જયપુર/બેંગલૂરુઃ વન-ડે આંતરરાષ્ટ્રીયના વર્લ્ડ નંબર-વન રોહિત શર્મા અને નંબર-ટૂ વિરાટ કોહલી આજે (સવારે 9.00 વાગ્યાથી) વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટમાં અંતિમ વાર રમતા જોવા મળે એવી સંભાવના છે. બીસીસીઆઇએ કૉન્ટ્રૅક્ટ હેઠળના તમામ ખેલાડીઓને સૂચના આપી છે કે તેમણે બુધવારે શરૂ થયેલી આ ટૂર્નામેન્ટની ઓછામાં ઓછી બે મૅચ રમવી પડશે.
બુધવારે રોહિત (Rohit) જયપુરમાં મુંબઈ વતી સિક્કિમ સામેની મૅચમાં અને વિરાટ (Virat) બેંગલૂરુમાં દિલ્હી વતી આંધ્ર સામેની મૅચમાં રમ્યો હતો. રોહિતે 94 બૉલમાં નવ સિક્સર અને અઢાર ફોરની મદદથી 155 રન કર્યા હતા અને મુંબઈને જિતાડ્યું હતું. વિરાટે 101 બૉલમાં ત્રણ સિક્સર અને 14 ફોર સાથે 131 રન કર્યા હતા અને દિલ્હીની જીતમાં તેનું મોટું યોગદાન હતું.
હવે એવું માનીને ચાલીએ બીસીસીઆઇએ ઓછામાં ઓછી બે મૅચ રમવાની સૂચના આપી છે એટલે રોહિત-વિરાટ આજની બીજી મૅચમાં પણ રમશે.
આજે જયપુરમાં જ મુંબઈનો મુકાબલો ઉત્તરાખંડ સામે થશે અને એમાં પણ રોહિતનો દમદાર પર્ફોર્મન્સ જોવા મળી શકે. દિલ્હીની આજે બેંગલૂરુમાં ગુજરાત સામે મૅચ છે જેમાં વિરાટના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે. અન્ય મૅચોમાં સૌરાષ્ટ્રનો મુકાબલો હરિયાણા સામે, મહારાષ્ટ્રનો સિક્કિમ સામે અને બરોડાનો બેંગાલ સામે થશે.