ઇન્ડિગો એરલાઇન (IndiGo Airline) છેલ્લા કેટલાક દિવસોથી એક ગંભીર સંકટનો સામનો કરી રહી છે. માત્ર છ દિવસમાં 1400થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે અને ક્રૂ તથા પાઇલટ્સની અછતને લીધે અન્ય ઘણી ફ્લાઇટ્સમાં ડીલે થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ સંકટ વચ્ચે ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે આ ખાનગી એરલાઈનનું સુકાન કોણ સંભાળે છે. ઉડ્ડયન ક્ષેત્રની આ દિગ્ગજ એરલાઇનનો માલિક કોણ છે અને આ એરલાઇન સિવાય અન્ય ક્યાં સેક્ટરમાં બિઝનેસ વિસ્તરેલો છે એની વાત કરીએ.
ઇન્ડિગો એરલાઇન્સના કો-ફાઉન્ડર રાહુલ ભાટિયા એક જાણીતા ભારતીય ઉદ્યોગપતિ છે. તેઓ ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝિસના ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર અને ઇન્ડિગોની પેરન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિયેશનના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર છે. ભાટિયાને ઈન્ડિગોને વિશ્વની સૌથી વધુ નફાકારક લો-કોસ્ટ એરલાઈન્સમાંની એક બનાવવાનો શ્રેય પણ આપવામાં આવે છે. તેમણે આ સ્ટાર્ટઅપ 2006માં શરૂ કર્યુ હતું.
ભલે ઇન્ડિગો ઇન્ટરગ્લોબ પોર્ટફોલિયોનો સૌથી મહત્વ પૂર્ણ હિસ્સો હોય, પરંતુ રાહુલ ભાટિયાનો વ્યવસાયિક હિતો માત્ર એવિએશન પૂરતો સીમિત નથી. ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇસીસ ટ્રાવેલ, હોસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ અને ટેક્નોલોજીની આસપાસ એક મોટું ઇકોસિસ્ટમ બનાવ્યું છે. આના કારણે તે ઉડ્ડયન અને તેની સંબંધિત સેવાઓ સાથે સંકળાયેલા ભારતના અગ્રણી ગ્રુપ્સમાંનું એક બની ગયું છે. હોસ્પિટાલિટી (આતિથ્ય) સેક્ટરમાં ઇન્ટરગ્લોબની મજબૂત હાજરી છે. તેઓ ફ્રેન્ચ હોસ્પિટાલિટી દિગ્ગજ એકૉર (Accor) સાથેના સંયુક્ત સાહસ 'ઇન્ટરગ્લોબ હોટેલ્સ' દ્વારા 30થી વધુ હોટેલોનું સંચાલન કરે છે, જેમાં ગુરુગ્રામની ઘણી પ્રોપર્ટીનો સમાવેશ થાય છે.
ઇન્ટરગ્લોબ લોજિસ્ટિક્સ સેવાઓમાં પણ કાર્યરત છે, જે સપ્લાય ચેઇન ઓપરેશન્સ અને કાર્ગો ટ્રાન્સપોર્ટેશનને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, કંપની એવિએશન મેનેજમેન્ટ, એડવાન્સ પાઇલટ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને એરક્રાફ્ટ એન્જિનિયરિંગ સેવાઓ પણ પૂરી પાડે છે, જે ઇન્ડિગો સહિત અન્ય એરલાઇન્સને પણ મદદરૂપ થાય છે. ટેક્નોલોજીના ક્ષેત્રમાં, ઇન્ટરગ્લોબ ડિજિટલ સેવાઓ અને સ્માર્ટ ટેક સોલ્યુશન્સમાં રોકાણ કરી રહ્યું છે.
કંપનીનું સૌથી નવું સાહસ AIONOS નામનું AI સ્ટાર્ટઅપ છે, જે ઉડ્ડયન અને અન્ય ક્ષેત્રો માટે સુરક્ષા પ્રણાલીઓ, ઓપરેશનલ મેનેજમેન્ટ અને પ્રિડિક્ટિવ મેન્ટેનન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સામેલ કરવા પર કામ કરી રહ્યું છે. આટલું જ નહીં, કંપની ઇન્ડિગોના કોર્પોરેટ ઓફિસ પાસે રેસ્ટોરાં અને ફૂડ એન્ડ બેવરેજ (F&B) વેન્ચર્સ પણ ચલાવે છે.