મેસીનો કોલકાતા-પ્રવાસ સંપૂર્ણ ગેરવ્યવસ્થા તથા પ્રેક્ષકોના તોફાનને કારણે ખરડાઈ જતાં ભારતની ગરિમાને નુકસાનનો ભય
અજય મોતીવાલા
મુંબઈઃ ભારતમાંથી ખેલકૂદ જગતને દર વર્ષે ચેસ, બૉક્સિંગ સહિત અનેક રમતોમાં નવા-નવા વર્લ્ડ ચૅમ્પિયનો મળી રહ્યા છે, ધર્મની જેમ પૂજાતી ક્રિકેટની રમતમાં ભારત અત્યારે વન-ડે તથા ટી-20માં નંબર-વન અને ટી-20માં વિશ્વવિજેતા છે અને ભારતમાં પ્રતિવર્ષ અનેક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તથા ઍથ્લીટો વિવિધ ટૂર્નામેન્ટમાં રમવા આવતા હોય છે, પરંતુ શનિવારે ફૂટબૉલના સુપરસ્ટાર અને વર્લ્ડ ચૅમ્પિયન દેશ આર્જેન્ટિનાના ફૂટબૉલ-લેજન્ડ લિયોનેલ મેસીના પ્રવાસ દરમ્યાન કોલકાતામાં સ્ટેડિયમમાં જે ગેરવ્યવસ્થા થઈ તેમ જ પ્રેક્ષકોએ મગજ પરથી કાબૂ ગુમાવીને તોફાનો કર્યા એ જોતાં ભારતમાં આવનારા કેટલાક વર્ષોમાં જે મોટી રમતગમત સ્પર્ધાઓ યોજાવાની છે એના પર ચર્ચા થવા લાગી છે. ખુદ મેસીએ કોલકાતામાં ગેરવ્યવસ્થા હોવા તરફ ધ્યાન દોર્યું છે.
2030ની સાલની કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે. ઇંગ્લૅન્ડે વિશ્વમાં જેટલા દેશો પર રાજ કર્યું હતું એમાંના 70થી પણ વધુ દેશો કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેતા હોય છે એટલે સ્વાભાવિક છે કે પાંચ વર્ષ પછી અમદાવાદમાં આ દેશોના હજારો ઍથ્લીટો તથા ખેલાડીઓ ઊમટી પડશે. એટલું જ નહીં, વિદેશોમાંથી હજારો ને લાખો લોકો પોતાની પસંદગીની હરીફાઈઓ જોવા ભારત પધારશે. ત્યાર બાદ 2036ની ઑલિમ્પિક ગેમ્સનું યજમાનપદ પણ ભારતને (અમદાવાદને) મળવાની સંભાવના છે. કોલકાતાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં મેસીની ઝલક જોવા પણ ન જોવા મળી એને પગલે હજારો પ્રેક્ષકો વિફર્યા અને તોફાનો પર ઊતરી આવ્યા ત્યાર બાદ હવે આખું વિશ્વ ભારતમાં પોતાના સ્પોર્ટ્સપર્સન્સને પૂરતી સલામતી મળી રહેશે કે કેમ એની ખાતરી અત્યારથી ઇચ્છતા હશે.
મેસીનો કોલકાતા-પ્રવાસ સંપૂર્ણ ગેરવ્યવસ્થા #MessiInIndia #MessiInKolkata #Messi𓃵 pic.twitter.com/LtVjWQhd8y
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) December 13, 2025
ભારત ઉપરાંત કતાર, તૂર્કી, ઇન્ડોનેશિયા (જકાર્તા) સ્વતંત્ર રીતે 2036ની ઑલિમ્પિક્સનું આયોજન કરવા માગે છે. ખાસ કરીને કતારમાં 2022નો ફિફા વર્લ્ડ કપ સફળતાપૂર્વક યોજાઈ ગયો હોવાથી એ પણ રેસમાં છે, પરંતુ ભારત અને તૂર્કીનો ઘોડો સૌથી આગળ હોવાનું મનાય છે. 2028ની ઑલિમ્પિક્સ અમેરિકાના લૉસ ઍન્જલસમાં અને 2032ની ઑલિમ્પિક્સ ઑસ્ટ્રેલિયાના બિસ્બેનમાં યોજાવાની છે. 2028ની સાલમાં 2036નો યજમાન દેશ નક્કી થશે એવી સંભાવના છે અને એમાં અમદાવાદ મેદાન મારી જશે એવી પાક્કી શક્યતા છે.
