Mon Dec 22 2025

Logo

White Logo

ગાંધીનગરમાં ‘ખાખી’નો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 11,607 : નવનિયુક્ત પોલીસકર્મીઓને મળશે નિમણૂક પત્રો!

3 hours ago
Author: Devyat Khatana
Video

અમદાવાદ: ગાંધીનગરમાં આવતીકાલે ખાખીનો મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેમાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના હેતુથી ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવનિયુક્ત ઉમેદવારોને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવારના રોજ ગાંધીનગરના સેક્ટર-૧૧ સ્થિત રામકથા મેદાન ખાતે આ ભવ્ય ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાત પોલીસ દળના ઇતિહાસમાં એક મહત્વનું સીમાચિહ્ન બની રહેશે.

લોકરક્ષક કેડરમાં કુલ ૧૧,૮૯૯ જગ્યાઓ માટે હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયા પૈકી ૮,૭૮૨ પુરૂષ અને ૩,૧૧૭ મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી હાલના તબક્કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરનાર ૧૧,૬૦૭ ઉમેદવારોને નિમણૂક પત્રો આપી વિધિવત રીતે પોલીસ દળમાં સામેલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી પોલીસ ભરતી બાદ તરત જ અન્ય ૧૩,૫૯૧ જગ્યાઓ માટે પણ નવી જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. આવતીકાલના આ સમારોહમાં  નાયબ મુખ્યમં પ્રધાન હર્ષ સંઘવી, જેલ રાજ્ય પ્રધાન કમલેશ પટેલ, મુખ્ય સચિવ  એમ.કે. દાસ, પોલીસ વડા વિકાસ સહાય અને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નીરજા ગોટરૂ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહીને નવનિયુક્ત પોલીસકર્મીઓને આવકારશે.