Mon Dec 22 2025

Logo

White Logo

નાલાસોપારામાં રિયલ એસ્ટેટ એજન્ટની હત્યા: : ફરાર દંપતીની 16 વર્ષ બાદ ઇન્દોરથી ધરપકડ...

3 days ago
Author: Yogesh D Patel
Video

પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારા પૂર્વમાં દલાલીનાં નાણાંને મુદ્દે થયેલા વિવાદમાં રિયલ એસ્ટેટ એજન્ટની કરાયેલી હત્યાના કેસમાં ફરાર દંપતીને 16 વર્ષ બાદ મધ્ય પ્રદેશના ઇન્દોરથી ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી.

ઇન્દોરથી પકડાયેલા આરોપીઓની ઓળખ ધર્મેન્દ્ર રમાશંકર સોની (54) અને તેની પત્ની કિરણ ધર્મેન્દ્ર સોની (50) તરીકે થઇ હતી. બંનેને નાલાસોપારા લવાયા બાદ કોર્ટમાં હાજર કરાયાં હતાં, જ્યાં તેમને 22 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. આ કેસમાં એક આરોપી હજી ફરાર હોઇ પોલીસ દ્વારા તેની શોધ ચલાવવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ નાલાસોપારા પૂર્વમાં એપ્રિલ, 2009માં દલાલીનાં નાણાંને મુદ્દે થયેલા વિવાદમાં રિયલ એસ્ટેટ એજન્ટની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે ચાર જણ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને એક આરોપીની ત્યારે ધરપકડ કરી હતી, જ્યારે દંપતી સહિત ત્રણ આરોપી ફરાર હતાં.

દરમિયાન મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સેલ-3ના અધિકારીઓએ હાલમાં કેસની ફરીથી તપાસ શરૂ કરી હતી અને તેમાં સંડોવાયેલા દંપતીને ઇન્દોરના મઉ ગામમાંથી શોધી કાઢ્યું હતું, જેને બાદમાં નાલાસોપારા લવાયું હતું. (પીટીઆઇ)