રાજકારણી કરતાં કલાકારોની ખુરશીનો મહિમા અનેરો છે
જીનિવા શહેરની બ્રોકન ચેર શાંતિનું પ્રતીક છે
સૅક્સોફોનના સર્જકનો બાંકડો સહેલાણીઓમાં પ્રિય છે
- કામિની શ્રોફ
ખુરશીની વ્યાખ્યા અઢેલીને બેસી શકાય એવી બેઠક ઉપરાંત માનભર્યું સ્થાન એવો પણ થાય છે. ખુરશી આરામ આપે છે તો અમર્યાદ સત્તા પણ આપે છે. ખુરશીમાં બેસી શરીરનો થાક ઉતારી શકાય છે તો એમાં બેઠા બેઠા મગજને પાંખો આવી અનોખા સર્જનમાં પણ એ નિમિત્ત બને છે.
વિશ્વના ઈતિહાસમાં રાજકારણીઓ સિવાયની કેટલીક ખુરશી અનોખું સ્થાન ધરાવે છે. એની દુનિયામાં એક લટાર મારીએ...
બ્રોકન ચેર:
આલ્પ્સ અદ્ભુત પર્વતમાળા યુરોપના આઠ દેશમાંથી પસાર થાય છે. તાજેતરમાં આપણે ત્યાં અરવલ્લી પહાડો મીડિયામાં ખાસ્સા ગાજ્યા એટલે યુરોપ ટૂર વખતે આલ્પ્સના દર્શનનો રોમાંચ યાદ આવી ગયો. આ પર્વતમાળા જે આઠ દેશનો સમાવેશ કરે છે એમાં એક છે સ્વિટ્ઝર્લેન્ડ. સ્વિટ્ઝર્લેન્ડનો ઉલ્લેખ થતાની સાથે આલ્પ્સ પર્વતમાળા ઉપરાંત સ્વિસ વોચ (રોલેક્સ, ઓમેગા, ટેગ હ્યુવર વગેરે) આંખ સામે તરવરવા લાગે અને ચોકલેટ્સ - ચીઝ યાદ આવતા મોઢામાં પાણી આવી જાય.
સ્વિટ્ઝર્લેન્ડનું જીનિવા શહેર સ્વિસ વોચ ઉપરાંત યુરોપિયન યુનાઈટેડ નેશન્સનું હેડ ક્વાર્ટર્સ, રેડ ક્રોસ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને વર્લ્ડ ટે્રડ ઓર્ગેનાઈઝેશન અને હા, વર્લ્ડ બેન્ક માટે ખ્યાતિ ધરાવે છે. જોકે આ બધી જગ્યામાં પ્રવેશ મેળવવો અત્યંત મુશ્કેલ કામ હોવાથી એ ઈમારતોના બાહ્ય દર્શનથી જ આનંદ મેળવી લીધો.
બીજી તરફ, જીનિવા સ્થિત યુએનના કાર્યાલયની બરોબર સામે એક અસાધારણ શિલ્પકૃતિ છે, જે સહેલાણીઓ માટે અચરજનો વિષય છે. `બ્રોકન ચેર' તરીકે ઓળખાતી આ કમાલ મૂળ યુકેના અને જીનિવામાં સ્થાયી થયેલા શિલ્પી ડેનિયલ બેરસેટની છે. 1977માં એનજીઓ હેન્ડીકેપ ઈન્ટરનેશનલ માટે શિલ્પીએ `બ્રોકન ચેર'નું નિર્માણ કર્યું હતું. આ ખુરશી તૈયાર કરવા માટે સાડા પાંચ ટન (5500 કિલો) લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એની ઊંચાઈ 12 મીટર (આશરે 40 ફૂટ) છે અને છેક 1997થી ટટ્ટાર ઊભી છે. આ કોઇ અલભ્ય ફર્નિચરનો પીસ નથી, પણ એની સાથે એક કથા સંકળાયેલી છે, જેના મૂળમાં શાંતિની ભાવના છે. યુદ્ધના સમયે જમીનની અંદર ગોઠવવામાં આવતા જીવલેણ હથિયારના વિરોધનું પ્રતીક છે. ખુરશીનો આગળનો અડધો તૂટેલો પાયો યુદ્ધના વિનાશનો ભોગ બનેલી જનતાની વ્યથાનું પ્રતીક છે.
