ગૌરવ મશરૂવાળા
ગયા અઠવાડિયે આપણે લક્ષ્મી કેટલી ચંચળ હોય છે એ વિશે વાત કરી ગયા. હવે આવી ચંચળ લક્ષ્મીને વશમાં રાખવી એના વિશે વાત કરીએ...
ગયે અઠવાડિયે આપણે ગામડેથી આવેલા હરિરામભાઈએ જાત ઘસીને કઈ રીતે સંપત્તિનું સર્જન કર્યું અને પછી ત્રીજી પેઢીના આગમન સાથે એ સંપત્તિનું કઈ રીતે ક્રમશ: વિસર્જન થતું ગયું એ પણ આપણે જાણ્યું-એનાં કારણ પણ જાણ્યાં...
આવી હરિરામભાઈએ જાતમહેનતથી મેળવેલી સંપત્તિને વશમાં રાખવા માટે આધ્યાત્મિક શક્તિની લગામ જરૂરી છે...
પૈસા, શક્તિ અને સામર્થ્ય બન્ને ધરાવે છે. જો આ શક્તિ અને સામર્થ્યને યોગ્ય રીતે વાપરવામાં ન આવે તો પૈસો માણસને ઉપયોગી થવાને બદલે નુકસાનકર્તા બની જાય. માણસ પૈસાનો દાસ બની જાય. પૈસો એને પોતાની આંગળીએ નચાવવા લાગે. પૈસા માટે ઝઘડા, લડાઈઓ અને એકમેકને હરાવવાના પેંતરા શરૂ થઈ જાય. માણસ ખોટા રસ્તે પૈસો ભેગો કરવા માંડે. આ ઘમાસાણમાં દુર્બળ માણસ પાછળ રહી જાય, સામર્થ્યવાન વધુ ને વધુ સંપત્તિ એકત્રિત કરતો જાય.
પૈસો ‘શક્તિ’ છે. દેવીઓને આપણે શક્તિનું સ્વરૂપ ગણીએ છીએ. જો માણસ પૈસાનો શક્તિના સ્વરૂપ તરીકે આદર કરશે તો એને અવશ્ય લાભ થશે. લક્ષ્મીદેવીને માતાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.
સૌથી પહેલાં તો, માતા ક્યારેય પોતાના સંતાનને નુકસાન પહોંચાડતી નથી. એ હંમેશાં બાળકનું રક્ષણ કરે છે. બાળકની સુખાકારી માટે એ પોતાની તમામ શક્તિ કામે લગાડી દે છે. આથી ધનનો જો આપણે માતાની જેમ આદર કરીશું તો તે આપણી રક્ષા કરશે.
બાળક ક્યારેય માતાનો ખોટી રીતે ઉપયોગ નહીં કરે. માતા કોઈ વસ્તુ નથી. માતાનો એક ચીજ તરીકે જોવાનો અને ઉપયોગ કરવાનો વિચાર માત્ર તન-મનમાં ધ્રુજારી પેદા કરી દે છે. આથી જો આપણે પૈસાને લક્ષ્મીમાતા તરીકે નિહાળીશું તો ક્યારેય એનો ખોટી રીતે ઉપભોગ નહીં કરીએ, આપણે તેને સારાં કામમાં ખર્ચીશું. પૈસાનો ઉપભોગ કરવામાં અને તેને સારી રીતે ખર્ચવામાં ફરક છે.
માતા સાથે સંતાનનો એક જ સંબંધ હોઈ શકે છે - આદરનો. સામે પક્ષે, માતા સંતાનની રક્ષા કરે છે, એની સુખાકારીનો ખ્યાલ રાખે છે. માતા અને સંતાન વચ્ચેનો આ સંબંધ પ્રેમનો સંબંધ છે. આ એક પવિત્ર નાતો છે.
