ગૌરવ મશરૂવાળા
રાણી કૈકેયી બુદ્ધિશાળી સ્ત્રી હતી અને રાજા દશરથની પ્રિય પત્ની હતી. દશરથ પ્રત્યે એ સંપૂર્ણપણે વફાદાર હતી અને હંમેશાં એનું ભલું ઈચ્છતી. દશરથને પણ એના પ્રત્યે ખૂબ લાગણી હતી અને મૂંઝવણમાં હંમેશાં એની સલાહ લેતા.
રામાયણની કથાથી પરિચિત એવા લોકો જાણે છે કે કૈકેયીને રામ પર અપાર શ્રદ્ધા હતી. રામ પર એ ભરોસો મૂકતી હતી. કેટલીય વાર એણે રાજા દશરથને કહ્યું સુધ્ધાં હતું કે મને મારા સગા દીકરા ભરત કરતાં રામ પર વધારે વિશ્વાસ છે. આમ છતાંય જ્યારે રામના રાજ્યાભિષેકનો અવસર આવ્યો ત્યારે કૈકેયીએ રાજગાદી પોતાના દીકરાને મળે એવી કામના કરી, એટલું જ નહીં, રામને વનવાસ મોકલી આપ્યા.
આનું કારણ એ હતું કે તે સમયે એના મન પર આધિપત્ય જમાવનાર લાગણી ભયની હતી. એને ડર હતો કે જો રામ અયોધ્યાના રાજા બનશે તો સ્વાભાવિક રીતે અને માતા હોવાના નાતે કૌશલ્યાને રાજમાતાનો દરજ્જો મળશે. આથી કૌશલ્યાનું સ્થાન ખૂબ મજબૂત બની જશે અને પોતે એના કહ્યામાં રહેવું પડશે.
જ્યાં સુધી કૈકેયીનું મન સ્થિર હતું ત્યાં સુધી બધું બરાબર હતું, પણ જેવી ડરની લાગણીએ એના પર મન પર કબજો જમાવ્યો, કૈકેયીનાં દૃષ્ટિકોણ અને પ્રતિક્રિયાઓ બદલાઈ ગયાં.
હવે દર્શના અને હરેશની વાત કરીએ. તેઓ થોડો બેચેની અનુભવી રહ્યાં છે. આગલી સાંજે પાર્ટી દરમિયાન એમણે પોતાનાં મિત્રદંપતી લીના અને રોહનની શાનદાર એસયુવી કાર જોઈ હતી. આમ તો તેઓ બહુ સારા મિત્રો છે, છતાંય કાલથી અદેખાઈની લાગણીએ દર્શના અને હરેશના મન પર કબજો જમાવી દીધો છે. હવે તેઓ પણ એક એસયુવી ખરીદવા માગે છે. હકીકત તો એ છે કે હરેશે હમણાં જ નવો બિઝનેસ શરૂ કર્યો હોવાથી આટલી મોટી ખરીદી કરવી એને પરવડે તેમ નથી, છતાંય અદેખાઈની લાગણી એટલી બળવત્તર છે કે લૉન લઈનેય નવી કાર ખરીદવાનો પતિ-પત્ની નિર્ણય કરી નાખે છે.
આપણો સૌથી મોટો દુશ્મન ખુદ આપણે જ હોઈએ છીએ. આપણું મન ઉત્પાત મચાવી મૂકે છે અને જાતજાતની લાગણીઓ પેદા કરે છે. આ લાગણી એટલે ડર, ઉચાટ, લોભ, હતાશા, અહંકાર, અદેખાઈ, વાસના વગેરે. એક વાર જે તે લાગણી જાગે એટલે પછી આપણે તેના દૃષ્ટિબિંદુ મુજબ વર્તવાનું શરૂ કરી દઈએ. આપણું મન સતત આ રમત રમતું રહે છે કે જેથી આપણે એના અંકુશ હેઠળ રહીએ.
આપણે મનને તાબે થઈ જઈએ છીએ. જે દિવસે આપણે આપણા ખરા આંતરિક વ્યક્તિત્વથી સભાન થઈશું, કે જે મનથી પર છે, તે દિવસથી આપણે મન કહે તે પ્રમાણે વિચારવાનું ને વર્તવાનું બંધ કરી દઈશું. પછી આપણું મન આપોઆપ ઢીલું પડી જશે અને આપણા આદેશ મુજબ વર્તવા લાગશે.
એક સાદું ઉદાહરણ લઈએ. ધારો કે એક પરિવારના સભ્યો નક્કી કરે છે કે આપણી હવે પછીની કાર આપણને સૌને ગમનારી હેચબેક હશે. આવી કારમાં મજા પણ આવશે અને પૈસા પણ બચશે. અહીં સૌ જાણે છે કે એમને શું જોઈએ છે અને તેઓ આ સ્પષ્ટતાના આધારે નિર્ણય લે છે. આ નિર્ણય બીજા કોઈની સંપત્તિ સાથે સરખામણી કરીને લેવાયો નથી.