કોલકાતામાં 50,000 પ્રેક્ષકોની હાજરીવાળા સૉલ્ટ લેક સ્ટેડિયમમાં શનિવારે મેસીની મુલાકાતના પ્રસંગે પ્રેક્ષકગણમાંથી જે તોફાનો થયા, તોડફોડ થઈ એના પરથી હવે બોધ લઈને ભારતે 2030ની કૉમનવેલ્થ ગેમ્સ અને (અમદાવાદને આયોજનનો અવસર મળે તો) 2036ની ઑલિમ્પિક્સ વખતે તમામ સ્પર્ધકો તથા અધિકારીઓને પૂરતી સલામતી મળી રહે એની ખાતરી ભારતે અત્યારથી વિશ્વને કરાવવી પડશે. જોકે પશ્ચિમ બંગાળની શનિવારની ઘટના જેવું મિસ-મૅનેજમેન્ટ અમદાવાદમાં થવાની કોઈ જ શક્યતા નથી, પરંતુ ખેલકૂદ જગત તો આવનારા સમયમાં ભારત પાસે જવાબ ઇચ્છશે જ. ખાસ કરીને યુરોપના દેશો (કે જેમાંના ભારત-વિરોધી અભિગમ ધરાવતા હોય એવા દેશો) અત્યારથી જ ` ભારતમાં ખેલાડીઓની સલામતી'નો પ્રશ્ન ગૂંજવી રહ્યા છે.
કોલકાતામાં પ્રેક્ષકોનો પણ દોષ
કોલકાતા (kolkata)ના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં લોકો 4,500 રૂપિયાથી માંડીને 10,000 રૂપિયા સુધીની (કેટલાક તો બ્લૅક માર્કેટમાંથી) ટિકિટ ખરીદીને આવ્યા હતા. તેમણે કૉલ્ડ ડ્રિન્કના એક ગ્લાસ માટે 150થી 200 રૂપિયા ચૂકવ્યા હતા. કેટલાક ફૂટબૉલપ્રેમીઓ પોતાના પુત્ર કે પુત્રીને લઈને અથવા સંપૂર્ણ પરિવાર સાથે આવ્યા હતા. શતાદ્રુ દત્તા નામના આયોજકે મેસીની ગે્રટેસ્ટ ઑફ ઑલ ટાઇમ (જી.ઓ.એ.ટી.) ટૂરનું આયોજન કર્યું. જોકે પશ્ચિમ બંગાળના શાસક તૃણમૂલ કૉંગે્રસ (ટીએમસી)ના ટેકેદારો સલામતી કવચ ભેદીને મેદાન પર મેસીની આસપાસ પહોંચી ગયા તેમ જ બીજા રાજકારણીઓ અને અધિકારીઓ તથા સેલિબ્રિટીઝ પણ આવી પહોંચતાં જમાવડો થઈ ગયો હતો અને દૂર સ્ટૅન્ડ્સમાંથી પ્રેક્ષકોને મેસી જોવા જ નહોતો મળ્યો. મેદાન પર અરાજકતા થઈ જતાં મેસીએ માત્ર 10 મિનિટમાં ત્યાંથી જતા રહેવું પડ્યું એટલે પ્રેક્ષકો વિફર્યા હતા અને તોફાનો શરૂ કરી દીધા હતા જે નહોતું થવું જોઈતું. જોકે આ તોફાનો તરત દબાવી દેવા જોઈતા હતા.

