નાગપુર: કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી ગ્રામિણ રોજગાર ગેરેન્ટી (મનરેગા) યોજનાનું નામ બદલવાના નિર્ણયની કૉંગ્રેસ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા સવાલોનો જવાબ આપતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કોંગ્રેસની ટીકા કરી હતી અને કહ્યું હતું કે વિરોધ પક્ષ સરકારની ફક્ત ટીકા જ કરે છે, જ્યારે લોકોને લાભ મળે છે ત્યારે પણ તેઓ સરકારની ટીકા જ કરી રહ્યા છે.
નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા, ફડણવીસે કહ્યું હતું કે મોદી સરકાર એક સકારાત્મક પરિવર્તન લાવ્યું છે જે દેશના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસને નોંધપાત્ર રીતે ગતિ આપશે.
કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં શુક્રવારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)નું નામ બદલીને ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના’ રાખવાના ખરડાને મંજૂરી આપી હતી અને તેના હેઠળ કામકાજના દિવસોની સંખ્યા હાલમાં 100 દિવસથી વધારીને 125 દિવસ કરવાનો નિર્ણય લીધો છે.
મનરેગાનું નામ બદલવાથી બિનજરૂરી ખર્ચ થશે તેવા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીના નિવેદન અંગેના સવાલનો જવાબ આપતાં ફડણવીસે કહ્યું હતું કે, ‘જ્યારે મનરેગા હેઠળ કામ થાય છે ત્યારે તેઓ ટીકા કરે છે, પરંતુ જ્યારે કોઈ કામ થતું નથી ત્યારે પણ તેઓ ટીકા કરે છે. જ્યારે લોકોને તેનો (યોજનાનો) લાભ મળે છે ત્યારે પણ તેઓ તેની વિરુદ્ધ બોલે છે.’
‘તેથી, તેમના પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. મોદી સરકાર ખૂબ જ સકારાત્મક પરિવર્તન લાવ્યું છે, જેનો ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ રોજગાર સર્જનને મોટો ફાયદો થશે,’ એમ મુખ્ય પ્રધાને કહ્યું હતું.
વિધાનભવન (રાજ્ય વિધાનસભા સંકુલ)ના પગથિયાં પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી ન આપવાની અને સરકારની રણનીતિનો ભાગ હોવાની ચર્ચા થઈ રહી છે તે અંગે ઉઠાવવામાં આવેલી ચિંતાઓ વિશે પૂછવામાં આવતા, ફડણવીસે કહ્યું, ‘અમારી પાસે આવી કોઈ રણનીતિ નથી. તેનાથી વિપરીત, હું ખૂબ ખુશ છું કે આ વર્ષના સત્રમાં ઘણી ચર્ચા ચાલી રહી છે.’
મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર હાલમાં નાગપુરમાં ચાલી રહ્યું છે.
‘મને પણ ખૂબ આનંદ છે કે આ સત્રમાં આટલા બધા બિલ મંજૂર થયા છે. ચર્ચા થાય ત્યારે આપણે ખુશ થવું જોઈએ કારણ કે પગથિયાં પર બેસીને વિરોધ કરવો અને ચર્ચામાં ભાગ ન લેવાને લોકશાહીમાં સ્થાન નથી. શક્ય તેટલી ચર્ચા થાય તો અમે તેનું સ્વાગત કરીએ છીએ,’ એમ તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ વિશે વાત કરતા, ફડણવીસે કહ્યું કે મુંબઈમાં આગામી મેયર શાસક મહાયુતિનો હશે.
કલ્યાણ-ડોમ્બિવલી (થાણે જિલ્લા)માં ફક્ત બે જ મુખ્ય પક્ષો છે અને તે શિવસેના અને ભાજપ છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે અન્ય પક્ષોનું ત્યાં બહુ અસ્તિત્વ નથી.
‘અમે (શિવસેના-ભાજપ) સાથે બેસીને બેઠકોની વહેંચણી પર નિર્ણય લઈશું,’ એમ તેમણે કહ્યું હતું.