વ્યક્તિનો વિનાશ કરતી સુરંગના ઉપયોગનો વિરોધ દર્શાવવા અને એના પર પ્રતિબંધ લાવવાના હેતુથી 1997માં એક વિશિષ્ટ સંધિ કરવામાં આવી હતી. વધુમાં વધુ રાષ્ટ્ર એ સંધિ પર સાઇન કરે અને સુરંગનો ઉપયોગ કરવાનું બંધ કરે એ હેતુથી `હેન્ડિકેપ ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન' નામની સંસ્થા દ્વારા આ બ્રોકન ચેર તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જીવ ગુમાવનારા લોકોની વ્યથા તરફ ધ્યાન ખેંચાય એ આશય સાથે આ ખુરશી ત્રણ મહિના માટે ઊભી રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, આજે પણ આ બ્રોકન ચેર અડીખમ ઊભી છે.
સ્ટીફન હોકિગની વ્હિલચેર:
બ્રહ્માંડનાં રહસ્યો માનવજાત સુધી પહોંચાડવામાં આયુષ્ય ખર્ચી નાખનારા બ્રિટિશ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગની વ્હિલચેર તેમના આયુષ્યનું અભિન્ન અંગ હતું. મિસ્ટર હોકિગની જરૂરિયાત અનુસાર તૈયાર કરવામાં આવેલી ઈલેક્ટ્રિક વ્હિલચેર કમ્યુટર સાથે કનેક્ટેડ રહેતી. એનું કામ માત્ર હલનચલન નહોતું, પણ એક સંપર્ક વ્યવસ્થા બની ગઈ હતી. લખાણને વાણીમાં રૂપાંતરિત કરવા જેવી અદ્યતન સગવડો ધરાવતી આ ચેર સતત અપગ્રેડ કરવામાં આવતી હતી, જેથી શારીરિક ક્ષમતા ઘટી ગયા પછી પણ હોકિગ લખી શકતા, ઈ-મેઈલ કરી શકતા અને બોલી પણ શકતા. લંડનના સાયન્સ મ્યુઝિયમમાં આ વ્હિલચેર સાચવી રાખવામાં આવી છે.
સ્ટીફન હોકિગના વ્હિલચેર ચલાવતી વખતે મસ્તીખોર સ્વભાવની કેટલીક રસપ્રદ વાતો જાણીતી છે. કેમ્બ્રિજમાં લટાર મારતી વખતે એક વાત સ્થાનિક ગાઈડે જણાવી હતી. ગાઈડના કહેવા અનુસાર 1977માં હોકિગ પ્રિન્સ ચાર્લ્સને મળ્યા ત્યારે એ વ્હિલચેરના પૈડાં ચાર્લ્સના પગના અંગૂઠા પર ફરી વળ્યાં હતા. ચાર્લ્સને કેટલી પીડા થઈ હતી એ તો ખબર નથી, પણ 1979થી 1990 દરમિયાન યુકેનાં વડા પ્રધાન રહેલાં માર્ગારેટ થેચરના પગ પરથી પોતે ચેર કેમ ન ફેરવી એનો અફસોસ તેમણે વ્યક્ત કર્યો હતો. હોકિગ વિષે એવું કહેવાતું હતું કે એમને જો કોઈ વ્યક્તિ પજવે કે જેમના માટે એમને ચીડ જાગે એની સાથે તે વ્હિલચેરનો `એક્સિડેન્ટ' કરવાનો મોકો ચૂકતા નહીં. આ વાત તેમના કાને પડી ત્યારે હોકિગ સાહેબે વિનોદી ઉત્તર આપ્યો હતો `મને બદનામ કરવા આ અફવા ફેલાવવામાં આવી છે. જે કોઈ આ અફવા આગળ ચલાવશે એના પગ પર હું આ વ્હિલચેર ફેરવી દઈશ!'
