મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં આવેલા નવા રાબડીયા ગામમાં સરપંચના સહી-સિક્કાનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. ગામના જાગૃત લોકો જ્યારે પંચાયત પહોંચ્યાં ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. ગામલોકોનું કહેવું છે કે, ગ્રામપંચાયતમાં છેલ્લા કેટલાય સમયથી લીલીયાવાડી ચાલી રહી છે. લોકાના કામ પૂરા થતા નથી એટલું જ નહીં પરંતુ કામગીરીના નામે માત્ર લીલીયાવાડી ચાલી રહી છે. ગામના યુવાનોએ એકત્ર થઈને હવે આ સરપંચ બોડીનો વિરોધ કર્યો છે અને ક્યાં કામ માટે કેટલા રૂપિયા વપરાયા છે તેની વિગતો માંગી છે.
ડેપ્યૂટી સરપંચ અને તલાટી કમ મંત્રી રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ
ગામ લોકો કોઈ પણ કામ કરાવવા માટે જાય છે ત્યારે ડેપ્યૂટી સરપંચ અને તલાટી કમ મંત્રી રૂપિયા માંગતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે, આ ગામમાં મહિલા સરપંચ છે, તો તેમની જાણ બહાર તેમની સહી અને સિક્કાનો ખોટી રીતે ઉપયોગ આવી રહ્યો હતો. આવું છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી આવું જ ચાલી રહ્યું હતું. પરંતુ હવે ગામના યુવાનો જાગૃત થયા અને આનો વિરોધ કર્યો. એટલું જ નહીં પરંતુ ગામ લોકોને સાથે રાખીને યુવાનોએ પંચાયત બોડીને સવાલો પણ કર્યાં હતા. આ દરમિયાન ગામ લોકોએ પણ ફરિયાદ કરી કે હા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
26 ડિસેમ્બરે યોજાઈ હતી પંચાયતની સામન્ય સભા
ગામના એક યુવકે જણાવ્યું કે, તારીખ 26 ડિસેમ્બર, 2025ના રોજ પંચાયતની સામન્ય બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન સરપંચે કબૂલ કર્યું કે, મારા સહી અને સિક્કાનો મારી જાણ બહાર ઉપયોગ થઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ સરપંચના સહી અને સિક્કા ડેપ્યૂટી સરપંચના ઘરે રહેતા હોવાનો પણ ખુલાસો કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે, જ્યારથી આ મહિલા ગામના સરપંચ બન્યાં છે, ત્યારથી તેમની પાસે સહી-સિક્કા રહ્યાં જ નથી. સરપંચની ગેરહાજરીમાં કોણ સહી-સિક્કા કરે છે તેની પણ સરપંચને જાણ નથી તેવો તેમણે એક લેટર લખીને ખુલાસો કર્યો હતો.
ગામના યુવાનોએ ગામાં થયેલા કામનો હિસાબ માંગ્યો
આ સાથે ગામના યુવાનોએ ગામમાં કયાં પ્રકારના કામ થયાં છે તેના પણ હિસાબો માંગ્યો છે. જેની આગામી 5 જાન્યુઆરીએ એક બેઠક થવાની છે તેમાં સમગ્ર બાબતે ખુલાસાઓ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે રીતે આ ગામમાં લીલીયાવાડી ચાલી રહી છે તેને જોતા આ મોટું કૌભાંડ લાગી રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે, અમારા ગામમાં ખૂબ જ મોટો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જેથી આ મામલે તાલુકા અને જિલ્લા કક્ષાએથી તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારના દુષણને દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.