ઈરાનમાં ઈસ્લામિક શાસન સામે નાગરિકોનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વર્ષ 2025ના અંતમાં શરૂ થયેલું આ આંદોલન હવે 2026માં પ્રવેશ કરી ચૂક્યું છે, જેણે હવે મજબૂત વિદ્રોહનું સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનોમાં લોકો માત્ર આર્થિક સુધારા જ નહીં, પરંતુ ઈરાનની વર્તમાન સત્તામાં સંપૂર્ણ પરિવર્તનની માંગ કરી રહ્યા છે. આ આંદોલને દેશના 21 પ્રાંતોને પોતાની ઝપેટમાં લીધા છે, જેનાથી ઈરાન સરકારની ચિંતામાં મોટો વધારો થયો છે.
આ વિદ્રોહનું મૂળ કારણ દેશની કથળતી આર્થિક સ્થિતિ અને આસમાને પહોંચેલી મોંઘવારી છે. હાલમાં ઈરાનમાં ફુગાવાનો દર 42 ટકાને પાર કરી ગયો છે અને ઈરાની રિયાલ ડોલરની સરખામણીએ ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયો છે. સામાન્ય લોકો માટે જીવનનિર્વાહ મુશ્કેલ બનતા 28 ડિસેમ્બરે તેહરાનના ગ્રાન્ડ બજારના વેપારીઓએ હડતાળ પાડી હતી, જે જોતજોતામાં આખા દેશમાં ફેલાઈ ગઈ. વર્ષ 2022ના મહસા અમીની આંદોલન પછી આ સૌથી મોટો જનવિદ્રોહ માનવામાં આવી રહ્યો છે.
ઈસ્ફહાન, હમાદાન અને બાબુલ જેવા મોટા શહેરોમાં પ્રદર્શનકારીઓ "તાનાશાહ મુર્દાબાદ" અને "ડેથ ટુ ડિક્ટેટર" જેવા નારા લગાવી રહ્યા છે. આશ્ચર્યજનક રીતે, પ્રદર્શનકારીઓ સુપ્રીમ લીડર અલી ખામેનેઈનો વિરોધ કરીને દેશના ભૂતપૂર્વ શાસક રઝા શાહ પહલવી અને નિર્વાસિત રાજકુમાર રઝા પહલવીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. લોકો ગલીઓમાં ઉતરીને "ડરશો નહીં, આપણે બધા સાથે છીએ" ના નારા લગાવીને એકતા પ્રદર્શિત કરી રહ્યા છે.
સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સુરક્ષા દળો દ્વારા અનેક શહેરોમાં ટીયર ગેસ અને ગોળીબારનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. તેહરાન યુનિવર્સિટીની વિદ્યાર્થી નેતા સરીરા કરીમીની તેના ઘરેથી અટકાયત કરવામાં આવી છે, જેના વિશે હાલમાં કોઈ ચોક્કસ માહિતી મળી રહી નથી. આ દમન છતાં પ્રદર્શનકારીઓ પીછેહઠ કરવા તૈયાર નથી. આ આંદોલનને હવે સુન્ની મૌલાના મોલાવી અબ્દુલ હામિદ અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા જાફર પનાહી જેવી હસ્તીઓનું પણ સમર્થન મળી રહ્યું છે.
ઈરાનની આ સ્થિતિ પર પશ્ચિમી દેશોની પણ નજર છે. અમેરિકી સેનેટર રિક સ્કોટ સહિત અનેક વિદેશી રાજનેતાઓએ ઈરાની જનતાના સાહસના વખાણ કર્યા છે. સ્કોટે જણાવ્યું હતું કે, ઈરાનના લોકો જે રીતે ઝાલિમ તાનાશાહીને ખતમ કરવાની માંગ કરી રહ્યા છે તે પ્રોત્સાહનજનક છે. આ આંદોલન હવે માત્ર આર્થિક મુદ્દા પૂરતું મર્યાદિત ન રહેતા માનવાધિકાર અને લોકશાહીની માંગ તરફ વળ્યું છે, જે ઈરાનના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે.