(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચેમ્બુરમાં આવેલી મ્હાડા કોલોનીમાં ગુરુવારે વહેલી સવારે એક ઘરમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગવાથી બે જખમી થયા હતા. એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. તો સિનિયિર સિટીઝન આઠ ટકા દાઝી ગયો હતો. હાલ તેના પર ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ ઘટના ગુરુવારે સવારના ૮.૧૫ વાગે ચેમ્બુરના માહુલ ગાંવમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ આઠ માળની બિલ્િંડગના પહેલા માળે આવેલા રૂમ નંબર ૧૧૩માં બની હતી. ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ આગ ફ્લેટની અંદર રહેલા એલપીજી સિલિન્ડર, રેગ્યુલેટર અને ગેસ સપ્લાય પાઈપ સુધી મર્યાદિત હતી. આગ તાત્કાલિક બુઝાવી દેવામાં સફળતા મળી હતી. આગમાં જોકે ઘરમાં રહેલા બે લોકો દાઝી ગયા હતા.
પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ૪૧ વર્ષના કબરેજ ખાનને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે ૭૦ વર્ષના મુખ્તાર અહમદ ખાન સાતથી આઠ ટકા દાઝી ગયા હતા. બંનેને રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ બંનેની હાલત સ્થિર છે. છેલ્લા બે દિવસમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની આ બીજી ઘટના છે. મંગળવારે બપોરે માનખુર્દની એક ચાલીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બે દાઝી ગયા હતા.