Mon Dec 22 2025

Logo

White Logo

ગુજરાતમાં રવિ પાકનું વિક્રમી વાવેતર: ગત વર્ષ કરતા 37 હજાર હેક્ટરનો વધારો : , ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

5 days ago
Author: vimal prajapati
Video

ગાંધીનગરઃ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતો પર આવી પડેલી કમોસમી વરસાદની અણધારી આફતના સમયે મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તેમના પડખે અડીખમ ઊભા રહીને કુલ રૂપિયા 11,000 કરોડના કૃષિ રાહત પેકેજ તેમજ રૂપિયા 15,000 કરોડના મૂલ્યની ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. જેના પરિણામે સહાય મળતા આજે ગુજરાતનો ખમીરવંતો ખેડૂત ફરી એકવાર બેઠો થયો છે.

આ વર્ષે 37,000 હેક્ટર વધુ વાવેતર થયું

ખેડૂતોને થયેલા નુકસાન બાદ રવિ સિઝનમાં વાવેતર ઘટવા અંગે અનેક ચર્ચાઓ હતી, પરંતુ રાજ્ય સરકારે જાહેર કરેલી સહાયની મદદથી ખેડૂતોએ પુષ્કળ માત્રામાં રવિ પાકોનું વાવેતર કર્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 37.15 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 37.52 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતા 37,000 હેક્ટર વધુ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ઘઉંનું 10.83 લાખ હેક્ટર, ચણાનું 07.10 લાખ હેક્ટર, તેલીબિયાં પાકનું 02.66 લાખ હેક્ટર, મસાલા પાકોનું 03.24 લાખ હેક્ટર અને બટાટા પાકનું કુલ 01.59 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાટા પાકના વાવેતરમાં 21 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. જે દર્શાવે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓના પરિણામે ખેડૂતો વધુ વાવેતર કરવા માટે પ્રેરાયા છે.

1,75,394 મેટ્રિક ટન DAP સપ્લાય કર્યું

આ સાથે રવિ સિઝન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 05,99,405 મેટ્રિક ટન યુરિયા અને 01,75,394 મેટ્રિક ટન DAP સપ્લાય કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 72,450 મેટ્રિક ટન યુરિયા વધુ સપ્લાય કરવામાં આવ્યું છે. વાવેતર સમયે DAP પ્રાથમિક જરૂરિયાત હોય છે અને રાજ્યમાં DAPના કુલ વિતરણના આંકડા પરથી ચોક્કસપણે કહી શકાય કે રાજ્યમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર થયું છે.

1,41,875 મેટ્રિક ટન યુરિયા સપ્લાયની યોજના 

માત્ર ડિસેમ્બરના પ્રથમ 15 દિવસમાં જ કુલ 01,79,125 મેટ્રિક ટન યુરિયા વિવિધ જિલ્લામાં સપ્લાય કરવામાં આવ્યું છે. ખેડૂતોની જરૂરિયાતને ધ્યાને લઈને આગામી 15 દિવસમાં વધુ 01,41,875 મેટ્રિક ટન યુરિયા સપ્લાય કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. રાજ્યમાં હાલની સ્થિતિએ યુરિયા, DAP, NPK અને MOP મળીને કુલ 03,40,696 મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ જણાવ્યું છે.