ગાંધીનગરઃ ગુજરાતમાં લવ મેરેજનો મુદ્દો હાલ ચર્ચામાં છે. આ માટે માતા-પિતાની ફરજિયાત સમંતિના કાયદામાં કોકડું ગૂંચવાયું છે. ભાગીને લગ્ન કરતા યુગલોની લગ્ન નોંધણી મુદ્દે હજુ સરકારમાં ચર્ચા-વિચારણા ચાલી રહી હોવાનું પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. જો કે આ ખૂબ મોટો નિર્ણય છે અને મોટા વર્ગને અસર કરતો હોવાથી તમામ પાસા ચકાસીને આગામી સમયમાં નિર્ણય લઈ તેને જાહેર કરશે તેમ પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
ભાગીને લવ મેરેજકરતા યુગલો માટે પ્રાથમિક સ્તરે નિયમો તૈયાર છે પરંતુ સરકાર હજુ તે મુદ્દે નક્કર નિર્ણય લેતા પહેલા કાયદાકીય રીતે તેને પડકારી ન શકાય તે રીતે આગળ વધવા માગતી હોવાનું બહાર આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પ્રવક્તા મંત્રી પ્રધાન વાઘાણીએ કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન અને કાયદા વિભાગના પ્રધાન હર્ષ સંઘવી તેમજ રાજ્ય કક્ષાના કાયદા વિભાગના પ્રધાન કૌશિક વૈકરિયા વચ્ચે આ મામલે મીટીંગ ચાલી રહી છે. ભાગેડુ લગ્ન સંદર્ભે પ્રતિનિધિ મંડળોના પણ મંતવ્ય પણ મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમુક સેલિબ્રિટીના આંતરજ્ઞાતિય પ્રેમલગ્નો ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા સમયથી પ્રેમલગ્નો મામલે વિવાદો થઈ રહ્યા છે. અલગ અલગ સમાજોએ રાજ્ય સરકાર સામે આ અંગે રજૂઆતો કરી છે ત્યારે રાજ્ય સરકાર પ્રેમલગ્નની નોંધણીમાં અમુક ફેરફાર કરે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ગ-2ના અધિકારીની મંજૂરી વિના સીધી લગ્નની નોંધણી થશે નહીં અને આ સાથે ભાગીને લગ્નના કિસ્સામાં માતા-પિતાને નોટીસ આપવામાં આવે, તેવી જોગવાઈઓ ઉમેરવામાં આવે, તેવી સંભાવના છે. બંધારણ અનુસાર પુખ્તવયના યુવક અને યુવતી પોતાની ઈચ્છાથી લગ્ન કરી શકે છે. આજકાલ આંતરજ્ઞાતિય પ્રેમલગ્નો સામાન્ય બની ગયા છે. ઘણા કેસમાં છોકરીએ પસંદ કરેલો છોકરો અને પરિવાર છોકરીના પરિવારને માફક ન આવતા કે યોગ્ય ન લાગતા તેનો વિરોધ કરે છે. ઘણા કેસમાં છોકરીઓ દુઃખી થાય છે. આવા વિવિધ મુદ્દાઓને લઈ અમુક સમાજ દીકરીના પ્રેમલગ્ન માતા-પિતાની મંજૂરી સાથે જ થાય તેવી માગણી કરી રહ્યા છે.