ગાંધીનગર: રાજ્ય સરકાર ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો દાવો કરી રહી છે, પરંતુ લાંચ લેવાના મામલે ગૃહ વિભાગ બાદ મહેસૂલ વિભાગ રાજ્યનો સૌથી ભ્રષ્ટ વિભાગ સાબિત થયો છે. તાજેતરમાં સામે આવેલી કેટલીક ઘટનાઓ જ એ વાતની સાક્ષી પૂરે છે કે મહેસૂલ વિભાગમાં 'પૈસા વગર કામ થતું નથી.' ACBના આંકડાઓ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં મહેસૂલ વિભાગના અધિકારોઓ સામે 30થી વધુ ફરિયાદો નોંધવામાં આવી છે.
મહેસૂલ વિભાગ સામે ACBમાં સૌથી વધુ ફરિયાદ
છેલ્લા એક વર્ષના ડેટા મુજબ, મહેસૂલ વિભાગના અધિકારીઓ સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) માં કુલ 32 ફરિયાદો નોંધાઈ છે. વર્ષ 2018 થી 2025 સુધીના ગાળા પર નજર કરીએ તો, આ વિભાગ વિરુદ્ધ કુલ 350 કેસો દાખલ થયા છે અને અંદાજે 80 લાખથી વધુની લાંચની રકમ ઝડપાઈ છે.
કલેક્ટર કચેરીથી લઈને મામલતદાર ઓફિસ સુધી, જમીન સંબંધિત કામોમાં એજન્ટો અને અધિકારીઓની મિલીભગત વ્યાપક બની છે. ભૂતકાળમાં આ ઉપરાંત PI, સર્કલ ઓફિસર અને ચીફ ઓફિસર જેવા ઉચ્ચ હોદ્દા ધરાવતા અધિકારીઓ તથા કેટલાક ગામના તલાટીઓ પણ લાંચ લેતા ઝડપાયા છે.
તાજેતરમાં મહેસૂલ વિભાગના અધિકારીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ અત્યારે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના સકંજામાં છે. ખેતીની જમીનને બિનખેતી (NA) કરવા માટે બિલ્ડરો સાથે મિલીભગત કરીને અધિકારીઓ કરોડોની કમાણી કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
23 ડિસેમ્બરે દિલ્હીથી આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન 67.50 લાખ રોકડ સહિત પૈસાની લેતીદેતીના વ્યવહારો, દસ્તાવેજો તેમજ મોબાઈલમાં આ અંગેના ડેટા મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિક કામ સીધી રીતે થતા નથી. પરંતુ જ્યારે એ કામ એજન્ટો મારફતે જલ્દી થતું હોવાના ભૂતકાળમાં કિસ્સાઓ સામે આવ્યા છે. તાજેતરમાં જે સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે, જમીન એન.એ. કરવાની પરવાનગી મેળવવામાં મોટી રકમની લેતી-દેતી થતી હશે.
આ પણ વાંચો…ભ્રષ્ટાચારે તમામ હદો વટાવી! તંત્ર ઊંઘતું રહ્યું અને કડી તાલુકાનું આખું ગામ બારોબાર વેચાઈ ગયું, અધિકારીઓ દોડતા થયા