Thu Jan 01 2026

Logo

White Logo

ભારતીય મહિલા ક્રિકેટરોનું 5-0ની ક્લીન સ્વીપ : સાથે વર્ષ 2025ને ગુડબાય...

1 day ago
Author: Ajay Motiwala
Video

તિરુવનંતપુરમઃ ભારતીય (India) મહિલા ટીમે મંગળવારે અહીં અંતિમ ટી-20 15 રનથી જીતીને શ્રીલંકા (Sri Lanka)નો 5-0થી વાઇટવૉશ કર્યો હતો. ટી-20માં ભારતની 5-0ના વાઇટવૉશ સાથેની આ ત્રીજી જીત છે. શ્રીલંકાની બૅર્ટ્સને ભારતીય બોલર્સે સતતપણે અંકુશમાં રાખી હતી. શ્રીલંકા 176 રનના લક્ષ્યાંક સામે સાત વિકેટે 160 રન બનાવી શકી હતી. દીપ્તિ શર્મા ટી-20માં સૌથી વધુ (152) વિકેટ લેનાર બોલર બની છે.

પેસ બોલર અમનજોત કૌરે 12મી ઓવરમાં હૅસિની (65 રન) અને દુલાની વચ્ચેની 79 રનની ભાગીદારી તોડી હતી. કવર્સમાં શેફાલીએ દુલાની (50 રન)નો કૅચ ઝીલ્યો હતો. ભારતની તમામ છ બોલર (દીપ્તિ, અરુંધતી, સ્નેહ રાણા, વૈષ્ણવી, શ્રી ચરની, અમનજોત)ને એક-એક વિકેટ મળી હતી. એક બૅટર રનઆઉટ થઈ હતી.

ભારત 5/77 અને છેલ્લે 7/175

એ પહેલાં, ભારતે બૅટિંગ મળ્યા બાદ નબળી શરૂઆત કર્યા પછી ધમાકેદાર અંત જોયો હતો. 11મી ઓવરમાં ભારતનો સ્કોર પાંચ વિકેટે માત્ર 77 રન હતો, પરંતુ કૅપ્ટન હરમનપ્રીત કૌર (68 રન, 43 બૉલ, એક સિક્સર, નવ ફોર) તેમ જ અમનજોત કૌર (21 રન) અને અરુંધતી રેડ્ડી (27 અણનમ)એ ટીમના સ્કોરને પોણાબસો સુધી (7/175) પહોંચાડ્યો હતો.

ભારતને બે ભાગીદારી ફળી

હરમનપ્રીત (Harmanpreet) અને અમનજોત વચ્ચે 38 બૉલમાં 61 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર પછી સ્નેહ રાણા (આઠ રન) અને રેડ્ડી વચ્ચે 14 બૉલમાં અણનમ 33 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ બે ભાગીદારી શ્રીલંકાને સૌથી ભારે પડી હતી.

સ્મૃતિના રન બીજા વર્ષે પણ સૌથી વધુ

સ્મૃતિ મંધાના મંગળવારની મૅચમાં તો નહોતી, પણ તેણે સતત બીજું વર્ષ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન સાથે પૂરું કર્યું. 2025માં તે 1,703 રન સાથે મોખરે હતી. 2024માં તેના 1,659 રન તમામ મહિલા બૅટર્સમાં હાઇએસ્ટ હતા.