કિતાબી દુનિયા
વિશ્ર્વપ્રસિદ્ધ ચિકિત્સક, પદ્મભૂષણ વિજેતા અને મેડિકલ નિષ્ણાત ડૉ. ફરોખ એરચ ઉદવાડિયાએ આ પુસ્તક વડે ઈતિહાસ લેખનના ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. એક પારસી વિદ્વાન તરીકે તેમણે માત્ર શુષ્ક તથ્યો જ નહીં, પરંતુ સાસાનિયન સામ્રાજયના ગૌરવ અને પતન સાથે જોડાયેલી સાંસ્કૃતિક સંવેદનાઓને પણ ઉજાગર કરે છે. આમાં ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સામગ્રી છે. પુસ્તકના કેન્દ્રમાં મુખ્યત્વે બે મહાસત્તા પર્શિયા (ઈરાન) અને રોમ વચ્ચેના સદીઓ લાંબા ભૌગોલિક-રાજકીય સંઘર્ષ છે.
ઉદવાડિયાનાં અગાઉનાં બે પુસ્તક પણ કે. આર. કામા ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટએ પ્રકાશિત કર્યા છે. કે. આર. કામા ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટના પ્રેસિડન્ટ હોમા ડી.પીટીટને ખાતરી છે કે આ પુસ્તકની સંશોધન કરી રહેલા વિદ્વાનો અને સામાન્ય વાંચકો સરાહના કરશે.
પુસ્તકમાં અરદશીર-એક પાર્થિયન વંશના અંત અને સાસાનિયન સ્થાપનાથી શરૂ થાય છે. શાપુર પ્રથમ દ્વારા એડેસાના યુદ્ધમાં રોમન વેલેરિયનને બંદી બનાવવાની ઘટનાને લેખકે સારી રીતે વાચા આપી છે. તે સાસાનિયન સૈન્યની વ્યૂહરચના અને અશ્ર્વદળની તાકાત પર પ્રકાશ પાડે છે. ઉદવાડિયા ઝોરોષ્ટ્રિયન ધર્મને રાજ્યના પાયા તરીકે દર્શાવે છે, પરંતુ આ સાથે સમયના ધાર્મિક અસહિષ્ણુતા અને કટ્ટરવાદના પરિણામોની પણ નિર્ભિક ચર્ચા કરે છે.
લેખક ફક્ત યુદ્ધનું વર્ણન કરતા નથી, પરંતુ શાસનના પતનના કારણોનું વિશ્ર્લેષણ પણ કરે છે. લેખક લખે છે કે ઉમરાવો અને લશ્કરી વડાઓ વચ્ચેના આંતરિક કલહે સામ્રાજયના પાયા નબળા કર્યા હતા. રોમન-બાયઝેન્ટાઈન સામા્રજ્ય સાથેના અવિરત યુદ્ધે પર્શિયાની તિજોરી ખાલી કરી નાખી હતી.
જસ્ટિનિયન પ્લેગ અને પૂર્વીય સરહદો પરના આક્રમણે શાસનને પતનના આરે લાવી દીધું હતું. યઝદેગર્દ ત્રીજાના અવસાન સાથે સામ્રાજયનો અંત આવ્યો હતો. લેખકે તેને કરૂણ અંજામ ગણાવ્યો છે. સાડાત્રણસો પાનાનું પુસ્તક નકશા, કાળક્રમ અને નક્ષ-એ-રૂસ્તમની મનમોહક છબીઓથી સજ્જ છે. ડૉ. ઉદવાડિયાની શૈલી રસપ્રદ છે. આ પુસ્તક માત્ર ઈતિહાસ નથી, પરંતુ સત્તાના અહંકાર અને સંસ્કૃતિના સંધ્યાકાળની ગંભીર ચેતવણી છે. ઈતિહાસના જિજ્ઞાષુઓ માટે આ એક અનિવાર્ય વાચન છે.
પુસ્તકનું નામ : રાવયલરી બીટવીન ધ પાર્થિયન ઍન્ડ સાસાનિયન પર્સિયન એમ્પાયર્સ ઍન્ડ રોમ
ધ રાઈસ ઍન્ડ ફોલ ઑફ ધ સાસાનિયન એમ્પાયર
લેખક : ફરોખ એરચ ઉદવાડિયા
પ્રકાશક : કે. આર. કામા ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટ, મુંબઈ
( કે. આર. કામા ઈન્સ્ટિટ્યૂટ, લાયન્સ ગેટ, ફોર્ટ પાસે આ બુક ખરીદી શકાશે)