Thu Jan 01 2026

Logo

White Logo

મેસીએ માયામીને મેજર લીગ : સૉકરનું ટાઇટલ અપાવ્યું

Fort Lauderdale   3 weeks ago
Author: Ajay Motiwala
Video

ફોર્ટ લૉડરડેલઃ આ મહિને ભારતના પ્રવાસે આવનારા આર્જેન્ટિનાના વર્લ્ડ ચૅમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસી (Lionel Messi)ની આગેવાનીમાં અહીં અમેરિકામાં ઇન્ટર માયામીએ પહેલી વાર મેજર લીગ સૉકર (MLS)નું મોટું ટાઇટલ જીતી લીધું છે. એમએલએસમાં મેસીની આ ત્રીજી જ સીઝન છે અને એમાં તેણે મૅજિક બતાવી દીધું છે. માયામીની ટીમ પહેલી જ વખત એમએલએસનો તાજ (TITLE) જીત્યું છે. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ડેવિડ બેકહૅમની સહ-માલિકીવાળી માયામીની ટીમની આ છઠ્ઠી જ સીઝન છે અને એમાં એણે મેસીની મદદથી બહુમૂલ્ય ટ્રોફી જીતી લીધી હતી.

શનિવારે રમાયેલી ફાઇનલમાં માયામીએ વૅનકુંવર વાઇટકૅપ્સ નામની ટીમને 3-1થી પરાજિત કરી હતી. આ ફાઇનલમાં મેસીએ એક પણ ગોલ નહોતો કર્યો, પરંતુ સાથી ખેલાડીઓને ગોલ કરવા માટે તેણે ખૂબ પ્રેરિત કર્યા હતા અને આખી ટૂર્નામેન્ટમાં માગદર્શન આપીને માયામીની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. માયામી વતી ત્રણ ગોલ થયા હતા. વૅનકુંવરના એડિયર ઑકેમ્પોથી આઠમી મિનિટમાં ભૂલથી માયામીના ગોલપોસ્ટમાં ગોલ થતાં માયામીએ 1-0થી સરસાઈ લીધી હતી. 60મી મિનિટમાં અલી અહમદે ગોલ કરીને વૅનકુંવરને 1-1ની બરાબરી અપાવી હતી. જોકે 71મી મિનિટમાં માયામીના રૉડ્રિગો ડિ પૉલે અને મૅચના અંતની થોડી ક્ષણો પહેલાં (96મી મિનિટમાં) ટેડિયો ઑલેન્ડેએ અંતિમ ગોલ કર્યો હતો.

લીગ્સ કપ પછી હવે બીજી મોટી ટ્રોફી

2023ની સાલમાં મેસીના સુકાનમાં માયામીએ લીગ્સ કપ જીતી લીધો હતો. ત્યાર બાદ 2024માં માયામીએ સપોર્ટર્સ શીલ્ડનું ટાઇટલ મેળવ્યું હતું. એમએલએસ આ ટીમનું બીજું મોટું ટાઇટલ છે.

કરીઅરમાં મેસીની 47મી ટ્રોફી

લિયોનેલ મેસીની શાનદાર કરીઅરની આ (એમએલએસ) 47મી ટ્રોફી છે. તેણે ઇન્ટર માયામી ટીમ વતી 50 મૅચ રમીને કુલ 53 ગોલ કર્યા છે તેમ જ ટીમના બીજા અનેક ગોલમાં પણ મેસીનું આડકતરું યોગદાન રહ્યું છે.