Thu Jan 01 2026

Logo

White Logo

ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલની સમસ્યા આજે પણ યથાવત: રેલવેએ યાત્રીઓ માટે કરી ખાસ વ્યવસ્થા : અમદાવાદ-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે

3 weeks ago
Author: Himanshu Chavada
Video

નવી દિલ્હી: છેલ્લા 5 દિવસોથી સતત ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે. એરપોર્ટ પર પહોંચેલા યાત્રીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોકે, ઇન્ડિગો આ સમસ્યાનું નિવારણ લાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આવા સમયે યાત્રીઓને રાહત આપવા માટે ભારતીય રેલવે ઇન્ડિગો એરલાઇનની વહારે આવી છે. એરપોર્ટ પરથી રેલવેમાં ડાયવર્ટ થતા યાત્રીઓ માટે ભારતીય રેલવે દ્વારા નવા કોચની વ્યવસ્થા કરવામાં આવી છે.

33 ટ્રેનમાં 116થી વધુ કોચ જોડાયા

રેલવે મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોટાપાયે ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાને કારણે યાત્રીઓની માંગને ધ્યાનમાં રાખીને કુલ 37 ટ્રેનમાં 116થી વધારે કોચ જોડવામાં આવ્યા છે. રેલવે સ્ટેશ પર આવતા યાત્રીઓના ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે સમગ્ર દેશમાં 114થી વધુ એકસ્ટ્રા ટ્રિપ ચલાવવામાં આવી રહી છે. 6 ડિસેમ્બરથી દક્ષિણ રેલવે દ્વારા કોચની સંખ્યામાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. જેનાથી 18 ટ્રેનની ક્ષમતા વધી છે. વધારે માંગવાળા રૂટ પર ચેર કાર અને સ્લીપર ક્લાસ કોચ પણ લગાવવામાં આવ્યા છે. 

ઉત્તર રેલવેમાં 8 ટ્રેનો વધારવામાં આવી છે, જેમાં 3 એસી અને ચેર કાર કોચ જોડવામાં આવ્યા છે. વેસ્ટર્ન રેલવેએ વધારે માંગવાળી 4 ટ્રેનમાં 3 એસી અને 2 ચેર કાર કોચ જોડ્યા છે. ઇસ્ટ સેન્ટ્રલ રેલવેએ પાંચ ટ્રેનમાં એસી કોચ જોડ્યા છે. ઇસ્ટ કોસ્ટ રેલવેએ પાંચ ટ્રિપ્સમાં 2 એસી કોચ જોડ્યા છે. જ્યારે ઇસ્ટ રેલવેએ પ્રાદેશિક અને આંતરરાજ્ય પરિવહનની માંગને પહોંચી વળવા માટે 7-8 ડિસેમ્બર દરમિયાન 6 ટ્રિપ્સમાં સ્લીપર ક્લાસ કોચ સાથે 3 ખાસ ટ્રેન શરૂ કરી છે.

અમદાવાદથી દિલ્હી વચ્ચે દોડશે ખાસ ટ્રેન

ફ્લાઇટ કેન્સલ થવાને કારણે ઘણા યાત્રીઓ અમદાવાદ અને દિલ્હી વચ્ચે યાત્રાનું વૈકલ્પિક માધ્યમ શોધી શક્યા ન હતા. તેથી વેસ્ટર્ન રેલવે દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રેડ ઓન ડિમાન્ડ યોજના હેઠળ સાબરમતી અને દિલ્હી વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 7-8 ડિસેમ્બર વચ્ચે સાબરમતી-દિલ્હી જંકશન સુપરફાસ્ટ સ્પેશિયલ(09497/09498) ટ્રેન ચાર ટ્રિપ્સ માટે દોડાવવામાં આવશે. 925 કિમીનું અંતર કાપતી આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ ખાતે રોકાશે. 

અમદાવાદથી આજે પણ ફ્લાઇટ રદ્દ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર આજે 12 AMથી લઈને 6 AM વચ્ચેની 7 અરાઇવલ ફ્લાઇટ કેન્સલ થઈ છે. સાથોસાથ 12 ડિપોર્ચર ફ્લાઇટ પણ રદ્દ થઈ છે. આ ઉપરાંત ચેન્નઈમાં 29 ફ્લાઇટ, લખનઉમાં 8 ફ્લાઇટ, તિરુવનંતપુરમાં 6 ફ્લાઇટ રદ્દ થવાની માહિતી પણ સામે આવી છે.