હજારો રૂપિયાની ટિકિટો ખરીદી હોવા છતાં મેસીની ઝલક સુદ્ધાં ન જોવા મળે તો લોકો હતાશ થાય એ સ્વાભાવિક છે, પરંતુ મેસી (Messi) જેવી મોટી હસ્તીની વિઝિટ પ્રસંગે તોફાનો કરવા અને તોડફોડ કરવી એ તો ગાંડપણ જ કહેવાય. શિસ્તતા જાળવવાની અને સ્ટેડિયમની તેમ જ સમગ્ર દેશની ગરિમાને નુકસાન ન થાય એ જોવાની સામાન્ય લોકો (પ્રેક્ષકો)ની પણ નૈતિક જવાબદારી કહેવાય. ખેલકૂદ જગતની એક સર્વોત્તમ હસ્તી ભારતમાં આવી હોય ત્યારે અને ખાસ કરીને આવનારા એક દાયકામાં મોટી ખેલકૂદ સ્પર્ધાઓ ભારતમાં યોજાવાની હોય ત્યારે આવી ધમાલ ન જ કરાય. મેસીની વિઝિટ સંબંધમાં ઑર્ગેનાઇઝરની વ્યવસ્થામાં કચાશ ખરી, પણ પ્રેક્ષકોની પણ જવાબદારી બને છે કે તેમણે ભારતની છબિ ખરાબ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. હવે પછી બીજી સ્પોર્ટ્સ સેલિબ્રિટીઝ વિચાર કરશે કે ભારતમાં જો સ્પોર્ટ્સપ્રેમી પ્રજા આવા ગાંડપણ પર ઊતરી જાય તો ભારતનો પ્રવાસ કરવો કે નહીં?
કાંબળી ઈડનમાં રડી પડ્યો હતો
કોલકાતાના જ ઈડન ગાર્ડન્સની 1996ની ઘટના યાદ છેને? વન-ડેના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની સેમિ ફાઇનલમાં ભારતીય ટીમ 252 રનના લક્ષ્યાંક સામે જીતી શકે એમ હતી, પરંતુ ભારતની બૅટિંગ લાઇન-અપનું પતન થતાં (ભારતનો સ્કોર જ્યારે 34.1 ઓવરમાં 8/120 હતો ત્યારે) પ્રેક્ષકોએ તોફાનો શરૂ કર્યા હતા જેને પગલે છેવટે મૅચને બાય ડિફૉલ્ટ જાહેર કરીને શ્રીલંકાને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. વિનોદ કાંબળી 49 મિનિટ સુધી ક્રીઝ પર રહીને 10 રને અણનમ રહ્યો હતો અને તે આ બધી આઘાતજનક સ્થિતિ તથા ઘટનાઓ જોઈને રડી પડ્યો હતો. છેવટે એ વર્લ્ડ કપની ટ્રોફી શ્રીલંકાએ જ જીતી લીધી હતી.
બેંગલૂરુમાં આરસીબીના સેલિબે્રશન વખતે નાસભાગ થયેલી
આ વર્ષની ચોથી જૂને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ની પ્રથમ આઇપીએલ ટ્રોફીને લગતા સેલિબે્રશન વખતે બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ગેરવ્યવસ્થાને કારણે જે નાસભાગ થઈ હતી અને 11 વ્યક્તિના મૃત્યુ થયા હતા એ ઘટના હજી ભુલાઈ નથી ત્યાં કોલકાતાના સ્ટેડિયમના તોફાનોને કારણે દેશમાં ખેલકૂદના ક્ષેત્રે નવી ચર્ચા શરૂ થઈ છે. બેંગલૂરુની ઘટનામાં પોલીસ સહિતના સત્તાધીશોને વ્યવસ્થા માટે ગણતરીના કલાકો જ મળ્યા હતા, પણ કોલકાતામાં મેસીના પ્રવાસનું શેડ્યૂલ તો લગભગ બે મહિના પહેલાંથી બની ગયું હોવાથી શનિવારે કોલકાતાના સ્ટેડિયમમાં (પ્રેક્ષકોને પણ મેસીને જોવા મળે એવી) પાક્કી વ્યવસ્થા થવી જ જોઈતી હતી. આશા રાખીએ ભવિષ્યમાં બેંગલૂરુ અને કોલકાતા જેવી (દેશને લાંછન લગાડતી) ઘટના ફરી ન બને.