Mon Dec 22 2025

Logo

White Logo

પૃથ્વીરાજ ચવ્હાણ આક્રમક: : સરકાર એપ્સટેઈન સાથે વડા પ્રધાનના સંબંધોનો ખુલાસો કરે એવી માગણી

2 days ago
Author: Vipul Vaidya
Video

એપ્સટેઈનના મેઈલમાં ‘મોદી ઓન બોર્ડ’નો ઉલ્લેખ, મંત્રી હરદીપ પુરીનું પણ નામ:પૃથ્વીરાજ ચવ્હાણનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ એપ્સટેઈન ફાઈલ્સને લઈને આક્રમક બન્યા છે અને તેમણે એવી માગણી કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એપ્સટેઈનના સંબંધો અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ.

શનિવારે પત્રકારોને સંબોધતાં ચવ્હાણે કહ્યું હતું કે એપ્સટેઈન ઈઝરાયલી જાસૂસ હતા. ઘણા અમેરિકન ધનિકો તેમની પાસે આવતા હતા. મોદી 2014માં એપ્સટેઈનના સંપર્કમાં આવ્યા હતા. ટ્રમ્પના સલાહકાર એપ્સટેઈનને મળવા માગતા હતા તેથી તેઓ ગયા હતા. તે સલાહકાર સાથે મોદીનો શું સંબંધ હતો? તેમણે એવો પણ દાવો કર્યો હતો કે એપ્સટેઈનના ઈમેલમાં કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી (તત્કાલીન યુએસ રાજદૂત)નો ઉલ્લેખ હતો.

પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે એપ્સટેઈન ફાઇલોમાં લગભગ 30 વર્ષનો ડેટા છે, જેમાં ઈમેલ, પત્રો, ફોટોગ્રાફ્સ, વિડીયો રેકોર્ડિંગ અને ઓડિયો રેકોર્ડિંગ જેવા વિશાળ ઇલેક્ટ્રોનિક પુરાવા સામેલ છે. આ બધા પુરાવા એપ્સટેઈન સામેના કેસોમાં રજૂ કરવામાં આવ્યા હતા, આ બધા પુરાવા હવે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પાસે છે. એટર્ની જનરલ રાષ્ટ્રપતિ ટ્રમ્પના અધિકાર હેઠળ કામ કરે છે અને વર્તમાન એટર્ની જનરલને છ મહિના પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કાયદા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બધા દસ્તાવેજો તેમના કબજામાં છે.

પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે આ કેસ 1995-96થી ચાલી રહ્યો છે અને તેની માહિતી ધીમે ધીમે 2005 અને 2010માં અમેરિકામાં પ્રકાશમાં આવી હતી. આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ જેફ્રી એપ્સટેઇન નામનો ખૂબ જ શ્રીમંત ઉદ્યોગપતિ હતો. એપ્સટેઇન સગીર છોકરીઓને લલચાવતો હતો અને તેમનું જાતીય શોષણ કરતો હતો અને તેમના શરીર ઉચ્ચ કક્ષાના મોટા અધિકારીઓને વેચતો હતો, જેના કારણે ઘણી છોકરીઓએ તેની સામે ફોજદારી કેસ દાખલ કર્યા હતા. એપ્સટેઇનનું ઓગસ્ટ 2019માં ન્યૂ યોર્કની એક ઉચ્ચ સુરક્ષાવાળી જેલમાં મૃત્યુ થયું હતું.

તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે જોકે મોટા અધિકારીઓ દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય એવી શક્યતા પણ છે. અમેરિકામાં હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ નથી. એપ્સટેઈન સંબંધિત તમામ દસ્તાવેજો, ફોટા અને વિડિયો જાહેર કરવાની ફરજ અમેરિકાના વહીવટીતંત્રને પડી હતી, જેને સામૂહિક રીતે એપ્સટેઈન ફાઇલ્સ કહેવામાં આવે છે.