(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પર્યાવરણના સંરક્ષણની દૃષ્ટિએ મુંબઈ મહાનગરપાલિકાના સાત ઠેકાણે સ્યુએજ ટ્રીટમેન્ટ (ગંદા પાણી પર પ્રક્રિયા) પ્લાન્ટ ઊભા કરી રહી છે. આ સાત ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણીનો પુન:ઉપયોગ થવાનો હોઈ તે માટે પાણીને ધારાવીથી ઘાટકોપર અને આગળ ભાંડુપ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં લઈ જવામાં આવવાનું છે અને ત્યાં તેના પર પ્રક્રિયા કરીને પાણીનો અન્ય કામ માટે ઉપયોગ કરવામાં આવવાનો છે. બે તબક્કામાં બાંધવામાં આવનારી ધારાવીથી (વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ફેસિલીટી -WWTF) ઘાટકોપર સુધીની ટનલના કામને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)ની મંજૂરી મળી ગઈ છે. તેથી સ્યુએજ ટનલના કામ આડેથી મોટો અવરોધ દૂર થયો છે.
સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને કારણે દરિયામાં ગંદુ પાણી સીધું નહીં છોડતા પ્રક્રિયા કરેલા પાણીને કારણે દરિયામાં છોડવામાં આવતા પાણીની ગુણવત્તામાં પણ સુધારો થવાનો છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ દરિયામાં છોડવામાં આવતા ગંદા પાણી પર બીજા અને ત્રીજા તબક્કાની પ્રક્રિયા કરીને તેનો ઉપયોગ અન્ય કામ માટે કરવાનો નિર્ણય લીધો છે. પાલિકાના પમ્પિંગ સ્ટેશનમાં આ પાણી પર પ્રક્રિયા કરીને તે પાણી દરિયામાં ખાડી અને નદીમાં છોડવામાં આવે છે. તેની પાણી દૂષિત થતું નથી. જોકે હવે આ પાણીનો યોગ્ય ઉપયોગ કરવા માટે ૨,૪૬૪ મિલ્યન લિટર ક્ષમતાના વરલી, બાન્દ્રા, ઘાટકોપર, ધારાવી, મલાડ, વર્સોવા અને ભાંડુપ આ સાત સ્થળે રહેલા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ઊભા કરવામાં આવી રહ્યા છે.
આ સાત પ્લાન્ટમાંથી વર્સોવા, ભાંડુપ, ઘાટકોપર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જુલાઈ ૨૦૨૬ સુધી અને બાન્દ્રા, વરલી, ધારાવી પ્લાન્ટ જુલાઈ ૨૦૨૭ અને મલાડ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જુલાઈ ૨૦૨૮માં પૂરા થવાના છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧૭,૦૦૦ કરોડ રૂપિયા છે.
આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ થયા બાદ તેમાંથી ૧,૨૩૨ મિલ્યન લિટર ક્ષમતાનું પાણી પ્રક્રિયા કરીને પુન:વાપરી શકાશે. બાકીના પાણી પર બીજા સ્તરની પ્રક્રિયા કરીને તેને દરિયામાં છોડવામાં આવશે. પ્રક્રિયા કરેલું પાણી ફરી વાપરી શકાય તે માટે પાલિકાના ભાંડુપ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ સુધી લઈ જવાશે. તે માટે ધારાવીથી ઘાટકોપર અને ઘાટકોપરથી ભાંડુપ કૉમ્પ્લેક્સમાં (વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ) બીજા તબક્કામાં ૧૧ કિલોમીટર લંબાઈની વોટર ટનલનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તો ધારાવાથી ઘાટકોપર સુધી સાડા આઠ કિલોમીટર લંબાઈની સ્યુએજ ટનલનના કામ માટે સીઆરઝેડની મંજૂરી આવશ્યક હતી, જે હવે મળી ગઈ હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. તેથી હવે ટનલ બાંધી શકાશે. સ્યુએજ વોટર ટનલ બનાવવા માટે ઘાટકોપરમાં અમુક વિસ્તાર ખાડીમાંથી પસાર થવાનો હોવાથી તે માટે સીઆરઝેડની મંજૂરી લેવાની બાકી હતી. કામ માટે વર્ક ઓર્ડર આપી દેવામાંઆવ્યો છે. ટનલ બાંધવા માટે પાંચ વર્ષનો સમય લાગશે.