મુંબઈઃ આગામી 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ભારત અને શ્રીલંકામાં યોજાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપની પ્રથમ તબક્કાની ટિકિટોનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે જેમાં ભારતમાં અમુક સ્થળે ટિકિટનો ઓછામાં ઓછો ભાવ 100 રૂપિયા અને શ્રીલંકામાં એલકેઆર 1,000 (3.2 ડૉલર) છે. આ ટિકિટો tickets.cricketworldcup.com પરથી ખરીદી શકાશે.
બીજા તબક્કાની ટિકિટોના વેચાણને લગતી વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે. આઇસીસીના સીઇઓ સંજોગ ગુપ્તાએ કહ્યું હતું કે ` 2026ના આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ (World cup) માટેનું અમારું વિઝન એ છે કે આ ટૂર્નામેન્ટ ક્રિકેટપ્રેમીઓ, પછી ભલે તે કોઈ પણ બૅકગ્રાઉન્ડના હોય, ભૌગોલિક રીતે તથા આર્થિક રીતે કોઈ પણ વર્ગના હોય તેમને સ્ટેડિયમ (Stadium)માં આવીને મૅચ માણવાનો લાભ મળી રહે. સામાન્યમાં સામાન્ય લોકોને પણ પરવડી શકે એવો ટિકિટનો સૌથી નીચો ભાવ રાખવો એ અમારો ઇરાદો છે કે જેથી તેઓ સ્ટેડિયમના અદ્ભુત માહોલમાં મૅચ માણી શકે.'
20 દેશ વચ્ચેના વર્લ્ડ કપમાં કુલ પંચાવન મૅચ રમાશે. આ મૅચો માટેના ત્રણ સમય નક્કી કરાયા છે. જે દિવસે ત્રણ મૅચ હશે એમાં પહેલી મૅચ સવારે 11.00 વાગ્યે, બીજી મૅચ બપોરે 3.00 વાગ્યે અને ત્રીજી મૅચ સાંજે 7.00 વાગ્યે શરૂ થશે.
ભારતના ગ્રૂપ-એમાં પાકિસ્તાન, યુએસએ, નેધરલૅન્ડ્સ, નામિબિયાનો સમાવેશ છે. ભારત-પાકિસ્તાન મુકાબલો 15મી ફેબ્રુઆરીએ (સાંજે 7.00 વાગ્યાથી) કોલંબોમાં થશે.