અહીં એવાં પણ લગ્ન લેવાય છે જેમાં બેન્ડ બાજાં બારાત સુદ્ધાંથી લઈને બધું જ ફેક્…!
-અભિમન્યુ મોદી
પ્રતીકાત્મક તસવીરો
ચોમાસુ પૂરું થાય એટલે નવેમ્બર અને ડિસેમ્બરમાં ઘરે કંકોતરીઓની થપ્પી બને. નજીકના કે દૂરના સગામાં, મિત્રવર્તુળમાં કે ઑફિસના સર્કલમાં ક્યાંક ને ક્યાંક લગ્ન ન હોય એવું બને નહીં. છેલ્લે બાકી પડોશમાં પણ કોઈના લગ્ન હોય. દર વર્ષે લગ્ન સમારંભોની માર્કેટ નવા વિક્રમો સર્જે છે. ભારતમાં લગ્નની વિધિની ઉજવણીનો સ્કેલ ઊંચકાતો જ જાય છે.
હા, આવું કંઈ થશે એવું વડીલોએ વિચાર્યું પણ નહીં હોય એ પ્રકારના ફેરફાર આજે આ લગ્નની સિસ્ટમમાં આવી રહ્યા છે. છેલ્લાં બે એક વર્ષથી ફેક લગ્ન યોજવાનું ચાલુ થયું છે. આવાં ફેક લગ્નો શરૂ થયા એની પહેલાં દસેક વર્ષથી એક ટ્રેન્ડ ચાલુ થયો હતો કે કોઈ પણ ’મોટી પાર્ટીના’ લગ્ન હોય અને એ લગ્નમાં શરીક થવું હોય એટલે કે એ લગ્નમાં હાજર રહેવું હોય તો પૈસા આપીને ભાગ લઈ શકાતો. મોટા મોટા લગ્નોનું અથથી ઈતિ સુધીનું આયોજન મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ કરતી હોય છે. એ જ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓએ એકસ્ટ્રા ઇન્કમ માટે આ રસ્તો પણ અપનાવવાનું ચાલુ કરેલું.
આમેય વિદેશીઓને ભારતીય લગ્નવિધિમાં બહુ રસ હોય છે. ઇન્ડિયન વેડિંગ એટેન્ડ કરવા માટે તો જેના લગ્ન થતા હોય એના નજીકના સંબંધી હોય એ પહેલી શરત છે, પણ વિદેશીઓ કોઈ રાજસ્થાનીના સગા હોય એ સંભાવના ઓછી છે માટે પ્રોફેશનલ વેમાં જિજ્ઞાસુ વિદેશી પાસેથી આખા લગ્નનું પેકેજ બુક કરાવવામાં આવે અને એ વિદેશી દોસ્તો કે એના ફેમિલીને ભારતીય લગ્નમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવે. મોટા શહેરોમાં કે મોટા મેરેજીઝમાં આ વ્યવસાય ફૂલ્યોફાલ્યો છે.
આ ટ્રેન્ડથી સંતોષ ન થતા બેએક વર્ષથી નવો જ નુસખો શરૂ થયો છે કે શું કામ કોઈના ‘ગ્રાન્ડ વેડિંગ’ ની રાહ જોવી ? લગ્નના સારા મુહૂર્ત તો નવેમ્બર-ડિસેમ્બરમાં આવે. પછી કમૂરતાં બેસે. નવા વર્ષે બે-ત્રણ મહિના એટલે કે વસંત ઋતુમાં પણ ખૂબ લગ્ન આવે ને પછી વરસાદની સીઝનમાં ખાસ લગ્ન હોય નહીં.
ધંધો કરવા માટે પંચાંગના સહારે બેસવું પડે એ તો કોઈ ઈવેન્ટ કંપનીવાળાને પોષાય નહીં માટે સરખું બુકિંગ થાય તો નવાં લગ્નો જ ‘ઉપજાવી’ કાઢવાનાં ! આવાં વેડિંગમાં કોઈ કાયદેસર દુલ્હો નહીં કે કોઈ દુલ્હન નહીં, બાકી બધું જેમ હોય તેમ જ. લગ્નની બધી જ વિધિઓ યથાવત. લગ્નમાં વર પક્ષ અને ક્ધયા પક્ષ પણ હોય. લગ્નના ગીતો પણ ગવાય. ફટાણાં પણ ગવાય.
મહેંદી પણ બધા મૂકે. એકબીજાને પીઠી પણ ચોળાય. સંગીત સંધ્યા પણ યોજાય . ગુજરાતી લગ્ન હોય તો ગરબાનો પ્રોગ્રામ પણ ખરો.. જમણવાર પણ થાય. બધા પરંપરાગત પોશાકમાં સજજ થાય. જાનનું આગમન પણ થાય અને ક્ધયા પક્ષની વિદાય પણ થાય. બેન્ડ વાજા વાળાને પણ બોલાવવાના. ઢોલના તાલે નાચવાનું પણ ખરું. ફોટોઝ પણ લગ્નની સ્ટાઇલમાં પડે, જેને હાર પહેરવા હોય એ હાર પણ પહેરે. સાફો તો બધા જ બાંધે.
