Thu Jan 01 2026

Logo

White Logo

ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દોડશે દેશની પહેલી 'વંદે ભારત સ્લીપર' ટ્રેન: : જાણો કેટલું હશે તેનું ભાડું

3 hours ago
Author: Mumbaisamachar Team
Video


નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્ર સરકારા દ્વારા પણ ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળમાં વિકાસકાર્યોની ભેટ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળને નવી અત્યાધુનિક અને ભારતીય રેલવેની ઐતિહાસિક ટ્રેન ભેટમાં આપવા જઈ રહી છે. આ કઈ ટ્રેન છે, આવો જાણીએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બતાવશે લીલી ઝંડી

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકારે ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દેશની પહેલી વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવેએ જણાવ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ આ અત્યાધુનિક સેમી-હાઈ-સ્પીડ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. જોકે, અગાઉ આ ટ્રેન દિલ્હીથી પટના વચ્ચે દોડાવવાની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ હવે આ યોજનાને બદલી નાખવામાં આવી છે.

ફ્લાઇટ કરતા સસ્તું ભાડું

દેશની પહેલી વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ટ્રેન હશે. તે લાંબા અંતરની રાત્રિ મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. 823 મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ટ્રેનમાં કુલ 16 કોચ હશે. જે પૈકી 11 એસી 3-ટાયર, 4 એસી 2-ટાયર અને 1 એસી ફર્સ્ટ ક્લાસ કોચ હશે. જેમાં એસી ફર્સ્ટ ક્લાસનું ભાડું રૂ. 3,600, એસી 2-ટાયરનું ભાડું રૂ. 3,000 અને એસી 3-ટાયરનું ભાડું રૂ. 2,300 નક્કી કરવામાં આવ્યું છે. આ ભાડું ફ્લાઇટની ટિકિટ કરતા સસ્તું છે.

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેન

વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેનની ડિઝાઇન સ્પીડ 180 કિમી/કલાક છે, જોકે, તેને 160 કિમી/કલાકની ઝડપે દોડાવવામાં આવશે. આ ટ્રેનના પરીક્ષણ દરમિયાન તેની સ્ટેબિલિટી  એટલી સચોટ જોવા મળી હતી કે, 180 કિમીની ઝડપે પણ તેમાં પાણીથી ભરેલો ગ્લાસ છલકાયો ન હતો. આ ટ્રેનમાં સલામતી માટે તેમાં સ્વદેશી 'કવચ' એન્ટી-કોલિઝન સિસ્ટમ અને ઇમરજન્સી ટોકબેક સિસ્ટમ લગાવવામાં આવી છે.

વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેનની સુવિધાઓની વાત કરીએ તો ટ્રેનમાં મુસાફરો માટે આરામદાયક ગાદીવાળા બર્થ, મોડ્યુલર પેન્ટ્રી, બાયો-વેક્યુમ ટોઇલેટ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં ગરમ પાણીના ફુવારા જેવી લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ હશે. દરેક કોચમાં સીસીટીવી કેમેરા, રીડિંગ લાઈટ્સ, ચાર્જિંગ પોઈન્ટ અને બાળકોની સંભાળ માટે ખાસ એરિયા બનાવવામાં આવ્યો છે. ખાણીપીણીમાં સ્થાનિક સ્વાદનો ઉમેરો કરતા, ગુવાહાટીથી આસામી અને કોલકાતાથી બંગાળી વાનગીઓ પીરસવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલ્વે દ્વારા આગામી 6 મહિનામાં વધુ 8 સ્લીપર ટ્રેનો અને વર્ષના અંત સુધીમાં કુલ 12 ટ્રેનો શરૂ કરવાના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આગામી વર્ષોમાં સમગ્ર દેશમાં આવી 200 થી વધુ સેમી-હાઈ-સ્પીડ સ્લીપર ટ્રેનો ચલાવવાની કેન્દ્ર સરકારની યોજના છે