Thu Dec 25 2025

Logo

White Logo

આહારથી આરોગ્ય સુધીઃ : શિયાળામાં વાયરસના સંક્રમણથી બચાવશે

1 day ago
Author: Mumbai Samachar Team
Video

ડૉ. હર્ષા છાડવા

શિયાળાની ઋતુ એટલે જાણે પ્રકૃતિમાં એક મોટો ઉત્સવ. આનંદદાયક સ્ફૂર્તિદાયક તેમ જ સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવાની ઋતુ છે. આહારમાં વિવિધતા, સ્વાદની મજા અને ઊર્જાના સંચાર જોવા મળે છે. બજારમાં વિવિધ પ્રકારનાં શાકભાજી, ફળો, વસાણાથી ભરપૂર મીઠાઈઓ જોવા મળે છે. લોકો પણ આનો ઉપયોગ મજેદાર રીતે કરે છે. જેથી શરીર ચુસ્ત અને સ્વસ્થ રહે છે. પણ સાથે સાથે વાઇરલ ઈન્ફેક્શન પણ વધી જાય છે. ઠંડી અને ધુમ્મસના કારણે શરીર પર વાઇરસનું સંક્રમણ થાય છે.

વાયરસના સંક્રમણના કારણે શરીરના પાચક રસો (એન્ઝાઈમ) બગડે છે. જેથી શ્વાસની તકલીફ, થકાવટ, ફંગસ, ચામડીના રોગો વધી જાય છે. વાયરસનું સંક્રમણ પણ ત્યારે થાય છે જ્યારે ઈમ્યુનીટીનો ઈન્ડેક્સ લો (ખૂબ જ નીચો) હોય ત્યારે. સ્ટીરોઈડની દવા, પ્રોટીનની કમી, વિટામિન બીની કમી વિટામિન-સીનું ખૂબ જ ઓછું પ્રમાણ કે ઓછપના કારણે વાયરસનું સંક્રમણ વધી જાય છે. કેમિકલ યુક્ત આહાર કે બાહ્ય ભોજનના કારણે શરીર એનિમીક થાય છે. વિટામિન બીની ઓછપના કારણે માયલિનશીથ ઊખડી જવાથી ચામડી પર સંક્રમણ વધી જાય છે.

ઔદ્યોગિક જગ્યાએ જ્યાં પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય છે. જ્યાં સલ્ફર ડાયોક્સાઈડ જે રંગહીન તીખી ગંધવાળો ગેસ જઘ2ના કારણે વાયુ પ્રદૂષણ થાય તેના કારણે મનુષ્ય અને પશુ પક્ષીઓમાં શ્વસન સંબંધી સમસ્યા થાય છે. શિયાળામાં આની અસર વધુ જોવા મળે છે. શિયાળામાં ઠંડીથી બચવા વપરાતા પોલિસ્ટરની બ્લેન્કેટ, ગોદડી બનાવવામાં પણ સલ્ફર ડાયોક્સાઈડનો ઉપયોગ થાય છે જેના કારણે શ્વાસ સંબંધી બીમારી તેમજ શરીર પર અન્ય સંક્રમણ થાય છે. સાકર બનાવવા માટે પણ સલ્ફર ડાયોક્સાઈડનો ઉપયોગ થાય છે. આ ખૂબ જ હાનિકારક છે. 

શિયાળામાં મીઠાઈ જે વસાણાયુક્ત તો ફાયદાકારક છે પણ તેમાં સાકર વાપરવામાં આવે તો ઘણીય બીમારીને નિમંત્રણ આપવા જેવું છે. પ્રાકૃતિક ગોળ વાપરવો. અન્ય ગોળ જેવા કે ખજૂરગોળ, નાળિયેર ગોળ, પામ ગોળ, મકાઈના સાંઠાનો ગોળ, જુવારના સાંઠાનો ગોળના વપરાશથી બનતી વસાણાયુક્ત મીઠાઈઓ શરીરમાં નવી ઊર્જા ભરી દે છે. સલ્ફર ડાયોક્સાઈડ પોલ્યુશન વધારી દે છે. જેના કારણે બીમારીનો અંત આવતો નથી.

