સિડનીઃ ઑસ્ટ્રેલિયાના ગે્રટેસ્ટ ક્રિકેટર સર ડોનાલ્ડ બ્રેડમૅનની દરેક બૅગી ગ્રીન કૅપ અમૂલ્ય કહેવાય અને એમાંની એક કૅપ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શ્રીરંગા વાસુદેવ સોહોનીના પરિવાર પાસે છે અને પરિવારજનો આ કૅપ આવતા મહિને હરાજીમાં મૂકશે.
બ્રેડમૅને 1947-'48માં ભારત સામેની ટેસ્ટ સિરીઝ દરમ્યાન આ કૅપ સોહોનીને ભેટ આપી હતી. સ્વતંત્ર ભારતનો એ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રવાસ હતો.
સામાન્ય રીતે બ્રેડમૅન તરફથી અપાયેલી ચીજોની સમયાંતરે હરાજી થતી હોય છે અથવા એની માલિકી બદલાતી હોય છે, પરંતુ સોહોનીને બ્રેડમૅને આપેલી આ કૅપ (Cap)ની માલિકી ક્યારેય નથી બદલાઈ. 75 કરતાં વધુ વર્ષથી (77 વર્ષથી) આ કૅપ સોહોની પરિવાર પાસે જ છે.
સોહોની ભારત વતી ચાર ટેસ્ટ રમ્યા હતા. તેમનું 1993માં 75 વર્ષની ઉંમરે નિધન થયું હતું. બ્રેડમૅન (Bradman)નું 2001માં 92 વર્ષની વયે દેહાંત થયું હતું.