Mon Dec 08 2025

Logo

White Logo

ગુજરાતમાં માથાદીઠ આવક : રૂ.3 લાખને પાર, 8.42 ટકાના વૃદ્ધિ દર સાથે મોખરાનું રાજ્ય

2 days ago
Author: Chandrakant Kanoja
Video

ગાંધીનગર : ગુજરાત રાજ્યએ વિકાસની સાથે સાથે આર્થિક પ્રગતિમાં પણ હરણફાળ ભરી છે. જેમાં બીજા ક્વાર્ટરમાં દેશના જીડીપીમાં પણ ગુજરાતનો હિસ્સો મહત્વનો રહ્યો છે. તેમજ રાજ્યની ગુજરાતની માથાદીઠ આવક પહેલી વાર રૂપિયા 3 લાખને પાર થઈ ગઈ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતે છેલ્લા દાયકામાં અસાધારણ વૃદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2023-24માં રૂ.24.62 લાખ કરોડના કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (જીએસડીપી) સાથે ગુજરાત હવે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પછી ભારતના ટોચના પાંચ સૌથી મોટા અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે.

ગુજરાતે સરેરાશ 8.42 ટકા વૃદ્ધિ દર હાંસલ કર્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, વૃદ્ધિને સચોટ રીતે સમજવા માટે લાંબા ગાળાના પ્રદર્શનને વાસ્તવિક દ્રષ્ટિએ એટલે કે કોન્સ્ટન્ટ પ્રાઇસિસ પર માપવામાં આવે છે. આ ફુગાવાની અસરને દૂર કરે છે અને ઉત્પાદન અને આર્થિક પ્રવૃત્તિમાં વાસ્તવિક વધારો દર્શાવે છે. તેના આધારે, 2012-13થી 2023-24ના સમયગાળા દરમ્યાન ગુજરાતે સરેરાશ 8.42 ટકા વૃદ્ધિ દર હાંસલ કર્યો છે, જે રૂ.10 લાખ કરોડથી વધુની અર્થવ્યવસ્થા ધરાવતા તમામ મુખ્ય રાજ્યોમાં સૌથી વધુ છે. 

આ સાથે ગુજરાતે કર્ણાટક (7.69 ટકા) અને તમિલનાડુ (6.29 ટકા)ને પણ પાછળ છોડી દીધા છે. એવા સમયમાં જ્યારે મોટા અર્થતંત્રો સામાન્ય રીતે સ્ટ્રક્ચરલ સેચ્યુરેશનના કારણે ધીમા પડી જાય છે, પરંતુ ગુજરાત તેના મજબૂત ઔદ્યોગિક આધાર, રોકાણ-મૈત્રીપૂર્ણ વાતાવરણ, મજબૂત માળખાગત સુવિધાઓ અને કાર્યક્ષમ નીતિઓને કારણે ઝડપથી વિકાસ પામી રહ્યું છે.

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું 2023-24માં રૂ.7.43 લાખ કરોડનું યોગદાન

જીએસડીપીના નવા આંકડાઓ એ સૂચવે છે કે, ગુજરાતની અર્થવ્યવસ્થા વિવિધ ક્ષેત્રોની મજબૂત કામગીરીના કારણે ઝડપથી બદલાઈ રહી છે. રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું 2023-24માં રૂ.7.43 લાખ કરોડનું યોગદાન રહ્યું, જે ગ્રોસ સ્ટેટ વેલ્યુ એડેડ (જીએસવીએ) નો લગભગ એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. 

ડીએસડીપી એક દાયકામાં લગભગ ચાર ગણો વધારો

આ ઉપરાંત, કન્સ્ટ્રક્શન અને યુટિલિટી ક્ષેત્રનો ફાળો રૂ.2.31 લાખ કરોડ અને વેપાર, પરિવહન, નાણાંકીય સેવાઓ અને રિયલ એસ્ટેટ જેવા સેક્ટરનો ફાળો રૂ.7.81 લાખ કરોડ રહ્યો. તો કૃષિ, વન અને માછીમારી જેવા પરંપરાગત ક્ષેત્રોએ રૂ.3.69 લાખ કરોડનું યોગદાન આપીને રાજ્યનો સમાવેશી વિકાસ સુનિશ્ચિત કર્યો. એકંદરે, મૂળ કિંમતો પર ગુજરાતનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (ડીએસડીપી) 2011-12માં રૂ.6.16 લાખ કરોડથી વધીને 2023-24માં રૂ.24.62 લાખ કરોડ થયું, જે એક દાયકામાં લગભગ ચાર ગણો વધારો દર્શાવે છે.

ગુજરાતે આર્થિક ક્ષેત્રે નવું સીમાચિહ્ન મેળવ્યું 

ગુજરાતે આર્થિક ક્ષેત્રે નવું સીમાચિહ્ન મેળવ્યું છે અને માથાદીઠ આવક પહેલી વાર રૂ.3 લાખને પાર થઈ ગઈ છે. રૂ.3,00,957ની માથાદીઠ આવક સાથે ગુજરાત ભારતના ટોચના પાંચ મોટા અર્થતંત્રો પૈકીનું એક બન્યું છે. આ આંકડો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો કરતાં વધુ છે, જે રાજ્યની ઉચ્ચ શ્રમ ઉત્પાદકતા અને વ્યાપક આર્થિક ભાગીદારી દર્શાવે છે.

તેમજ મજબૂત લાંબા ગાળાના વિકાસ, ઉચ્ચ માથાદીઠ આવક અને સતત વિસ્તરતા ઇકોનોમિક બેઝ સાથે ગુજરાત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બન્યું છે. 8.42 ટકા વાસ્તવિક વૃદ્ધિ દર સાથે ગુજરાત સુશાસન, સ્થિતિસ્થાપકતા અને વ્યૂહાત્મક અમલીકરણના મોડેલ તરીકે ઊભર્યું છે.