Fri Dec 12 2025

Logo

White Logo

ઈન્ડિગો સંકટ પર દિલ્હી હાઈકોર્ટે માગ્યો સરકાર પાસેથી જવાબ, : પૂછ્યું પરિસ્થિતિ આટલી ખરાબ કેમ થઈ?

2 days ago
Author: Mumbai Samachar Team
Video

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) હાલમાં તેના ઇતિહાસના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે, જ્યાં ફ્લાઇટ રદ્દ થવા અને વિલંબની ઘટનાઓ સતત વધી રહી છે. આ ગંભીર સંકટને કારણે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આકરા સવાલ કર્યો છે કે આખરે પરિસ્થિતિ આ હદે કેવી રીતે વણસી ગઈ. હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ્દ થવાથી માત્ર મુસાફરોને જ મુશ્કેલી અને હેરાનગતિનો સામનો કરવો પડ્યો નથી, પરંતુ તેનાથી દેશની અર્થવ્યવસ્થાને પણ નુકસાન થઈ રહ્યું છે. આ કટોકટીના કારણે એરલાઈનનું માર્કેટ કેપ લગભગ ₹21,000 કરોડ સુધી ઘટી ગયું છે.

સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યો. કોર્ટે પૂછ્યું કે જ્યારે ઈન્ડિગોની ફ્લાઇટ્સ બંધ હતી, ત્યારે અન્ય એરલાઇન્સે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ટિકિટના ભાવો કેમ વધારી દીધા? કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે આવી સ્થિતિમાં અન્ય એરલાઇન્સ દ્વારા ભાવો વધારવાને કેવી રીતે વાજબી ઠેરવી શકાય? સરકારે કોર્ટને માહિતી આપી કે આ મામલે કાયદાકીય પ્રક્રિયા સંપૂર્ણપણે લાગુ છે અને ઈન્ડિગોને શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી છે. કેન્દ્રએ જણાવ્યું કે એરલાઈને પોતાની ભૂલ બદલ માફી માંગી છે અને પરિસ્થિતિ સુધારવાનું આશ્વાસન આપ્યું છે.

દરરોજ લગભગ 2300 ફ્લાઇટ્સનું સંચાલન કરતી અને સ્થાનિક ઉડ્ડયન બજારમાં 60%થી વધુ હિસ્સો ધરાવતી ઈન્ડિગો એરલાઈનનું સંકટ આજે, તેના નવમા દિવસે પણ યથાવત્ છે. દેશના ત્રણ મુખ્ય એરપોર્ટ, દિલ્હી, અમદાવાદ અને મુંબઈ પર ફ્લાઇટ રદ્દ થવા અને વિલંબને કારણે મુસાફરોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હાલની જાણકારી પ્રમાણે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરો કલાકોથી ફસાયેલા જોવા મળે છે.

અચાનક ફ્લાઇટ્સ રદ્દ થવા અથવા લાંબા સમય સુધી વિલંબથી ચાલવાને કારણે લોકો એરપોર્ટ પર બેસીને રાહ જોવા મજબૂર બન્યા છે. કેટલાક મુસાફરોએ ખાવા-પીવાની અને પૂરતી માહિતી ન મળવાની પણ ફરિયાદ કરી છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે દેશની સૌથી મોટી એરલાઈનમાં સર્જાયેલી આ કટોકટી માત્ર તેની આંતરિક સમસ્યા નથી, પરંતુ તે હજારો મુસાફરોની મુસાફરી યોજનાઓ અને દેશના હવાઈ પરિવહન વ્યવસ્થાપન પર પણ ગંભીર અસર કરી રહી છે.