Mon Dec 08 2025

Logo

White Logo

અદિયાલા જેલમાં ઇમરાન ખાનને મળી બહેન: : કહ્યું આરોગ્ય ઠીક, પણ માનસિક ત્રાસ અપાય છે...

Adiala   5 days ago
Author: Tejas
Video

રાવલપિંડીઃ પાકિસ્તાનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અને કારાવાસની સ્થિતિને લઈને ચાલી રહેલી લાંબી અટકળો અને સોશિયલ મીડિયા પરની ચર્ચા પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે. ઓગસ્ટ 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઇમરાન ખાનને તેની બહેન ડો. ઉઝમા ખાન સાથે મુલાકાત કરવાની મંજૂરી મળી છે. છેલ્લા લગભગ એક મહિનાથી કોઈ પણ પારિવારિક સભ્યને ઇમરાન ખાનને મળવાની પરવાનગી નહીં હોવાને કારણે તેમના સ્વાસ્થ્ય વિશે વિવિધ અફવાઓ ફેલાઈ રહી હતી, જેને લઈને આજે તેમના સમર્થકોએ પાકિસ્તાનના રસ્તાઓ પર ઉગ્ર વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા.

બહેન ડો. ઉઝમા ખાનની મુલાકાતને પગલે પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇમરાન ખાનના સ્વાસ્થ્ય પરની ચિંતાઓ શાંત થઈ છે. મુલાકાત બાદ ડો. ઉઝમાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇમરાન ખાન સ્વાસ્થ્ય ઠીક છે, પરંતુ તેમને એકાંત કેદમાં રાખવામાં આવ્યા છે અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ડો. ઉઝમાએ એ પણ જણાવ્યું કે ઇમરાન ખાન ખૂબ જ ગુસ્સામાં છે અને તેમણે આ બધી પરિસ્થિતિ માટે પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરને જવાબદાર ગણાવ્યા છે.

ઇમરાન ખાનની આ મુલાકાત દરમિયાન પાકિસ્તાન પંજાબ સરકારે રાવલપિંડી અને ઇસ્લામાબાદમાં અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. અદિયાલા જેલ બહાર આઠ પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટેશન હાઉસ ઓફિસર્સ (SHOs) અને વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. 

સમગ્ર અદિયાલા રોડ પર રાવલપિંડી પોલીસનો મોટો કાફલો તૈનાત હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આઠ કિલોમીટરના વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો હતો, શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાયા હતા, અને આ વિસ્તારના રહેવાસીઓને પણ ફક્ત ID કાર્ડ બતાવ્યા પછી જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.

ભૂતપૂર્વ વડા પ્રધાનને લઈને ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે એક અન્ય મોટા સમાચાર પણ જોર પકડી રહ્યા છે. એવી અટકળો છે કે ખૈબર પખ્તૂનખ્વામાં ઇમરાન ખાનની પાર્ટી (PTI)ની સરકારને બરતરફ કરીને રાજ્યપાલ શાસન (Governor's Rule) લાગુ કરવામાં આવી શકે છે. આ અટકળોનું કારણ એ છે કે ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી ઇમરાન ખાનને મુક્ત કરાવવાના પ્રદર્શનમાં ભાગ લીધો હતો તેમ જ આ વાતને કેન્દ્રીય સ્તરે ઉઠાવ્યો છે.