Mon Dec 22 2025

Logo

White Logo

ઈન્ટરનૅશનલ ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ: : 3.45 કરોડના ગાંજા સાથે પાંચ પકડાયા...

5 days ago
Author: Yogesh C Patel
Video

પુણે: બે વિદેશી નાગરિકોની મદદથી ચાલતા ઈન્ટરનૅશનલ ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ કરી પુણે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. પુણેના એક ફ્લૅટમાં ડ્રગ્સ બનાવવાનું યુનિટ શરૂ કરાયું હતું, જેમાંથી પોલીસે 3.45 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો હતો.

ડેપ્યુટી પોલીસ કમિશનર સોમેય મુંડેએ જણાવ્યું હતું કે મુંબઈ, પુણે, ગોવા અને ગુવાહાટી સહિત દેશનાં અલગ અલગ શહેરોમાંથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પુણેની ખડકી પોલીસે પકડી પાડેલા તુષાર ચેતન વર્મા (21) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા પછી પોલીસે અનેક ઠેકાણે રેઇડ કરી હતી.

પકડાયેલા ચાર આરોપીમાં સુમિત સંતોષ દેડવાલ (25), અક્ષય સુખલાલ મહેર (25), મલય ડેલીવાલા (28) અને સ્વરાજ ભોસલે (28)નો સમાવેશ થાય છે.આ રૅકેટનો વર્મા મુખ્ય આરોપી છે. તેની ધરપકડ બાદ અન્ય બે આરોપીને તાબામાં લેવાયા હતા. આરોપીઓએ પિંપરી ચિંચવડમાં આવેલા એક ફ્લૅટમાં ડ્રગ્સ બનાવવાની ફૅક્ટરી શરૂ કરી હતી, જેમાં હાઈડ્રોપોનિક ગાંજો તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ બનાવવાનાં સાધનો સાથે કાચો માલ જપ્ત કર્યો હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.

આ કેસની તપાસમાં ગોવાના ડ્રગ પેડલરને પણ પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે મુંબઈ અને ગોવામાં અનેક ઠેકાણે સર્ચ હાથ ધરી હતી. ડ્રગ્સની હેરફેરમાં ઉપયોગમાં લેવાતા ક્રિપ્ટો વૉલેટ્સ પણ સીલ કરાયાં હતાં. બે વિદેશી નાગરિક સહિત પાંચ જણની શોધ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)