ગાંધીનગરઃ શહેરમાં દહેજનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ઉચ્ચ શિક્ષિત ખાનદાનની એક યુવતી પાસે સાસરિયાંએ 5 કરોડનું દહેડ માંગતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. યુવતીનો પતિ બિઝનેસમેન અને સસરા પાયલોટ છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના લગ્ન 21 નવેમ્બર 2021ના રોજ રાજસ્થાનના પાલી જિલ્લાના ડીગરના ગામના વતની સાથે થયા હતા. સગાઈ વખતે જ પિયર પક્ષ દ્વારા 2 તોલા સોનું અને 5,100 રોકડ આપવામાં આવી હતી. હેલિકોપ્ટર પાઇલટ તરીકે ફરજ બજાવતા સસરા અને માઇન્સનો બિઝનેસ કરતા પતિને પિયર પક્ષે લગ્ન સમયે 11 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના આપ્યા છતાં 5 કરોડનો ખર્ચ માગી શારીરિક માનસિક ત્રાસ આપી ટ્રકમાં સામાન ભરી યુવતીને પિયર તગેડી મૂકી હતી.
ફરિયાદમાં જણાવાયા મુજબ, લગ્ન પહેલા સાસરી પક્ષે 125 તોલા સોનું, 6 કિલો ચાંદી અને કારની માગ કરી હતી. દીકરીનું ઘર ન બગડે તે હેતુથી મારા પિતાએ લગ્ન પહેલાં જ 11 લાખ રૂપિયા ટ્રાન્સફક કર્યા હતા. ઉપરાંત કિંમતી ફર્નિચર પણ આપ્યું હતું. જોકે લગ્ન બાદ સાસરે આવી ત્યારે સાસુએ અમારો તો 5 કરોડનો ખર્ચ થાય તેવું ઘર જોઈએ તેમ કહી મેણાટોણા મારીને કનડગત કરી હતી.
ઉપરાંત ફરિયાદ મુજબ, પતિ અવારનવાર દારૂ પીને તેની સાથે મારઝૂડ કરતો હતો. તેમજ અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ રાખતો હતો. ફેબ્રુઆરી 2023માં તબિયત ખરાબ હોવાથી તે પિયર આવી હતી ત્યાર બાદ સાસરીયાએ સંબંધ કાપી નાખ્યો હતો અને ત્રણ મહિના બાદ સામાન અને કપડાં ટ્રકમાં ભરીને પિયર મોકલી આપ્યો હતો. આ ઉપરાંત કરિયાવરમાં આપેલા સોનાના દાગીના પરત માંગતા તેની ચોરી થઈ ગઈ છે તેવું કહીને હાથ અદ્ધર કરી લીધા હતા.
આ ઘટના બાદ સમાજના આગેવાનો દ્વારા મધ્યસ્થી કરીને સમજાવટના પ્રયત્નો કર્યા ત્યારે સાસરીયાએ માંગ્યા મુજબનું કરિયાવર નહીં મળે ત્યાં સુધી પગ મુકવા દેવો નથી તેવી જીદ પકડી હતી. આખરે યુવતીએ પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવી હતી. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.