Mon Dec 08 2025

Logo

White Logo

મુંબઈથી લંડન કરતા અમદાવાદની ફ્લાઈટ મોંઘી : ઇન્ડિગો ક્રાઈસીસને કારણે ભાડા અનેક ગણા વધ્યા

2 days ago
Author: Savan Zalariya
Video

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ભારતની સૌથી મોટી એરલાઈન ઇન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઈટ્સ કેન્સલ થઈ રહી છે, જેને કારણે ભારતના એવિએશન સેકટરમાં ખળભળાટ મચી ગયો છે. ઇન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થતા મુસાફરો અન્ય એરલાઈન્સમાં બુકિંગ કરવા તરફ વળ્યા છે, જેને કારણે ફ્લાઈટ્સના ભાવ અનેક ગણા થઇ ગયા છે.

ઇન્ડિગોની ફ્લાઈટ્સ રદ થતા કેટલાક મુસાફરો કોઈ પણ રીતે તેમનાં ગંતવ્ય સ્થાને પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે બપોરે 1 વાગ્યે એક ફ્લાઈટ બુકિંગ પ્લેટફોર્મ પર તપાસ કરતા કરતા મુંબઈ સમાચારને જાણવા મળ્યું કે મુંબઈથી અમદાવાદની આજે 5 ડિસેમ્બર માટેની માત્ર એક જ સ્પાઈસ જેટની ફ્લાઈટ ઉપલબ્ધ છે, જેનું ભાડું વનવે ભાડું રૂ.63,000થી વધુ છે. 

જ્યારે અમદાવાદથી મુંબઈ માટે આજની કોઈ ફ્લાઈટ ઉપલબ્ધ નથી. જ્યારે આવતી કાલ માટે ફ્લાઈટ ઓછામાં ઓછા રૂ.49,300માં પડી રહી છે.

નોંધનીય છે મુંબઈ થી લંડનની આજ માટેની ફ્લાઈટ રૂ.30,000માં મળી રહી છે. આમ ફ્લાઈટ મારફતે મુંબઈથી લંડન જવા કરતા અમદાવાદ જવું બમણું મોંઘુ પડી રહ્યું છે.

મુંબઈથી દિલ્હીનું ભાડું આસમાને:
વિશ્વભરના સૌથી વ્યસ્ત રૂટ પૈકીના એક દિલ્હી અને મુંબઈ પર ભાડું અધધ વધી ગયું છે. દિલ્હી થી મુંબઈની 5 ડિસેમ્બરની કોઈ ફ્લાઈટ ઉપલબ્ધ નથી, જ્યારે આવતી કાલે 6 ડિસેમ્બર માટે ફલાઈટનું ભાડું રૂ.48,000 થી વધુ છે.  જયારે મુંબઈથી દિલ્હીની આજે 5 ડિસેમ્બરની ફ્લાઈટ્સનું ભાડું રૂ.70,000 સુધી પહોંચી ગયું છે.
આજે દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે કોઈ ફ્લાઇટ ઉપલબ્ધ નથી, જ્યારે દિલ્હી-કોલકાતા માટે, સ્પાઇસજેટની ફક્ત એક ફ્લાઇટ ઉપલબ્ધ છે, જેનું ભાડું લગભગ રૂ. 38,700 છે..

મુંબઈ થી ચેન્નઈ વચ્ચેની સૌથી સસ્તી ફ્લાઇટ લગભગ રૂ. 60,000 ની છે, એ પણ દિલ્હીમાં સ્ટોપ સાથે. આજ ફ્લાઇટ એક અઠવાડિયા પછી રૂ. 4,500 થી ઓછા ભાડામાં મળે છે.

ફ્લાઇટ બુકિંગ પ્લેટફોર્મ પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યું છે. ઇન્ડિગોએ દિલ્હી એરપોર્ટથી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રાજે મધ્યરાત્રી સુધી રદ કરી છે. દેશભરમાં આજે ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ્સ રદ થઇ છે. જેને કોઈ છૂટકો નથી એવા મુસાફરોએ મોંઘીદાટ ટીકીટ ખરીદવા મજબુર બન્યા છે.