ભાંગડા નૃત્ય પણ થાય અને એકબીજાને મીઠું મોઢું પણ કરાવવાનું. લગ્નમાં જે પણ કંઈ થાય એ બધું અહીં થાય,માત્ર સાચુકલાં મેરેજ નહીં, પણ ફેક વેડિંગ. અને જો એ ફેક વેડિંગમાં ભાગ લેવો હોય તો મોટી ફી ચૂકવવાની. ભારતીય લગ્ન સમારંભનો આનંદ મેળવવા માટેનો આ વ્યવસાય પણ અમુક શહેરોમાં ખૂલ્યો છે. વિવાદ પણ થયા છે કે આ આપણી પરંપરાની મજાક ઉડાડી રહ્યા છે. સાથે આવા ફેક ફંક્શનમાં હાજર લોકોને પૂછતાં એમણે ફાયદા પણ ગણાવ્યા છે કે આવા ફેક વેડિંગ ફંક્શનનો ફાયદો એ છે કે અહીં કોઈ માસી કે ફુવા મોઢું ચડાવીને ફરતા નથી.
અત્યારે લગ્નની ભરચક સીઝન ચાલુ છે. કમૂરતા પૂરતો બ્રેક લાગીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીના વસંતોત્સવમાં પણ ખૂબ બધા લગ્ન યોજાશે, અત્યારે ઉદયપુરમાં કોઈ બિલિયોનરના વેડિંગમાં જેનિફર લોપેઝથી લઈને ઘણી ભારતીય હસ્તીઓ જોવા મળી. કોઈ બિલિયોનર શબ્દપ્રયોગ એટલા માટે કર્યો કે સામાન્ય જનતા માટે એ અજાણ્યું નામ હતું અને ખાસ્સા સમય સુધી ઇન્સ્ટાગ્રામ પર એમના નામને બદલે ‘બિલિયોનર્સ વેડિંગ’ એવું જ કેપ્શન મુકાતું હતું.
ગયા વર્ષે અંબાણીએ વેડિંગ ઑફ ધ સેન્ચ્યુરી કરીને ભારતના મીડિયા અને સોશ્યલ મીડિયાને બે અઠવાડિયા સુધી વ્યસ્ત રાખેલા. એ સિવાય કોઈ પણ ક્રિકેટર કે રાજકારણી કે અભિનેતાના લગ્ન થતા હોય ત્યારે બેથી ત્રણ દિવસ સુધી સમાચારોમાં એના લગ્નની જ વાત ચાલતી હોય છે. ક્યા ડિઝાઇનરે આઉટફિટ ડિઝાઇન કર્યાથી લઈને કોને કોને આમંત્રણ મળ્યું હતું એ રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બની જાય છે.
બાય ધ વે, ગુજરાતી યુવતીઓ પણ ‘લેહંગા’ શબ્દ બોલતી થઈ ગઈ છે પણ એ ગુજરાતી શબ્દ નથી. આપણાં ગુજરાતીમાં તો ક્ધયાના કપડાં માટે બહુ સુંદર શબ્દો છે - પાનેતર અને ઘરચોળું. ભારતીય લગ્નવિધિ છેલ્લા દાયકાઓમાં વિશ્વ પ્રસિદ્ધ થઈ છે. ભારતના લગ્ન સમારંભમાં જે નાટયતત્વ છે તે ભાગ્યે જ બીજી સંસ્કૃતિના વિવાહની વિધિમાં હશે.
વળી દરેક રાજ્ય કે દરેક કોમની અલગ અલગ લગ્ન વિધિ માટે ભારતીય પરંપરા મુજબના લગ્ન થાય તે પ્રત્યે આકર્ષણ રહે તે સ્વાભાવિક છે. વળી કોઈ પણ વિધિ લાઈવ પ્રવૃત્તિ હોય તેનો આનંદ મ્યુઝિયમમાં માણી શકાય નહીં. જે રિવાજના સાક્ષી બનવા માટે લોકો લાખો રૂપિયા આપવા માટે તૈયાર હોય એ બધા રિવાજો અને વિધિઓ વચ્ચે આપણે ઉછેર્યા છીએ. ( (એની આપણને કદર કે સમજ છે જે નહીં એ બીજો વિષય છે) પણ એ લગ્ન માટે માન અચૂક હોવું જોઈએ. લગ્ન આગળ જતાં ટકે કે ન ટકે, એ પણ અલગ વિષય છે , પણ દરેક ધર્મ કે દરેક સંસ્કૃતિમાં જેનું અદકેરું મહત્ત્વ છે તેવા અગ્નિની સાક્ષીએ જ્યારે આપણે ત્યાં બે વ્યક્તિ ફેરા ફરે અને જિંદગી સાથે ગાળવાનું નક્કી કરે ત્યારે તે બે વ્યક્તિએ એકબીજાને અને બાકીના સમાજે તેમના નિર્ણયને પૂરતું માન આપવું રહ્યું.