નવી દિલ્હીઃ ભારતીય દૂતાવાસની સુરક્ષાની વધતી ચિંતા વચ્ચે ભારત સરકારે આજે દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું. આ પગલું ઢાકામાં છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હતું.
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના ભારતમાં હાઈકમિશનર એમ. રિયાઝ હમીદુલ્લાને તેડું મોકલ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને ઢાકા સ્થિત ભારતીય મિશનની સુરક્ષા વ્યવસ્થા અને તાજેતરના ઘટનાક્રમો અંગે ભારતની ચિંતાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ઢાકા સ્થિત ભારતીય મિશનની બહાર છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, જેના કારણે દૂતાવાસની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતે ઔપચારિક રીતે બાંગ્લાદેશ સરકાર પાસે સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.
External affairs ministry summoned Bangladesh envoy Riaz Hamidullah. pic.twitter.com/kiRHMwiUzt
— Press Trust of India (@PTI_News) December 17, 2025
બાંગ્લાદેશની નેશનલ સિટિઝન્સ પાર્ટી (એનસીપી)ના નેતા હસનાત અબ્દુલ્લાના ભારત વિરોધી નિવેદનો સામે આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. તેણે એક જાહેર સભામાં ભારતના ઉત્તર-પૂર્વી રાજ્યો (‘સેવન સિસ્ટર્સ’)ને અલગ પાડવા અને અલગતાવાદી તત્વોને આશરો આપવા જેવી ધમકીઓ આપી હતી. એટલું જ નહીં, નોર્થ-ઈસ્ટના અલગાવવાદીઓને શરણ આપવાની વાત કરી હતી. અબ્દુલ્લા પોતાની ભારત વિરોધી કટ્ટર વિચારધારા માટે જાણીતા છે.
આ સમગ્ર ઘટનાક્રમ બાંગ્લાદેશના મુક્તિદિવસના એક દિવસ પછી સામે આવ્યો હતો. આ દિવસ 1971ના યુદ્ધમાં ભારતની જીત અને બાંગ્લાદેશની સ્વતંત્રતાની યાદમાં મનાવવામાં આવે છે. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બાંગ્લાદેશના વિજયદિવસની શુભકામના પાઠવી હતી.