Sat Dec 13 2025

Logo

White Logo

પાણીની પાઈપલાઈનને થયેલા નુકસાન : બાદ થાણેમાં ૫૦ ટકા પાણીકાપ

14 hours ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણે શહેરને પાણીપુરવઠો કરનારી પાણીની પાઈપલાઈનને થયેલા નુકસાનને પગલે થાણે પાલિકા દ્વારા સમગ્ર થાણે શહેરમાં ચાર દિવસ માટે ૫૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે.
અઠવાડિયામાં બીજી વખત મહાનગર ગેસ લિમિટેડ દ્વારા તેના કામ દરમ્યાન જૂની પાણીની પાઈપલાઈનને નુકસાન પહોંચાડવામાં આવ્યુંં હોવાનો બનાવ બન્યો છે, તેને કારણે થાણેના રહેવાસીઓને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડ્યો છે

પિસે બંધમાંથી ટેમઘર વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણી પુરવઠો કરનારી ૧,૦૦૦ ડાયામીટરની પાઈપલાઈનને ગુરુવારે,૧૧ ડિસેમ્બરના  કલ્યાણ ફાટા પાસે મહાનગર ગેસ લિમિટેડના કામ દરમ્યાન નુકસાન પહોંચ્યું હતું. યુદ્ધના ધોરણ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે પાણીની પાઈપલાઈન બહુ જૂની અને સિમેન્ટ-કૉંક્રીટની બનેલી હોવાથી તેના સમારકામમાં ચાર દિવસથી વધુ સમય લાગી શકે છે. તેને કારણે થાણે શહેરના પાણીપુરવઠામાં તાત્કાલિક ધોરણે ૫૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો હોવાનું થાણે પ્રશાસને જણાવ્યું હતું.

થાણે પ્રશાસનના જણાવ્યા મુજબ શહેરમાં તમામ લોકોને એક સમાન પાણી મળી રહે તે માટે ૧૫ ડિસેમ્બર સુધી પાણી પુરવઠો ઝોનલ સિસ્ટમ મુજબ કરવામાં આવશે. ઝોનલ મેથડમાં પાણીપુરવઠાના જુદા જુદા સ્રોતમાંથી મેળવલ પાણીને દરેક વિસ્તારમાં એક સમાન પાણીપુરવઠો કરવામાં આવે છે. સમારકામ પૂરું થાય નહીં ત્યાં સુધી દરેક ઝોનમાં દિવસના ૧૨ કલાક માટે જ પાણીપુરવઠો કરવામાં આવશે.

નોંધનીય છે કે આ અગાઉ પણ છ ડિસેમ્બરના મહાનગર ગેસ લિમિટેડ દ્વારા કલ્યાણ ફાટા પાસે જ ૧,૦૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તેને કારણે થાણે શહેરમાં ત્રણ દિવસ માટે ૩૦ ટકા પાણીકાપ મુકવામાં આવ્યો હતો. આ સમારકામ હજી પૂરું થયું નહોતું ત્યાં તો મહાનગર ગેસ દ્વારા ફરી પાઈપલાઈનને નુકસાન પહોંચાડવામાં આવતા લગભગ એક અઠવાડિયાથી થાણેવાસીઓ પાણીને લઈને હેરાનપરેશાન થઈ ગયા છે.