Thu Jan 01 2026

Logo

White Logo

અમૃતસર પોસ્ટ ઓફિસમાં પંજાબી ભાષા પર વિવાદ : , કર્મચારીને પંજાબી ન આવતાં વીડિયો વાયરલ

2 hours ago
Author: Devyat Khatana
Video

અમૃતસરઃ ભારતમાં ભાષાનો વિવાદ સતત વધી રહ્યો છે. પહેલા મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો વિવાદ શરૂ થયો હતો જેના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં. હવે પંજાબના અમૃતસરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમૃતસર પોસ્ટ ઓફિસનો છે. જેમાં પોસ્ટ ઓફિસ કર્મચારીને પંજાબી બોલવા માટે કહેવામાં આવી રહ્યું છે. એક વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં કોઈ કાગળ લઈને પોસ્ટ કરવા માટે જાય છે. તેણે કાગળમાં પંજાબી ભાષામાં માહિતી લખી હતી જેને પોસ્ટ ઓફિસ કર્મચારી વાંચી શક્યો નહોતો.

સરકારી ઓફિસોમાં રાજ્યની સ્થાનિક ભાષાનો પણ પ્રયોગ કરવા માંગ

સ્વાભાવિક છે કે, પોસ્ટ ઓફિસ કર્મચારી અન્ય રાજ્યનો હોવાના કારણે તેને પંજાબી ભાષા નહોતી આવડતી, જેથી તેણે તે વ્યક્તિને આમાં શું લખ્યું છે તેવો સવાલ કર્યો હતો! આ બાબતે તે વ્યક્તિ નારાજ થઈ ગયો અને વીડિયો બનાવવા લાગ્યો એટલું જ નહીં પરંતુ પંજાબમાં આવેલા કેન્દ્રીય કાર્યાલયમાં બેઠેલા કર્મચારીને પંજાબી કેમ નથી આવડતી? તેવા સવાલો પણ કરવા લાગ્યો હતો. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, મરાઠી બાદ હવે પંજાબી ભાષાનો વિવાદ શરૂ થયો છે. 

ઓફિસમાં પંજાબી ભાષામાં બોર્ડ ન હોવાના આક્ષેપો

વીડિયો બનાવ્યો તે વ્યક્તિએ માત્ર કર્મચારીને પંજાબી શિખવા માટે જ નહીં પરંતુ આખી પોસ્ટ ઓફિસમાં ક્યાંય પંજાબીમાં સુચના બોર્ડ લગાવેલું નથી તેવો આક્ષેપ પણ કર્યો હતો. આ પંજાબી વ્યક્તિનું માનવું એવું છે કે, જે પણ રાજ્યમાં કેન્દ્રની સેવાઓ ચાલતી હોય તેમાં રાજ્યની સ્થાનિક ભાષાનો પણ પ્રયોગ થવો જોઈએ. અન્ય દરેક ઓફિસોમાં આ નિયમોનું પાલન કરવામાં આવે છે તો પછી કેન્દ્ર સરકારની ઓફિસોમાં કેમ નહીં? આ વીડિયો પર કેટલાક લોકો સારી તો કેટલાક લોકો ખોટી કોમેન્ટ કરી રહ્યાં છે. કેટલાકનું માનવું છે કે, ભારતમાં કોઈ પણ પ્રકારનો ભાષા વિવાદ ના હોવો જોઈએ.

આ વીડિયો વારયલ થતાં અનેક લોકો માંગણી કરી રહ્યાં છે કે, સરકારી ઓફિસોમાં સ્થાનિક ભાષાનો જ પ્રયોગ થવો જોઈએ. જ્યારે કેટલાક લોકો આ મુદ્દાને ખોટો ગણાવી રહ્યાં છે. મહારાષ્ટ્રથી શરૂ થયેલો ભાષા વિવાદ હવે પંજાબ સુધી પહોંચી ગયો છે તેના કારણે આ લોકો આ વીડિયોની નિંદા કરી રહ્યાં છે.