આ સંક્રમણથી બચવા યોગ્ય પ્રાકૃતિક આહાર જ સ્વાસ્થ્ય જાળવે છે. શાકભાજી જે પાંદડાવાળી છે તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. ફળોનો સીધો જ ઉપયોગ કરવો જોઈએ. તેનો જામ કે શેક બનાવવામાં વપરાતા કેમિકલ કે સાકર એ હાનિકારક છે. ખજૂરનો ઉપયોગ પણ સાવધાની થી કરવો. કારણ કે ખજૂર પણ સાકરના પાણીમાં રાંધીને નરમ બનાવાય છે. સૂકી હોય તેવી ખજૂરનો ઉપયોગ કરવો. વસાણાનો ઉપયોગ વધુ ન કરવો કારણ કે કેમિકલ કે અનહેલ્ધી ડાયટ લેવાવાળા ને એસીડીટી થઈ જાય છે. એટલે કે ક્રોનીક ઈન્ફલમેશન થાય છે. જેના કારણે માયલિનશીથ ઊખડી જાય અને ચામડીની વ્યાધિ થાય છે.

શિયાળામાં શરીરને લીલા પ્રોટીનથી ભરી દો. તાજા વટાણા, ચણા, તુવેરની દાળ બનાવો. એ એક લીલું પ્રોટીન જે શરીરને મજબૂત બનાવી દે છે. પાલકના રસમાં લીંબુ નાખી પીવો જેથી પાલકનું આર્યન શરીરમાં બરાબર કામ કરે છે. ખટાશ વગર પાલકના ગુણ શરીરને મળતાં નથી. આમળા કે અન્ય ખાટી વસ્તુ નાખીને પણ લઈ શકાય છે. તાંદળજો ભાજી અને ચંદન બથુવા પાંદડાવાળી ભાજી શરીરના ઝેરને દૂર કરી નાખે છે. ડાયાબિટીસની સમસ્યા થતી નથી અને હોય તો પણ તે નીકળી જાય છે. 

સફરજન ઘણીયે જાતના આવે છે જે અલ્સર જેવી બીમારી પર અતિ કારગર છે. આમળા સાથે ફુદીનો નાખીને રસ પીવો જે શરીરને વિટામિન સીથી ભરી દે છે. શ્ર્વાસની તકલીફ થતી નથી. વિટામિન બી જે શરીરને અતિ જરૂરી છે. જે માસ્ટર વિટામિન છે તેની માટે સંતરા, મોસંબીનો રસ લેવો બહુ જરૂરી છે. 

સ્ત્રીઓની પીસીઓડીની વ્યાધિ માટે પરપોટા (યલોબેરી) લેવી જોઈએ જે શિયાળામાં થોડો વખત મળે છે. તાજા અંજીર જે પાચનક્રિયાને વેગવાન બનાવે છે. બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે. હાડકાં માટે જરૂરી કેલ્શિયમ અને મેગ્નેશિયમ આપે છે. એનર્જીથી ભરી દે છે. આનો ઉપયોગ કોઈપણ શંકા વગર કરવો.

શિયાળામાં ખાસ કરીને મળતી પોંક (લીલી જુવાર) જે શરીર લોહીને સુધારી નાખે છે. એનર્જીનો સ્ત્રોત છે તેનાં ઉપયોગ કરવો. લીલા ઘઉંની પોંક પણ શરીરને મજબૂતી આપે છે. લીલી હળદર જે સંક્રમણથી દૂર રાખવા માટે ઉત્તમ છે. લોહીને ગાઢું થતું અટકાવે છે. લીલી ડુંગળી, લીલું લસણ જેમાં સલ્ફર છે જે રેડિયેશનના સંક્રમણથી બચાવે છે.

આ શિયાળામાં મળતી બધી જ શાકભાજી, ફળો અને વસાણાનો યોગ્ય ઉપયોગ જ કોઈપણ આવનાર વાયરસના સંક્રમણથી બચાવશે. કોઈપણ દવાનો ઉપયોગ શરીરની ઈમ્યુનિટીને બરબાદ કરી નાખે છે. વાયરસના સંક્રમણથી બચવા માટે યોગ્ય આહારનો ઉપયોગ કરવો જે પ્રાકૃતિક હોય.