Mon Dec 22 2025

Logo

White Logo

ખેડાની સ્કૂલના સો વાલીઓ એકસાથે : બન્યા સાયબર ક્રાઈમના શિકાર

1 day ago
Author: pooja shah
Video

અમદાવાદઃ ખેડા જિલ્લાની એક સ્કૂલના લગભગ 100 માતા-પિતા એકસાથે સાયબર ક્રાઈમનો શિકાર બન્યા હોવાનો ચોંકાવનારો અહેવાલ પ્રકાશમાં આવ્યો હતો. એક સ્કૂલના પેરેન્ટ્સ અને ટીચર્સના કોન્ટેક્ટ નંબર સાયબર ગઠિયા પાસે પહોંચી ગયા હતા અને તેણે સ્કૂલના કામ સંબંધી પૈસા માગી કથિત ગેરરીતિ આચરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

નડિયાદના એક વિદ્યાર્થીની માતાને રિપોર્ટ કાર્ડ મામલે વાતચીત કરી ઓટીપી શેર કરવા કહ્યું હતું. મહિલાએ ઓટીપી શેર કર્યા બાદ તેના અકાઉન્ટમાંથી રૂ. 16,000 તફડાવવામાં આવ્યા હતા. ખેડા જિલ્લાની સ્કૂલોમાં થયેલી આ ઘટના 16 ડિસેમ્બરે બહાર આવી હતી. તે પહેલાના દિવસે અમદાવાદની 31 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યા ઈમેલ્સ મળ્યા હતા. 

નડિયાદના એક પેરેન્ટ્સને વોટ્સ એપ કોલ આવ્યો હતો અને એક મહિલાએ તેમના પડોશીની મિત્ર હોવાનું કહી વાત કરી હતી. પોતે તકલીફમાં હોવાથી તેણે રૂ. 15,000 માગ્યા હતા અને ફરિયાદીએ તે આપ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ પડોશી પણ ફ્રોડ ઓટીપી સ્કેમનો ભોગ બન્યા હતા. 

આ બન્ને પેરેન્ટ્સ જ્યારે સ્કૂલનો સંપર્ક કરવા ગયા ત્યારે તેમને ધ્યાનમાં આવ્યું કે તેમના જેવા અન્ય ઘણા પેરેન્ટ્સ છે, જે આ ફ્રોડનો શિકાર બન્યા હતા. ઘણા પેરેન્ટ્સના અકાઉન્ટમાંથી પૈસા ગયા હતા, તો ઘણાને ફોનકોલ્સ આવ્યા હતા. 

ખેડા જિલ્લાના એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ફ્રોડનો શિકાર ઘણા પેરેન્ટ્સ બન્યા છે. જોકે તેમની સંખ્યા અને કૂલ કેટલા પૈસા ગુમાવ્યા છે, તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. પૈસા માગવાની મોડેસ ઓપરેન્ડી અલગ અલગ છે, પરંતુ છેલ્લા ઘણા સમયનો આ મોટો ફ્રોડ સાબિત થઈ શકે તેમ છે, તેમ પણ અધિકારીએ જણાવ્યું હતું. 

નડિયાદના પેરેન્ટ્સ દ્વારા કરવામા આવેલી ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે પોલીસે તમામ વાલીઓને સલાહ આપી છે કે અજાણ્યા નંબરથી ફોન આવે તો ઓટીપી સહિતની કોઈપણ માહિતી શેર કરવામાં આવે નહીં.