(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈની લાફઈલાઈન કહેવાતી લોકલ ટ્રેને નવા વર્ષના પહેલા દિવસે મુંબઈ પોલીસના જવાનનો ભોગ લીધો હતો. લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીએ સંતુલન ગુમાવતા સ્ટેશન પર પડ્યો હતો, જ્યાં પ્લેટફોર્મ પર પડ્યા પછી તેનું મૃત્યુ થયું હતું. ટ્રેન અકસ્માતમાં પોલીસના જવાનનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
આ બનાવ 31મી ડિસેમ્બરના રાતના બન્યો હતો, જ્યારે મૃતકની ઓળખ દેવીદાસ સાસ્તે તરીકે કરવામાં આવી છે, જે સહાર ટ્રાફિક ડિવિઝનમાં તહેનાત હતો. પોલીસના જણાવ્યાનુસાર સાસ્તેને હાર્ટ એટેકથી પીડિત હતો. સાતમી ઓગસ્ટથી 25 નવેમ્બર સુધી મેડિકલ લીવ પર હતો, ત્યાર બાદ કલ્યાણની ફોર્ટિસ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. હેલ્થમાં સુધારો થયા પછી કામ પર પરત પણ ફર્યો હતો.
બુધવારે રાતના પોતાની ડ્યૂટી પૂરી કર્યા પછી કોન્સ્ટેબલ સાસ્તે ટ્રેનથી થાણેથી કલ્યાણ સ્થિત પોતાને ઘરે જઈ રહ્યો હતો, જ્યાં ટ્રેન પર ઊભો રહ્યો હતો, જ્યાં ટ્રેન મુલુંડ પહોંચી ત્યારે સંતુલન ગુમાવ્યું હતું, જ્યાં પ્લેટફોર્મ પર પડ્યો હતો. મુલુંડ રેલવે સ્ટેશને હાજર પોલીસે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
અગાઉ ગયા વર્ષે પહેલી જૂનના મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ખાતે પણ એક અકસ્માત સર્જાયો હતો, જ્યાં ઊંધી દિશામાં લોકલ ટ્રેનમાંથી ઉતરતી વખતે લોખંડની રેલિંગમાં ગરદન ફસાઈ જવાને કારણે 27 વર્ષના યુવકનું મોત થયું હતું. રેલવે પોલીસે કહ્યું હતું કે લોકલ ટ્રેનમાં ઉતરવાની કોશિશમાં યુવક વિચિત્ર અકસ્માતનો ભોગ બન્યો હતો.