Mon Dec 08 2025

Logo

White Logo

લગ્ન બાદ માત્ર 3 દિવસ સાસરીયે રહી! 14 વર્ષ પછી કોર્ટે પતિને : ભરણપોષણ ચૂકવવા આદેશ આપ્યો, જાણો આ કેસ વિશે

3 days ago
Author: savan zalariya
Video

જૂનાગઢ: જો લગ્ન બાદ પત્ની સાસરીયામાં માત્ર અમુક જ દિવસો રહી હોય અને બાદમાં પતિ સાથે છૂટાછેડા લીધા હોય, તો પત્નીને ભરણપોષણ મળવું જોઈએ? જૂનાગઢની એક ફેમિલી કોર્ટે તાજેતરમાં એક કેસમાં માત્ર 3-4 દિવસ જ સાસરિયામાં રહેલી મહિલાને ભરણપોષણ આપવાના આદેશ આપ્યો હતો, એ પણ લગ્નના 14 વર્ષ બાદ.

જૂનાગઢની એક ફેમિલી કોર્ટે એક નિવૃત્ત બેંક અધિકારીને તેની પૂર્વ પત્નીને દર મહિને 10,000 રૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો છે.

એહવાલ મુજબ 5 એપ્રિલ, 2011ના રોજ 53 વર્ષીય બેંક અધિકારીએ જૂનાગઢના ગાયત્રી મંદિરમાં 37 વર્ષીય મહિલા સાથે હિન્દુ વિધિ અનુસાર લગ્ન કર્યા હતા. આ બંનેના બીજા લગ્ન હતા.

બંનેના બીજા લગ્ન:

મહિલાને તેના પહેલા લગ્નથી 13 વર્ષની દીકરી હતી, પહેલા પતિ સાથે છુટાછેડા લીધા બાદ તે તેની માતા સાથે રહેતી હતી. જયારે બેંક અધિકારી વિધુર હતો અને તેના બે પુત્રો હતાં, જેના બંનેના લગ્ન થઇ ચુક્યા હતાં. બેંક અધિકારી જીવનસાથી માટે અખબારોમાં જાહેરાતો આપી હતી, બાદમાં મહિલાએ તેનો સંપર્ક કર્યો હતો અને બંનેના લગ્ન થયા હતાં. 

3-4 દિવસમાં સાસરિયું છોડ્યું:

જૂનાગઢની ફેમિલી કોર્ટમાં કરેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે બીજા પતિના પરિવારના સભ્યોએ તેમના લગ્નથી નારાજ હતાં અને વારંવાર ઝઘડો કરતા હતા, આથી તે ફરીથી માતા સાથે રેહેવા જતી રહી હતી. ફેમિલી કોર્ટમાં ફરિયાદ મુજબ મહિલા સાસરીયે ફક્ત 3-4 દિવસ રહી હતી. 

ફરિયાદ મુજબ પતિ તેને માનાવવા અને સાથે લઇ જવા આવ્યો ન હતો. બાદમાં પતિએ મહિલાના ફોન ઉપાડવાના પણ બંધ કર્યા. મહિલાએ CrPC ની કલમ 125 હેઠળ તેના અને તેની સગીર પુત્રી માટે ભરણપોષણની માંગણી કરી. બાદમાં પતિએ દાવો કર્યો કે તેમના લગ્ન થયા જ નથી. 

વર્ષ 2013માં જૂનાગઢની ફેમિલી કોર્ટે મહિલાને ભરણપોષણનો ઇનકાર કર્યો હતો, કારણ કે પતિએ દાવો કર્યો હતો કે મંદિરમાં યોજાતો કાર્યક્રમ ફક્ત તેમની સગાઈ હતી.

ગુજરાત હાઈકોર્ટમાં ચુકાદાને પડકાર્યો:
ફેમિલી કોર્ટના આ ચુકાદાને મહિલાએ ગુજરાત હાઈકોર્ટ પડકાર્યો હતો. વર્ષો સુધી ચાલેલી સુનાવણી બાદ હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો અને જૂન 2025 માં આ મુદ્દા પર નવેસરથી નિર્ણય લેવા ફેમિલી કોર્ટને નિર્દેશ આપ્યો. 

ફેમિલી કોર્ટે ચુકાદો બદલ્યો:
ફેમિલી કોર્ટમાં નવેસરથી સુનાવણી શરુ થઇ, આ દરમિયાન ફેમિલી કોર્ટે ચુકાદો આપ્યો કે બંનેના લગ્ન થયા હતાં. કોર્ટે કહ્યું અરજદારના મૌખિક પુરાવા પરથી જાણવા મળે છે કે તેને ત્યજી દેવામાં આવી હતી. અરજદાર મહિલા તેની દીકરી સાથે દયનીય જીવન જીવી રહી છે. આ પરથી નિષ્કર્ષ કાઢી શકાય છે, કે પતિ દ્વારા મહિલાની ઉપેક્ષા કરવામાં આવી અને ભરણપોષણનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

કોર્ટે નિવૃત બેન્ક અધિકારી મહિલાને દર મહીને રૂ.10,000 ભરણપોષણ પેટે આપવાનો આદેશ આપ્યો હતો, જોકે કોર્ટે મહિલાની સગીર દીકરી માટે ભરણપોષણનો આદેશ આપ્યો ન હતો, કારણ કે તે પતિનું બાયોલોજીકલ સંતાન નથી.