Mon Dec 08 2025

Logo

White Logo

ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થતાં : બીસીસીઆઇએ આ મોટો નિર્ણય લેવો પડ્યો

2 days ago
Author: Ajay Motiwala
Video

નવી દિલ્હીઃ ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થવાથી આખા દેશમાં વિપરીત અસર થઈ છે અને એમાંથી બીસીસીઆઇ પણ બાકાત નથી. ઇન્ડિગોની ફ્લાઇટ્સ કૅન્સલ થવાને પગલે ક્રિકેટ બોર્ડે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની નૉકઆઉટ રાઉન્ડની મૅચોના વેન્યૂ (venue) બદલવા પડ્યા છે.

ઇન્દોર (Indore)માં રમાનારી નૉકઆઉટ મૅચ હવે પુણેમાં રમાશે. આ મુકાબલા અગાઉ હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં અને એમરાલ્ડ હાઈ સ્કૂલ ગ્રાઉન્ડમાં થવાના હતા. અહીં 12-18 ડિસેમ્બર સુધીની અંતિમ 12 મૅચ, સુપર લીગ તથા ફાઇનલ મૅચ રમાવાની હતી, પરંતુ બધી મૅચો પુણેમાં રાખવામાં આવી છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)માં હાલમાં ગ્રૂપ-એમાં મુંબઈ મોખરે છે, જ્યારે આંધ્ર બીજા સ્થાને છે. ગ્રૂપ-બીમાં હૈદરાબાદ પ્રથમ અને ઉત્તર પ્રદેશ બીજા નંબરે છે. ગ્રૂપ-સીમાં બેંગાલ તથા પંજાબ અનુક્રમે પહેલા અને બીજા ક્રમે છે, જ્યારે ગ્રૂપ-ડીમાં ઝારખંડ પહેલા અને રાજસ્થાન બીજા નંબરે છે.

હવે તમામ મૅચો ઇન્દોરને બદલે પુણેમાં એમસીએ સ્ટેડિયમમાં અને ડીવાય પાટીલ ઍકેડેમીના મેદાન પર રમાશે. એક અહેવાલ મુજબ મધ્ય પ્રદેશ ઍસોસિયેશનના સીઇઓ રોહિત પંડિતે બીસીસીઆઇને 15 દિવસ પહેલાં જ બીસીસીઆઇને જણાવી દીધું હતું કે તેઓ આ ટૂર્નામેન્ટની નૉકઆઉટ મૅચોનું આયોજન નહી કરી શકે. ખરેખર તો ઇન્ડિગોના ડખા ઉપરાંત 9-12 ડિસેમ્બર દરમ્યાન ઇન્દોરમાં ડૉક્ટરોનું વિશ્વ સંમેલન પણ છે જેને લીધે શહેરની હોટેલોમાં રૂમ પણ ઉપલબ્ધ નથી.

હવે બીસીસીઆઇ માટે બીજી મુશ્કેલી એ હોઈ શકે કે એણે ટૂર્નામેન્ટના લીગ રાઉન્ડના ચાર વૅન્યૂ અમદાવાદ, કોલકાતા, લખનઊ, હૈદરાબાદથી ખેલાડીઓ, ટીમોના કોચ, અમ્પાયરો તેમ જ અધિકારીઓને પુણે લાવવા પડશે. અમદાવાદમાં મહિલાઓની અન્ડર-23 ટી-20 ટ્રોફી તેમ જ પુરુષોની અન્ડર-19 કૂચ બિહાર ટ્રોફી ટૂર્નામેન્ટ પણ ચાલી રહી છે જેને લીધે અમ્પાયરો અને અધિકારીઓના પ્રવાસની વ્યવસ્થા પણ કરવાની હોય છે. આ બધી બાબતો બીસીસીઆઇ માટે મોટી ચૅલેન્જ બની રહેશે.