સૅક્સોફોનના સર્જકનો બાંકડો:
ખુરશીની પરંપરાગત વ્યાખ્યામાં ફિટ ન બેસે એવા આ બાંકડાની ખ્યાતિ ખુરશી કરતાં અનેકગણી વધારે છે. ભારતીય ફિલ્મ સંગીતમાં જે પશ્ચિમી વાજિંત્રનો કર્ણમધુર ઉપયોગ થયો છે એમાં સૅક્સોફોનનો પ્રભાવ ખાસ્સો છે. સૅક્સોફોન સુષિર વાદ્ય (વિન્ડ ઈન્સ્ટ્રુમેન્ટ) શ્રેણીમાં આવે છે અને યુએસના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન સૅક્સોફોન વગાડવામાં માહેર હતા. બેલ્જીયમના ડિનોં શહેરના રહેવાસી એડોલ્ફ સૅક્સ (Adolphe Sax)એ 1840ના દાયકામાં આ વાજિંત્ર વિકસાવ્યું હતું અને 1846માં એનું પેટન્ટ કરાવ્યું હોવાની એને નોંધ છે. મિસ્ટર એડોલ્ફ પાછળની જિંદગીમાં ફ્રાન્સ સ્થાયી થયા હતા, પણ એમનો ભવ્ય વારસો ડિનોં શહેરના એક નાનકડા મ્યુઝિયમમાં જાળવી રાખવામાં આવ્યો છે. મ્યુઝિયમની બહાર શ્રીમાન ઍડોલ્ફનું કાંસાના પૂતળા સાથેના બાંકડા (એડોલ્ફ સૅક્સ સીટ) પર બેસી અનેક સહેલાણીઓ ફોટા પડાવે છે.
વિન્સેન્ટ વેન હોફ ચેર:
બ્રિટિશ ઇંગ્લિશમાં નેધરલેન્ડ્સના વિશ્વવિખ્યાત પેન્ટરના નામનો ઉચ્ચાર વિન્સેન્ટ વેન ગોફ કરવામાં આવે છે, પણ ડચ લોકો `વિન્સેન્ટ વેન હોફ' બોલે છે. આ કલાકારનું મ્યુઝિયમ એમ્સ્ટર્ડેમમાં છે, પણ તેમની ખુરશીનું તેમણે જ દોરેલું ચિત્ર લંડનની નેશનલ ગેલેરીમાં છે. કોઈ વ્યક્તિની ખુરશીના પેન્ટિંગને વિશ્વમાં ખ્યાતિ મળી હોય એવું આ કદાચ એકમાત્ર ઉદાહરણ હશે. પેઈન્ટિંગમાં ગામડાની લાગે એવી લાકડાની ખુરશી નજરે પડે છે અને એની બેઠક ઘાસ વણાટથી તૈયાર કરાઈ હોય એવી છે. ખુરશી ઉપર એક સ્મોકિગ પાઈપ અને તમાકુ રાખવાનું પાઉચ નજરે પડે છે. પાછળ એક બોક્સ દેખાય છે જેના પર `વિન્સેન્ટ' લખેલું છે. આ ચિત્ર વોન હોફની એક અત્યંત લોકપ્રિય કલાકૃતિ બની ગઈ છે અને પછીના વર્ષોમાં એ પેન્ટરની જે કલાકૃતિઓની વિશેષ ચર્ચા થઈ એમાં આ ખુરશીનો સમાવેશ છે.
આ સિવાય વિશ્વવિખ્યાત ખુરશીઓમાં વિલિયમ શેક્સપિયરની `કોર્ટિંગચેર' જોવાનો પણ લ્હાવો મળ્યો હતો. આ ખુરશી પર બેસી તેમણે `રોમિયો એન્ડ જુલિયટ' કે `હેમલેટ' અથવા `ઓથેલો' કે બીજા કોઈ નાટક કે અન્ય સાહિત્ય સર્જન કર્યું હતું એની કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. આ ખુરશી સાથે તો એમના રોમેન્ટિક જીવનનો એક હિસ્સો જોડાયેલો છે. શેક્સપિયરનાં લગ્ન એન હેથવે સાથે થયા એ પહેલા બંને વચ્ચે પાંગરેલા પ્રેમની આ ખુરશી સાક્ષી છે.
આજ રીતે, કિગ એડવર્ડની ખુરશી ઐતિહાસિક મહત્ત્વ માટે ખ્યાતિ ધરાવે છે. ક્વીન મેરી - બીજાંને બાદ કરતા 14મી સદી પછી ઈંગ્લેન્ડના પ્રત્યેક રાજવીના રાજ્યાભિષેક વખતે 150 કિલો વજનની આ ખુરશી ઉપયોગમાં લેવામાં આવી છે.