Mon Dec 22 2025

Logo

White Logo

અમદાવાદ પોલીસને ગાળો આપનાર મહિલા : સામે વધુ એક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR...

1 day ago
Author: Devayat Khatana
Video

અમદાવાદ: શહેરના પાલડી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા અંજલી ચાર રસ્તા પાસે તાજેતરમાં એક પોલીસ કર્મીની એક મહિલા સાથે તકરારમાં મહિલા દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ કર્મીએ મહિલાને લાફો પણ માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બનાવ અંગે  મહિલા વિરુદ્ધ પાલડી પોલીસ બાદ હવે વધુ  એક પોલીસ  ફરિયાદ નોંધી છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન અને ગાળાગાળી કરવાના કિસ્સામાં બંસરી ઠક્કર નામની મહિલાની મુશ્કેલીમાં વધારો થયો છે. ૧૯ ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં આ મહિલા ફરજ પરના પોલીસ કર્મચારીને બેફામ ગાળો બોલી રહી હતી અને તેમની વર્ધી ઉતારી દેવાની ધમકી આપી રહી હતી. આ ઘટનાના આધારે 'એન' ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાઅને મોટર વ્હિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ વિવાદિત વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક શાખાના મહિલા પોલીસ કોન્સ્ટેબલ શ્રદ્ધાબેન ગાંડાભાઈએ પણ બંસરી ઠક્કર સામે અગાઉના એક બનાવની રજૂઆત કરી હતી. ફરિયાદ મુજબ, તારીખ ૧૪ નવેમ્બરના રોજ શ્યામલ બિટ પાસે જાહેર રોડ પર બંસરી ઠક્કર હેલ્મેટ વગર પસાર થઈ રહ્યા હતા. જ્યારે મહિલા કોન્સ્ટેબલે તેમને અટકાવી મેમો આપવાની તજવીજ કરી, ત્યારે આ મહિલા ચાલક ઉશ્કેરાઈ ગયા હતા અને ગેરવર્તન કર્યું હતું.

મહિલા પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બંસરી ઠક્કરે પોતે હાઈકોર્ટના વકીલ હોવાની ઓળખ આપી ધમકાવતા કહ્યું હતું કે, "હું તને કોર્ટમાં જોઈ લઈશ, તને રોડ ઉપર લાવી દઈશ અને તારી વર્ધી ઉતારી દઈશ." જાહેરમાં ગંદી ગાળો બોલી પોલીસની ફરજમાં રુકાવટ કરી હોવાના આક્ષેપ સાથે કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૧, ૨૯૬(બી), ૩૫૧(૧) અને એમ.વી. એક્ટ મુજબ કાર્યવાહી કરી છે.

આમ, ટ્રાફિક પોલીસ સાથે અવારનવાર ગેરવર્તન કરનાર બંસરી ઠક્કર વિરુદ્ધ તા. ૨૧/૧૨/૨૦૨૫ના રોજ 'એન' ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને કાયદાકીય કડક પગલાં ભરવાની તૈયારી કરી રહી છે.