કારકિર્દીમાં અમુક સ્થાન પર પહોંચી ગયા છીએ એટલે મારી પાસે લેટેસ્ટ કાર હોવી જ જોઈએ, પછી એ સંતોષકારક કે ઉપયોગી હોય કે ન હોય-આવી કોઈ લાગણીના આધારે પણ નિર્ણય લેવાયો નથી. મનમાં પેદા થયેલી કોઈ જ બિનજરૂરી લાગણીને ધ્યાનમાં લઈને લેવાયો નથી તેથી પેલા પરિવારના સભ્યો હેચબેકથી ખુશ છે.
હવે માની લો કે ક્યા પ્રકારની કાર લેવી છે તે નક્કી કર્યું નથી, અથવા કહો કે આપણું દિમાગ આ નિર્ણય સુધી આપણને પહોંચવા જ દેતું નથી. આવી સ્થિતિમાં સૌથી પહેલાં તો કારનું વૈવિધ્ય આપણને ગૂંચવી નાખશે -સેડન લેવી, એસયુવી લેવી કે એસ્ટેટ? મન એક વિકલ્પથી બીજા વિકલ્પ પર કૂદાકૂદ કરતું રહેશે. ત્યાર બાદ, આપણે બીજાઓ સાથે સરખામણી કરવાનું શરૂ કરી દઈશું. પરિવારના બધા સભ્યો અલગઅલગ નામ આપશે.
આપણા મનમાં ઝંખના પેદા થશે -મારી પાસે એસયુવી એટલા માટે હોવી જોઈએ કે તેમાં ફરતો હોઈશ તો હું સફળ માણસ ગણાઈશ. અદેખાઈ -મારા મિત્રે જ્યારથી એસયુવી ખરીદી ત્યારથી બહુ દેખાડો કરતો ફરે છે, તો મારે પણ એવી જ ગાડી લઈને સૌને દેખાડી દેવું જોઈએ કે મારામાં પણ આ કાર ખરીદવાની તાકાત છે.
હતાશા-ક્યાં સુધી નાની ગાડીમાં ફરીશું? એસયુવીનું સુખ પણ હવે માણીએને! પોસાય એમ ન હોય તો ઉધારી કરીશું, પણ આ વૈભવી ગાડી જોઈએ એટલે જોઈએ જ. મનમાં જાગતી લાગણીઓને વશ થઈએ એટલે આવા બધા વિચારો આવે. આપણે આપણી લગામ મનને સોંપી દઈએ છીએ, એને તાબે થઈ જઈએ છીએ. આવું એટલા માટે કરીએ છીએ કે આપણને ખબર નથી હોતી કે આપણને ખરેખર શું જોઈએ છે.
શા માટે આપણે બીજાઓનું ધ્યાન આકર્ષિત કરવા માગીએ છીએ? આપણો અહમ્ સંતોષવા માટે. આપણે બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ખરીદીને અને દુનિયા સામે તેનો દેખાડો કરીને લોકોનું ધ્યાન ખેંચવાની કોશિશ કરીએ છીએ. લોકો મોટી રકમનું દાન કરીને પોતાનું નામ ઘોષિત કરાવે છે. આ બધી ચેષ્ટાઓ પાછળનું કારણ લોકોનું ધ્યાન આકર્ષવાનું હોય છે. આપણા મનમાં અહંકારની લાગણી જાગે છે અને તેને શાંત કરવા આપણે તેના દૃષ્ટિકોણથી વર્તીએ છીએ.
જો આપણામાં પર્યાપ્ત માત્રામાં પોતાની જાત પ્રત્યે જાગરૂકતા હશે તો લોકોનું ધ્યાન ખેંચવાની જરૂર નહીં પડે. આત્મસભાનતા હશે તો બ્રાન્ડેડ ચીજવસ્તુઓની આવશ્યકતા નહીં વર્તાય. આપણને આપણી જાતના ખરા મૂલ્યની ખબર હશે. અલબત્ત, સારી બ્રાન્ડની ચીજવસ્તુઓ તો આપણે આત્મસભાન રહીનેય ખરીદી શકીએ છીએ, પણ તે એની ગુણવત્તાને કારણે, લોકોનું ધ્યાન ખેંચવા માટે નહીં.
આપણે બીજાઓનું ધ્યાન ખેંચવા માગીએ છીએ કે ખરેખર સારી ગુણવત્તાવાળી બ્રાન્ડ ખરીદવા માગીએ છીએ તે આપણા માંહ્યલા સિવાય બીજું કોઈ કહી શકે નહીં. જો આપણને આપણી જાતનો પરિચય નહીં હોય, જો આપણે ખુદના માંહ્યલાને ઓળખતા નહીં હોઈએ, તો આપણે મનમાં જાગતી લાગણીઓ પ્રમાણે સંપત્તિ ખર્ચતાં રહીશું. આમ છતાંય સંતોષ તો નહીં જ મળે. ખર્ચ કર્યા પછીય સુખનો અનુભવ નહીં જ થાય.
વાસ્તવમાં જેની સ્વ વિશેની જાગૃતિ શિખર પર પહોંચી ચૂકી છે એવી વ્યક્તિ લાગણીઓથી પર થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. અલબત્ત, આ પ્રકારની મુક્તિ આ પુસ્તકની ચર્ચાનો વિષય નથી. હંમેશાં એવી જ પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમને સંપત્તિની સાથેસાથે જાત પ્રત્યેની જાગરૂકતા પણ આપ.