પૈસા સાથે એવો જ વ્યવહાર કરો જેવો તમે તમારી માતા સાથે કરો છો. સૌથી પહેલાં તો, સંપત્તિની કાળજી લો, એને સાચવો. પૈસા સંબંધિત દસ્તાવેજો અને કાગળિયાંની વ્યવસ્થિત ફાઈલ બનાવો, વિગતો અપડેટ કરતા રહો, ખર્ચ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે તેના પર નજર રાખો. ધનને બેન્કના ખાતામાં, તિજોરીમાં કે પર્સમાં નિષ્ક્રિય પડી રહેવા ન દો. પૈસા ખર્ચો, વેડફો નહીં. પૈસાના મામલામાં જવાબદારીપૂર્વક વર્તો. અહમ્ સંતોષવા માટે, ઈર્ષ્યાના માર્યા કે હતાશ થઈને પૈસા ન વાપરો.
માતાનો પ્રેમ બિનશરતી છે. માતાના પ્રેમ માટે બાળક ક્યારેય અસલામતી કે ઉચાટ અનુભવતું નથી. એને પોતાની મા પર સંપૂર્ણપણે શ્રદ્ધા હોય છે. બાળકને જરૂર પડે ત્યારે માતા હંમેશાં હાજર થઈ જાય છે. સંપત્તિના મામલામાં પણ અસલામતી કે ઉચાટ ન અનુભવો. જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે લક્ષ્મીમાતા હાજર થઈ જ જશે. લક્ષ્મીમાતા પર શ્રદ્ધા રાખો.
માતા ક્યારેય આપણા માટે ક્ષોભ કે શરમનું કારણ બનતી નથી. તમારી પાસે ગમે તેટલા પૈસા હોય, ક્યારેય શરમ ન અનુભવો. જે રીતે આપણે આપણી માતાની સરખામણી બીજાઓની માતા સાથે કરતા નથી તે રીતે આપણી ધનસંપત્તિની તુલના પણ અન્યો સાથે ન કરવી જોઈએ. કોઈની માતા નાજાયઝ કે ગેરકાનૂની હોતી નથી. આથી કાળાંધોળાં કરીને કે કરચોરી કરીને નાજાયઝ સંપત્તિ એકઠી કરવી નહીં. ધનસંપત્તિને મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશવા દો - કાયદેસર રીતે, નીતિપૂર્વક, સન્માન સાથે.
માતાનો પ્રેમ સૌની સાથે વહેંચવાનો હોય. માનો પ્રેમ વહેંચવાથી ઘટતો નથી. તે જ રીતે લક્ષ્મીદેવીનો પ્રેમ પણ સૌની સાથે વહેંચો. સમાજ સાથે, દેશ સાથે, માનવજાત સાથે, પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટિ સાથે.
બીજી તરફ, જો આપણે દેવી સમાન સંપત્તિ પ્રત્યે આધ્યાત્મિક અભિગમ કેળવીને તે અનુસાર વ્યવહાર નહીં કરીએ તો સંપત્તિ નુકસાનકારક નીવડી શકે છે. જો આપણે તેનો આદર નહીં કરીએ, એને લીધે શરમનો અનુભવ કરીશું, બીજાઓ સાથે એની સરખામણી કરીશું, ખોટા રસ્તે કમાઈશું (એટલે કે પાછલા દરવાજેથી એને ઘરમાં લાવીશું), એના પર અવિશ્વાસ કરીશું અને બીજાઓ સાથે વહેંચીશું નહીં તો આપણે પૈસાના મામલામાં અસલામતી અનુભવતાં થઈ જઈશું. મન ઉચાટભર્યું અને અશાંત રહેશે, આપણે અહંકારી બની જઈશું. આ તમામ વાત આપણા માટે હાનિકર્તા સાબિત થશે.
આથી જ ઋષિમુનિઓએ ધનને લક્ષ્મીદેવીનો દરજ્જો આપ્યો છે. એની સાથે સન્માન અને ભક્તિભાવભર્યો વ્યવહાર કરીએ. જો આમ કરીશું તો એ ક્યારેય પોતાનાં સંતાનોને નિરાશ ન કરે.