બાલાસોર: ભારતની સંરક્ષણ ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થયો છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને(DRDO) આજે સ્વદેશી 'પ્રલય' મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઓડિશાના ચાંદીપુર ખાતે દરિયાકાંઠેથી હાથ ધરવામાં આવેલા આ પરીક્ષણમાં એક જ લોન્ચર દ્વારા ટૂંકા સમયગાળામાં બે મિસાઇલો છોડી હતી.
ભારતીય સેનામાં સામેલ થશે 'પ્રલય' મિસાઇલ
ભારતે પોતાની અત્યાધુનિક ટેકનોલોજી અને ત્વરિત પ્રતિભાવ ક્ષમતાનું લોખંડી પ્રદર્શન કર્યું છે. આજે સવારે 10:30 વાગ્યે ઓડિશાના ચાંદીપુર ખાતેની ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી એક જ લોન્ચરથી બે મિસાઇલોનું બેક-ટુ-બેક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. બંને મિસાઇલોએ તેના પૂર્વનિર્ધારિત માર્ગ પરથી પસાર થઈને તમામ ટાર્ગેટને સફળતાપૂર્વક ભેદ્યા હતા. આ પરીક્ષણ સમયે DRDOના વૈજ્ઞાનિકોની સાથે ભારતીય વાયુસેના અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ઐતિહાસિક સફળતા બદલ DRDO અને ભારતીય સેનાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ સફળતા ભારતીય મિસાઇલ સિસ્ટમની વિશ્વસનીયતા પર મહોર મારે છે. DRDO ના વડાએ સંકેત આપ્યો છે કે, આ સફળ પરીક્ષણ બાદ 'પ્રલય' મિસાઇલ ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે ભારતીય સેનાના ભાથામાં સામેલ થશે.
'પ્રલય' મિસાઇલની ખાસિયત
'પ્રલય' એ ભારતની પ્રથમ સ્વદેશી સેમી-બેલિસ્ટિક મિસાઇલ છે. તે સોલિડ ફ્યુલ આધારિત મિસાઇલ છે, જે અત્યાધુનિક નેવિગેશન અને ગાઇડન્સ સિસ્ટમથી સજ્જ છે. તેની હાઇ-ટેક સિસ્ટમ તેને અત્યંત સચોટ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે. આ મિસાઇલ વિવિધ પ્રકારના શક્તિશાળી યુદ્ધાભ્યાસ શસ્ત્રો વહન કરી શકે છે, જે તેને રણમેદાનમાં અત્યંત ઘાતક બનાવે છે.