Thu Jan 01 2026

Logo

White Logo

લેન્ડ રેવન્યુ એક્ટ અંગે ફેરવિચાર : કરવા ગુજરાત સરકારે કમિટી રચી

1 day ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ રાજ્ય સરકારે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯, તેના સંલગ્ન નિયમો અને ઠરાવોની સમીક્ષા કરવા અને જરૂરી સુધારા સૂચવવા માટે એક સમિતિની રચના કરી છે.

નિવૃત્ત આઈએએસ અધિકારી સી. એલ. મીણાની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિમાં નિવૃત્ત આઈએએસ અધિકારીઓ એમ. બી. પરમાર અને અનીસ માંકડ, સભ્ય સચિવનો સમાવેશ થાય છે અને તેમને છ મહિનાની અંદર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરવા માટે કહેવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ અંગેનું જાહેરનામું ૨૨ ડિસેમ્બરે બહાર પાડવામાં આવ્યું હતું.

જાહેરાત મુજબ, પેનલ કાયદા સાથે જોડાયેલા મહેસૂલ વિભાગના નિયમો, ઠરાવો અને માર્ગદર્શિકાઓની તપાસ કરશે અને યોગ્ય ફેરફારોની ભલામણ કરશે. આ સાથે વિવિધ ચુકાદાઓમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા અર્થઘટનને ધ્યાનમાં રાખી કાયદાની જોગવાઈઓની પણ સમીક્ષા કરશે.

સમિતિને બિલ્ડરો, વકીલો અને અન્ય હિસ્સેદારો સહિત વિવિધ સંગઠનો તરફથી મળેલા પ્રતિનિધિત્વના આધારે કાયદા અને નિયમોમાં સુધારા સૂચવવાનું કામ સોંપવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.