મોકળો થવાની પ્રક્રિયાયે સીધી રીતે જોડાયેલી છે. 2001માં મુખ્ય પ્રધાન બન્યા પછી મોદીની પોતાની પહેલી દિવાળી ભૂકંપગ્રસ્તો સાથે વિતાવીને તેમનાં આંસુ લૂછયા હતા. તો આ જ તાલુકાની ધરતી પર 2003માં કચ્છને પાઇપલાઇન મારફત નર્મદાનાં પાણી પહોંચાડીને સૂકા મુલકના માણસની તરસ છીપાવવાના એક ઐતિહાસિક અભિયાનનો આરંભ પણ એમના હાથે થયો હતો. 

કચ્છના બન્ની - પચ્છમ કે પ્રાંથળના કોઇ મુસ્લિમ, અનુસૂચિત જાતિ, કોળી કે પારધી પરિવારના સભ્યને સામે પાર પાકિસ્તાનના કોઇ ગામમાં વસતા પોતાના સ્નેહી - બાંધવને મળવા જવું હોય તો પહેલાં ભુજ આવવું પડે, ત્યાંથી જોધપુર અને જોધપુરથી કરાચીની થર એક્સપ્રેસ ટે્રન પકડવાની. ઓછામાં ઓછા 2- 3 દિવસ લાગે અને મુસાફરી ખર્ચાળ પણ ખરી. અગાઉ એવું નહોતું. માંડવીથી દરિયાઈ માર્ગે સ્ટીમર માત્ર દશ - બાર કલાકમાં કરાચી પહોંચી શકાતું. મુસાફરી પ્રમાણમાં સસ્તી અને સરળ હતી. યુદ્ધ વખતે સ્ટીમર સેવા બંધ થઈ તે આજ સુધી ફરી શરૂ થઇ નહીં. 
હિંગલાજ માતાજીનું મંદિર પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલું છે. મકરાનના કાઠે આ યાત્રાધામે ભારતમાંથી હિન્દુ શ્રદ્વાળુઓ જાય છે. કચ્છમાં પણ એવી કેટલીક જ્ઞાતિઓ છે જેમના કુળદેવી હિંગલાજ માતા છે. તેથી જો કચ્છ માર્ગે પાકિસ્તાન પ્રવેશની છૂટ અપાય તો બહોળી સંખ્યાના યાત્રાળુઓ ત્યાં ઓછા ખર્ચે જઈ શકે. 

પ્રેમની સરવાણી લઇ જવાની વાત છેડે ત્યારે બે કોમ જ નહીં બે દેશ વચ્ચે માનવતાનો સેતુ સિંધ (પાકિસ્તાન)માં કથા કરવાની મોરારિબાપુની અદમ્ય ઈચ્છા છે, એ પણ નોંધનીય ઘટના બની શકે. 

કચ્છમાં કૂવો ખોદવા કે બોર કરવાનું કામ ચાલે ત્યારે શ્રમજીવીઓ સાથે મળીને પોકારે `રામ ભાલો લાગે, પાતાળ પાણી જાગે.' આ ગાન ગાતાં અનેક દ્રષ્ટાંત આપે અને શ્રમ કરતા જાય. એ જ સરકાર અને પક્ષના પ્રતિનિધિ છે, એટલે જો એ ઈચ્છતા હોય તો આજેય કચ્છ - સિંધ માર્ગ વહેવાર શરૂ કરવાની દિશામાં કેન્દ્રની પહેલ કરાવી શકે છે. કોઈ એમને એમ કરતાં રોકી શકે તેમ નથી. કાશ, સૌને રામ ભાલો લાગે, પાતાળ પાણી જાગે.