રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના બે દિવસના સત્તાવાર ભારત પ્રવાસ માટે નવી દિલ્હી આવી પહોંચ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના આગમનને લઈને તૈયારીઓ ચાલી રહી હતી. રાષ્ટ્રપતિ પુતિનના વિમાનનું દિલ્હીમાં લેન્ડિંગ થતાં જ, તેમના વિશેષ વિમાન વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. પુતિન જે ખાસ વિમાનમાં ભારત આવ્યા છે, તેના પર લાલ રંગના મોટા અક્ષરોમાં જે શબ્દ લખેલો છે, તેના અર્થને જાણવા માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
રાષ્ટ્રપતિ પુતિનના વિમાન પર "Россия" એવું લખેલું છે, જે સિરિલિક વર્ણમાળા (Cyrillic Alphabet) માં લખાયેલો શબ્દ છે. આ શબ્દનો અર્થ સરળ ગુજરાતીમાં "રશિયા" થાય છે. પુતિન જ્યારે પણ સત્તાવાર પ્રવાસો પર જાય છે, ત્યારે તેમના આ વિશેષ વિમાનનો ઉપયોગ કરે છે. આ વિમાન ખાસ કરીને રશિયન રાષ્ટ્રપતિ માટે જ બનાવવામાં આવ્યું છે અને તે તેમના કાફલાનું મુખ્ય વિમાન છે.
જે વિમાનમાં રાષ્ટ્રપતિ પુતિન ભારત પહોંચ્યા છે, તે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલંર ઈલ્યુશિન IL-96 (Ilyushin IL-96) વિમાન છે. વિમાનન ક્ષેત્રના નિષ્ણાતોના મતે, આ એ જ વિમાન છે, જેનો ઉપયોગ પુતિને અગાઉ અલાસ્કા પ્રવાસ વખતે પણ કર્યો હતો, ત્યારે પણ આ વિમાન પર લખેલા શબ્દને લઈને ચર્ચા થઈ હતી. અલાસ્કા ખાતે તેમની મુલાકાત અમેરિકન રાષ્ટ્રપતિ સાથે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસના ભાગરૂપે પ્રસ્તાવિત હતી.
રાષ્ટ્રપતિ પુતિનનું વિમાન ભારતમાં લેન્ડ થયું ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના બે દિવસના પ્રવાસ દરમિયાન દિલ્હીમાં સુરક્ષાની સખ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થશે, જેમાં સંરક્ષણ, વેપાર અને અન્ય મહત્વના ક્ષેત્રો પર સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
નિષ્ણાતોએ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનના વિમાનોની તુલના કરતી વખતે પણ આ IL-96 વિમાનની ખાસિયતોનો ઉલ્લેખ કર્યો હતો. આ વિમાન માત્ર એક વાહન નથી, પરંતુ તે રશિયન રાષ્ટ્રપતિની સત્તા અને દેશનું પ્રતિનિધિત્વ પણ કરે છે. તેના પર મોટા અક્ષરોમાં લખાયેલો "Россия" શબ્દ વિદેશી ધરતી પર રશિયાની હાજરી અને ઓળખ દર્શાવે છે.