(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ આગામી તા. 22/12/2025 થી જરૂરિયાતમંદોને નિઃશુલ્ક અનાજ વિતરણ કરવાને બદલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા તેમના બેન્ક ખાતામાં રકમ જમા કરાવવા સરકાર તૈયારી કરી રહી હોવાના સરકારના નિર્ણયને નવી મુંબઈ સ્થિત સંસ્થા ઘી ગે્રન રાઈસ એન્ડ ઓઇલસીડ્સ મર્ચન્ટસ એસોસિએશન (ગ્રોમા) દ્વારા આવકારવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડ ભારત સરકારના ચેરમેન શ્રી સુનિલ સિંઘીજી અને બોર્ડના સભ્યા તથા ગ્રોમાના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલીના દ્વારા થયેલી વારંવાર રજુઆતોને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા હાલમાં જરૂરિયાતમંદોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેમના બેન્ક ખાતામાં નિશ્ચિત રકમ જમા કરાવવા મંજૂર કરવામાં આવેલ છે.
પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (પીડીએસ)નાં નિશ્ચિત ભાવ અને ખુલ્લા બજારના ભાવને કારણે બજાર કિંમતોમાં ભારે અસમાનતા ઊભી થતી હોવાથી દેશના અર્થશાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી ગ્રોમા દ્વારા અગાઉ પણ અનેકવાર પત્ર દ્વારા ડીબીટી દ્વારા જરૂરિયાતમંદોના બૅન્ક ખાતામાં ખાતરીપૂર્વકની રકમ જમા કરવામાં આવે, એવી રજૂઆત કરવામાં આવી હતી.
લાભકર્તા પાસે જો પૈસા હોય, તો તેઓ ખુલ્લા બજારમાંથી ઇચ્છિત અનાજ જરૂરિયાત મુજબ ખરીદી શકે. મફતના રેશનિંગના બે-ત્રણ વર્ષ જૂના અનાજ કરતાં ચોક્કસ રકમ જમા કરાવવાથી સરકારને બચતની સાથે ઘણા લાભો પણ મળી શકે છે, એમ ગ્રોમાના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું.