Thu Dec 25 2025

Logo

White Logo

તંદુરસ્તી-મનદુરસ્તીઃ : શું છે આ સૂત્રનેતિ?

1 day ago
Author: Mumbai Samachar Team
Video

ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

7. સૂત્રનેતિ

1. નામ:
સૂત્રનેતિમાં સૂતરની દોરી કે રબ્બરના કેથેટરથી નાકનું શોધન કરવામાં આવે છે તેથી તેને સૂત્રનેત્રિ કહે છે.

સૂત્રનેતિ
2. પદ્ધતિ:
1. ચાર કે પાંચ નંબરનું રબ્બર કેથેટર લો. તેને પાણીમાં સારી રીતે ઉકાળીને સાફ કરો.
2. ઊભા રહીને કે ઊભડક બેસીને આ ક્રિયા કરી શકાય છે.
3. મસ્તક ઊંચું કરો. કેથેટરનો પાતળો છેડો એક નસકોરાની અંદર નાખી ધીમે ધીમે ઊંચે ચડાવો. ધીમે ધીમે આ છેડો અંદર જતાં ગળામાં આવશે.
4. કેથેટરનો છેડો ગળામાં આવી જાય એટલે તર્જની આંગળીને વાંકી વાળી, તેને ગળામાં નાખી કેથેટરના છેડાને સહેજ બહાર લાવો. પછી તર્જની અને અંગૂઠાથી તેને પકડી, ધીમે ધીમે ખેંચી મુખથી બહાર કાઢો. એક છેડો નાકમાં અને એક છેડો મુખમાં રહેશે.
5. બન્ને હાથથી બન્ને છેડા પકડી બે ત્રણ વાર અંદર બહાર ફેરવો.
6. પછી કેથેટરનો મુખ દ્વારા બહાર ખેંચી લો.
7. આજ રીતે બીજા નસકોરાથી પણ સૂત્રનેતિ કરો.
8. નેતિકર્મ પૂરું થયા પછી આંખ, નાક અને મુખ બરાબર સાફ કરો, આંખ પર ઠંડું પાણી છાંટો.

3. વિશેષ નોંધ:
1. કેથેટર ગરમ પાણીમાં ઉકાળીને જ વાપરો. ઉપયોગ બાદ બરાબર સાફ કરો. સાફ જગ્યાએ રાખો.
2. કેથેટર નાકમાં અંદર નાખતી વખતે ઘણીવાર વળી જતું હોય છે. આમ થાય ત્યારે સહેજ પાછું લઈ ફરી વાર અંદર નાખો.
3. કોઈવાર કેથેટર અટકી જાય તો બળપૂર્વક અંદર નાખવા પ્રયત્ન ન કરો. કેથેટર ગોળ ઘુમાવો. થોડું બહાર લઈ ફરી પ્રયત્ન કરો.
4. જલનેતિનો પર્યાપ્ત અભ્યાસ કર્યા પછી સૂત્રનેતિનો પ્રારંભ કરવો.

4. સૂત્રનેતિથી શું થાય છે?
1. જલનેતિ કરતાં સૂત્રનેતિ કઠિન છે અને પ્રમાણમાં વધુ શોધન મૂલ્ય ધરાવે છે.
2. આંખનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.
3. શીરદર્દમાં રાહત આપે છે.
4. નાક બંધ થઈ જવાની તકલીફ દૂર કરે છે.
5. નાકના મસાની તકલીફ હોય તેઓએ પ્રારંભમાં જલનેતિનો અભ્યાસ કરવો. જલનેતિના પર્યાપ્ત અભ્યાસથી તેમાં રાહત થયા પછી સૂત્રનેતિનો જાળવીને પ્રારંભ કરવો. જો ઘર્ષણથી લોહી નીકળે તો સૂત્રનેતિ તેઓએ ન કરવી.

5. સૂત્રનેતિનું મૂળ સ્વરૂપ:
રબ્બરના કેથેટરનો ઉપયોગ એ આધુનિક પદ્ધતિ છે. પ્રાચીન પરંપરા સૂતરની ખાસ પ્રકારની દોરી બનાવી તેના દ્વારા સૂત્રનેતિ કરવાની છે. સૂત્રનેતિનું મૂળ સ્વરૂપ પણ આ જ છે. આ રીત થોડી કઠિન પણ વધુ મૂલ્યવાન છે.
સૂત્રનેતિમાં મુલાયમ સૂતરમાંથી ખાસ પદ્ધતિથી દોરી તૈયાર કરવામાં આવે છે. તેનો એક છેડો સારી રીતે વણેલો હોય છે. તે છેડા પર મીણ લગાડવામાં આવે છે. બીજા છેડાના સૂતરના તાંતણા છૂટા રહે છે. બાકીની પદ્ધતિ ઉપરોક્ત પદ્ધતિ પ્રમાણે જ છે.

8. બસ્તિ ક્રિયા (જલ બસ્તિ)

1. નામ:
બસ્તિ પ્રદેશ એટલે પેડુનો ભાગ. આ ક્રિયામાં પેડુ અને પેટમાં રહેલા મલાશય અને મોટા આંતરડાનું શોધન કરવામાં આવે છે તેથી તેને બસ્તિ ક્રિયા કહે છે.

2. પૂર્વ તૈયારી:
1. સાધક નૌલિનો પર્યાપ્ત અભ્યાસ કર્યા પછી જ બસ્તિ ક્રિયાનો પ્રારંભ કરી શકે. સાધકે મયૂરાસન પણ સારી રીતે હસ્તગત કરેલું હોય તે આવશ્યક છે.
2. આશરે ચાર ઈંચ લાંબી ધાતુ, પ્લાસ્ટિક કે લાકડાની પોલી નળી તૈયાર કરવી. ગુદામાં સરળતાથી પસાર થઈ શકે અને તે અવસ્થામાં થોડો વખત રહી શકે તેટલી જાડાઈની નળી હોવી જોઈએ. પ્રયોગ કરતાં પહેલાં નળી ગરમ પાણીથી બરાબર સાફ કરવી.
3. પહોળા મુખનું એક એવું વાસણ લેવું જેમાં પાણી ભરીને એવી રીતે બેસી શકાય કે બન્ને નિતંબનો થોડો ભાગ અને ગુદા પાણીમાં ડૂબી શકે.

3. પદ્ધતિ:
1. સ્વચ્છ પાણીથી વાસણ ભરો.
2. સાફ કરેલી નળીને થોડું ઘી લગાડો. નળીને ગુદાની અંદર આશરે 1/3 ભાગ જેટલી પસાર કરો.
3. પાણીથી ભરેલા વાસણમાં બેસો. બન્ને પગ વાસણની બહાર રાખવાના છે. બન્ને નિતંબ, ગુદા અને નળી પાણીમાં રહેશે. ઉત્કટાસનમાં ઊભડક પગે બેસવાનું છે.
4. બન્ને હાથ જમીન પર ટેકવો અથવા બન્ને કોણી પાસેનો ભાગ સાથળ પર ટેકવી હથેળીઓ એક બીજા સાથે દબાય તેવી રીતે ગોઠવો. હાથની આ રીતે ગોઠવણી કરવાનો હેતુ એ છે કે એ અવસ્થામાં મધ્યનૌલિ કરવાની છે.
5. મધ્યનૌલિ કરો. નૌલિને કારણે પેટમાં હવાનું દબાણ ઓછું થતાં પાણી ગુદાવાટે ઉપર ચડશે. મલાશય અને મોટા આંતરડામાં પાણી ચડશે. મધ્યનૌલિ બની શકે તેટલો લાંબો સમય ધારણ કરી રાખો.
6. જ્યારે શ્ર્વાસ ધારણ કરી રાખવાનું શક્ય ન લાગે ત્યારે શ્ર્વાસ છોડી મધ્યનૌલિ છોડી દો. તુરંત આંગળી વડે નળીના દ્વારને બંધ કરો. નળી ગુદામાંથી બહાર કાઢી લો. પાણી નળી વાટે બહાર ન નીકળી જાય તેની કાળજી રાખો.
7. પાણી જ્યાં સુધી અંદર ધારણ કરી શકાય ત્યાં સુધી ધારણ કરી રાખો. આ સમય દરમિયાન ડાબી જમણી બન્ને બાજુથી નૌલિ ચક્રાકાર ઘુમાવ્યા કરો.
8. પાણી અંદર ધારણ કરવાનું શક્ય ન લાગે એટલે પાણી બહાર છોડી દો.
9. થોડીવાર પછી મયૂરાસન કરો, જેથી આંતરડામાં બચેલું વધારાનું પાણી પણ બહાર નીકળી જાય. આ બસ્તિ માટેનું મયૂરાસન સામાન્ય મયૂરાસન કરતાં જુદું છે. આ બસ્તિ મયૂરાસનમાં બન્ને પગ પહોળા અને થોડા ઊંચા રાખવાના હોય છે અને ગુદાના સ્નાયુઓ ઢીલા રાખવાના હોય છે. આ આસનને બસ્તિ મયૂરાસન કહે છે.

બસ્તિ માટેનું આસન
બસ્તિ માટેની નળી
બસ્તિ - મયૂરાસન

4. વિશેષ નોંધ:
1. પ્રાચીન કાળમાં જ્યારે સ્વચ્છ પાણીના જળાશયો કે નદીઓ ઉપલબ્ધ હતી ત્યારે બસ્તિ પ્રયોગ તેના પાણીમાં રહીને કરવામાં આવશે. હવે આ યુગમાં એ સગવડતાં ઉપલબ્ધ ન હોવાથી, બાથરૂમ-સંડાસ યુક્ત એકાંત રૂમમાં જ બસ્તિનો પ્રયોગ કરવો જોઈએ.
2. બસ્તિનો અભ્યાસ ખાલી પેટે કરવો જોઈએ. સામાન્યત: સવારે પેટ સાફ થયા બાદ બસ્તિ-પ્રયોગ કરવો. આગલી રાત્રે થોડો હળવો ખોરાક લેવાથી અનુકૂળતા રહેશે.
3. ગુદાનો ભાગ મલથી યુકત હોય તો નળીનું મુખ તેનાથી બંધ થઈ જાય છે. આમ થાય તો પાણી નળી વાટે ઉપર ચડશે નહીં. આ મુશ્કેલી હોય તો બસ્તિ કરતાં પહેલાં ગણેશ ક્રિયા દ્વારા ગુદા સાફ કરવી જોઈએ.
4. તાવ આવતો હોય ત્યારે બસ્તિ પ્રયોગ ન કરવો.     (ક્રમશ:)