Sat Dec 13 2025

Logo

White Logo

અમદાવાદમાં બાળલગ્ન બદલ યુવકને 1 વર્ષની જેલ અને ₹ 50 હજારનો દંડ, : કોર્ટે માતા-પિતા સામે પણ તપાસના આપ્યા આદેશ

1 day ago
Author: Mayur Kumar Patel
Video

અમદાવાદઃ બાળલગ્ન કરવા ગુનો હોવાનું જાણવા છતાં કેટલાક લોકો કરતા હોય છે. અમદાવાદમાં સેશન્સ કોર્ટે બાળલગ્ન બદલ 25 વર્ષના યુવકને એક વર્ષની જેલ અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો હતો. જોકે 2022માં તેની સાસુ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં શંકાનો લાભ આપીને બળાત્કારના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

આ યુવકને સગીરા સાથે લગ્ન કરવા બદલ સજા ફટકારવામાં આવી હતી. એડિશનલ જજ એ બી ભટ્ટે તેની માતા સામે પણ લગ્નની મંજૂરી આપવા બદલ અને આરોપીના માતા-પિતા સામે વહેલા લગ્ન માટે દબાણ કરવા બદલ તપાસના આદેશ આપ્યા હતા. 

સરકારી ન્યાયાધીશ કે. જી. જૈન અને ડી. એમ. ઠાકોરના જણાવ્યા અનુસાર જૂન 2021માં આ લગ્ન થયાં હતાં. યુવતીએ તેની માતાને જણાવ્યું હતું કે તેના મંગેતરે તેના અશ્લીલ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને વહેલા લગ્ન માટે બ્લેકમેલ કરી હતી.

લગ્નના થોડા અઠવાડિયા પછી યુવતીએ વારંવાર વૈવાહિક બળાત્કારની ફરિયાદ કરીને તેની માતાના ઘરે પરત ફરી હતી. જૂન 2022માં માતાએ ઓઢવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રાયલ પછી કોર્ટે યુવકને બળાત્કારના આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો, પરંતુ બાળ લગ્ન કરવા અને દબાણ કરવા બદલ તેને દોષિત ઠેરવ્યો હતો.

આરોપીને સજા સંભળાવતી વખતે કોર્ટે જણાવ્યું હતું કે, બાળલગ્ન બાળકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે અને છોકરીઓના શિક્ષણ અધૂરા રહેવા માટે જવાબદાર છે. કોર્ટમાં એ સ્થાપિત થયું કે બાળ લગ્નથી વહેલી ગર્ભાવસ્થા થઈ શકે છે, જે જન્મ લેનાર બાળકના વિકાસને અસર કરે છે. તેથી, કાયદો બાળ લગ્નને પ્રતિબંધિત કરે છે, અને તેને અટકાવવાની જવાબદારી લગ્ન કરાવનાર તેમાં ભાગ લેનાર અથવા મદદ કરનારની છે. કોર્ટે ભોગ બનનારની માતા અને આરોપીના માતા-પિતાને લગ્ન કરાવવા માટે જવાબદાર ઠેરવ્યા  હતા. ઉપરાંત કોર્ટે પીડિતાને ₹ 25000નું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.  

ઉલ્લેખનીય છે કે મહેસાણા પંથકમાં 12 વર્ષની ગર્ભવતી સગીરા સામે આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. કેટલાક સમાજમાં બાળલગ્નનું દૂષણ હાલમાં પ્રવર્તી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા આઠ મહિનામાં 13થી 17 વર્ષ ઉંમરની 341 સગર્ભા આરોગ્ય વિભાગની ટીમની તપાસ દરમિયાન સામે આવી હતી, જેનાથી જિલ્લામાં બાળલગ્નના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થયું હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. આ અંગે 'મુંબઈ સમાચારે' ખાસ ટોક શો કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દેશમાં દર મિનિટે ત્રણ બાળ લગ્ન થાય છે. બાળ લગ્નને રોકવા માટે જાગૃતતા સાથે બાળ લગ્નમાં ભાગ લેનાર વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.